આત્મનિર્ભર તરફ ડગલું…
દેશમાં ૩૮૬,૫૪ લાખ ટન ઘઉંનું ઉત્પાદન: મધ્યપ્રદેશે પંજાબની સાઈડ કાપી
દેશને આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન મોદીએ આહવાન કર્યું હતું અને રૂા.૨૦ લાખ કરોડના આત્મનિર્ભર પેકેજની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ આત્મનિર્ભર પેકેજની અમલવારી તબક્કાવાર થઈ રહી છે ત્યારે દેશને આત્મનિર્ભરતા તરફ લઈ જવા કૃષિ સેકટરનું મહત્વનું યોગદાન સામે આવ્યું છે. વર્તમાન સમયે ઘઉંનું ઉત્પાદન રેકોર્ડબ્રેક થયું છે. ઉપરાંત લઘુતમ ટેકાના ભાવથી પણ ખેડૂતોને ફાયદો થયો છે. આંકડા મુજબ દેશમાં ચાલુ વર્ષે ૩૮૬૫૪ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું છે અને અત્યાર સુધીમાં ઘઉંના ઉત્પાદનમાં ટોચના સ્થાને રહેલા પંજાબને મધ્યપ્રદેશે પાછળ છોડી દીધું છે.
દેશના વિકાસમાં કૃષિનો ફાળો હંમેશાથી અગ્રક્રમે રહ્યો છે. આગામી સમયમાં પણ કૃષિ અને દૂધ ઉત્પાદન ક્ષેત્ર ૨.૫ ટકાના દરે વિકાસ કરશે તેવું આંકડાઓ કહી રહ્યાં છે. ગત વર્ષે વાવણીમાં ખુબજ બુમ જોવા મળી હતી. જેના પરથી ચાલુ વર્ષે તમામ પાકોમાં બમ્પર ઉત્પાદન મળશે તેવી આશા જાગી હતી. દેશના અર્થતંત્રમાં ખેતી પારંપરીક રીતે ૬૫% હિસ્સો આપશે જ તેવું ફલીત થયું હતું. ત્યારે હવે સરકારે લઘુતમ ટેકાના ભાવ થકી ખેડૂતોની આવકમાં વધારો કરવાનું પુરજોશમાં શરૂ કર્યું છે. દેશમાં શિયાળુ ઘઉનું ઉત્પાદન ટોચે પહોંચ્યું છે. જેનાથી ખેડૂતોની આવક વધશે.
આંકડા મુજબ મધ્યપ્રદેશમાં ૧૨૭ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. દેશમાં કુલ ઉત્પાદનમાં આ ટકાવારી ૩૩ ટકા છે. ઉપરાંત મધ્યપ્રદેશમાં ૧૪.૧૯ લાખ ખેડૂતોને સરકારે સરેરાશ ૭ દિવસમાં બેંકમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ગત વર્ષેની સરખામણીએ ચાલુ વર્ષે મધ્યપ્રદેશમાં સરકારે લઘુતમ ટેકાના ભાવમાં ૭૪ ટકાનો વધારો કરી ખરીદી કરી હતી. જેનાથી ખેડૂતોની આવકમાં ઘણો વધારો થયો છે. ઘઉંના ઉત્પાદનમાં અત્યાર સુધી પંજાબ મોખરાનું રાજ્ય હતું. હવે તેનું સ્થાન મધ્યપ્રદેશે લઈ લીધું છે. સૌરાષ્ટ્રમાં પણ ચાલુ વર્ષે ધીંગુ ઉત્પાદન જોવા મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યાં છે. લઘુતમ ટેકાના ભાવમાં કરાયેલા વધારાના પગલે ખેડૂતોને લાંબાગાળા ફાયદો થશે તેવું માનવું ખોટું નથી.