રિટેલ વેપારીને માલ મળી રહે તે માટે વાહનોને મંજૂરી અપાશે
જામનગરમાં કોરો નાના કેસ વધતા ગ્રેન માર્કેટ ૧૭ મે સુધી બંધ કરવાના નિર્ણય સામે રિટેલ વેપારી મહા મંડળે વિરોધ વ્યકત કરી જથ્થાબંધ માલ ન મળતાં નાની દુકાનો બંધ થશે તેમ જણાવ્યું છે. બીજી બાજુ નાના વેપારીઓ અને લોક ફરિયાદોને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રેન માર્કેટ શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત છૂટક વેપારીએ માલનું લીસ્ટ ફોન પર જથ્થાબંધ વેપારીને મોકલવાનું રહેશે. જેથી રિટેલ વેપારીઓને દુકાન પર માલ મળી રહે. આ માટે માલની હેરફેર માટે વાહનોને મંજૂરી આપવામાં આવશે.
જામનગર શહેર-જિલ્લામાં શુક્રવારે એક જ દિવસમાં કોરો નાના ૧૪ પોઝિટિવ કેસ નોંધાતા ગ્રેન માર્કેટ તાકીદે બંધ કરાઇ છે. આ અંગે જામનગર રિટેલ વેપારી મહા મંડળના પ્રમુખ શશિકાંત મશરૂ જણાવ્યું છે કે, આ નિર્ણય આવકારદાયક છે પણ તેની સીધી અસર છૂટક માલનું વેચાણ કરતા રિટેલ વેપારીઓ પર પડશે.આથી લોકોની મુશ્કેલીઓ પણ વધશેઅનાજ, ખાંડ, ખાધ્યતેલ, કરિયાણું , ખરીદવા માટે રિટેલ રો ગ્રેન માર્કેટમાં જ આવે છે, જો આ વિસ્તાર જ એક અઠવાડિયું બંધ રહેતો છૂટક વેપારી ઉપરોક્ત ચીજવસ્તુઓ ક્યાંથી ખરીદશે. કારણ કે, હાપા માર્કેટ યાર્ડ પણ બંધ છે. આથી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માંગણીઓ કરી હતી. બીજી બાજુ સોમવારે આ અંગે જિલ્લા કલેકટર રવિશંકર જણાવ્યું હતું કે, રિટેલ વેપારીઓ અને લોકોની ફરિયાદો મળી છે. જેના અનુસંધાને ગ્રેન માર્કેટ શરૂ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.આ માટે છૂટક વેપારીઓએ સબંધિત જથ્થાબંધ વેપારીઓએ માલનું લીસ્ટ ફોન પર મોકલવાનું રહેશે. જેથી માલની ડીલીવરી દુકાન પર થશે. આ માટે માલ લઇ જતાં વાહનોને આવાગમનની મંજૂરી આપવામાં આવશે. પરિણામે શહેરના જનજીવનને રાહત થશે.
કરિયાણાની દુકાનો બંધના પગલે કાળાબજાર થતા હોવાની રાવ
ગ્રેઈન માર્કેટમાં જથ્થાબંધ વેપાર માટે તંત્રએ બપોરે બે થી ચાર સુધી માત્ર બે જ કલાકનો સમય જાહેર કર્યો, અને પ્રથમ દિવસે જ રીટેઈલ વેપારીઓ તેમજ બારમાસી અનાજ ભરનાર જાહેર પબ્લિક પણ ખરીદી માટે ગ્રેઈન માર્કેટમાં વાહનો સાથે ખડકાઈ જતાં ભારે અવ્યવસ્થા સર્જાઈ, સોશ્યલ ડિસ્ટન્સીંગનો ઉલાળિયો થયો, પોલીસ તંત્ર પણ આ ભીડને કાબૂમાં રાખવા નિષ્ફળ ગઈ, અને કેટલાક વેપારીઓ ગ્રાહકોની ભીડના કારણે દંડાયા પણ ખરા!
ગ્રેઈન માર્કેટ ૧૭ મી સુધી બંધ રહેવાના પગલે હાલ જે રીટેઈલ વેપારીઓ પાસે ચા-ખાંડ, ઘઉં-બાજરો, કઠોળ, તેલના ડબ્બા, તેલના કેરબાનો મોટો સ્ટોક છે તેમના દ્વારા ઊંચા ભાવ ગઈકાલથી જ પડાવાઈ રહ્યા છે! તેલના ડબ્બાના બજાર ભાવ કરતા રૃા. ર૦૦ થી રૃા. રપ૦ વધુ લેવાયા હોવાનું જાણવા મળે છે. તો અન્ય ચીજવસ્તુઓમાં પણ એક કિલોના ભાવ રૃપિયા બે થી પાંચ કે દસ જેવા બેફામ ભાવ સાથે રીતસર લૂંટ ચલાવવામાં આવી રહી છે. ચિંતા અને દહેશતમાં અટવાયેલી લાચાર જનતા કાળાબજારના ભાવે આજીજી કરીને, લાઈનમાં ઊભા રહીને પણ વસ્તુઓ ખરીદ કરી રહી છે.
આ સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રએ તરત જ જથ્થાબંધ વેપારીઓ, રીટેઈલ વેપારીઓ અને અંતે પ્રજાને કોઈપણ જાતનો વધુ ભાવ ન આપવો પડે, લોકોને તમામ ચીજવસ્તુ પર્યાપ્ત જથ્થામાં નિયમિત રીતે મળી રહે તેવી વ્યવસ્થા સાથેનું સમયપત્રક, બંદોબસ્ત અંગેનો આદેશ જાહેર કરવો તે આજની હાલની ક્ષણની અનિવાર્ય માંગ છે.