મહિલા શક્તિની આત્મનિર્ભરતાને સલામ: ગ્રામીણ ભારતની કળાને ગ્લોબલ બનાવવાનો પ્રયાસ
કચ્છની કળાના કામણ હવે દેશ-વિદેશમાં પથરાઈ રહ્યા છે. ગ્રામીણ ભારતની કળા વૈશ્વિક ફલક પર ખ્યાતિ પામે તેવા ઉમદા હેતુથી અમદાવાદ સ્થિત અદાણી કોર્પોરેટ હાઉસ ખાતે ગ્રામ ભારતી-2022 પ્રદર્શન યોજાયું. આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશન સાથે જોડાયેલા ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીશગઢ, તામિલનાડુ, મધ્યપ્રદેશ વગેરે રાજયોની મહિલાઓ જૂથોએ ભાગ લીધો. જેમાં મુંદ્રાના સ્વસહાય મહિલા જૂથોની હસ્તકળાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે અદાણી જૂથના ચેરમેન ગૌતમભાઈ અદાણી દ્વારા મુંદ્રાની 75 ઉદ્યમશીલ બહેનોની સફળ વાર્તાઓ ધરાવતાં પુસ્તક પ્રગતિનું લોકાર્પણ કરવામાં આવ્યું.
નવરાત્રી દરમિયાન આયોજીત ગ્રામ ભારતી-2022 પ્રદર્શન અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું. તેઓએ સ્ટોલ્સની મુલાકાત લઈ સ્વસહાય જૂથોની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો.પ્રિતી અદાણીએ પણ સ્ટોલ્સની જાત મુલાકાત લઈ પ્રોડક્ટ્સ વિશેની માહિતી મેળવી હતી. કચ્છ જિલ્લાના સ્વસહાય જૂથોએ કચ્છનું સુફ ભરત, વોલ હેંગીંગ, બેગ, ડ્રેસ, દોરીકામ, મડવર્ક, દિવડાઓ, ફ્રેમ, કચ્છી ધડકી, સોફ્ટ ટોયસ, મોતીકામ, ઉનની વિવિધ બનાવટો, તમામ પ્રકારના નાસ્તાઓ વગેરેનું પ્રદર્શન કર્યુ હતું. લોકોએ હસ્તકળાની કિંમત સામેનહી, પરંતુ બહેનોના આત્મનિર્ભર બનવાના મજબૂત ઈરાદાઓને સલામ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
ત્રીદિવસીય પ્રદર્શનમાં કંપનીના કર્મચારીઓએ ભારે સંખ્યામાં લાભ લઈ ગ્રામજનોની કળાને વખાણી હતી. મુંદ્રાના સ્વસહાય જૂથોની મહિલાઓએ માત્ર બે દિવસમાં 1.50 લાખથી વધુની કમાણી કરી એક લાખથી વધુના ઓર્ડર મેળવ્યા હતા. ગ્રામ ભારતી પ્રદર્શનમાં સહભાગી સ્વસહાય જૂથોને શીલીનબેન અદાણીના હસ્તે રૂ. 5000/- ની રકમ પ્રદાન કરવામાં આવી હતી. જેમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાઇરેકટર વી.એસ. ગઢવી, ફાઉન્ડેશનના સી.ઓ.ઓ. ચંદ્રશેખર ગોડા સહિત ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામ ભારતીમાં ભાગ લેનાર મેઘધનુષ ગ્રૂપના નિતાબેન કોકાએ જણાવ્યું હતું કે “અમારા જેવી બહેનોની કળાને પ્રદર્શિત કરવાની તક આટલા મોટા કોર્પોરેટ હાઉસમાં મળશે એવું સપનેય વિચાર્યુ નહોતુ. હું અદાણી ફાઉન્ડેશન મુંદ્રાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમના લીધે અમને આ અવસર મળ્યો. મને વિશ્વાસ છે કે, આ તક અમારી તસવીર અને તકદીર બદલનારી સાબિત થશે.