હવે ગ્રેજ્યુએશનની સાથે સાથે ક્લાર્કની ભરતી માટે લેખિત પરીક્ષા પણ ફરજિયાત કરાઇ
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે જોડાયેલી તમામ શાળાઓમાં જુનિયર ક્લાર્કની ભરતી કરવા માટે હવે ઓછામાં ઓછા ગ્રેજ્યુએશનની લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે. આજ રીતે સામાન્ય રીતે ક્લાર્કની નિયુક્તિ માટે કોઇ પરીક્ષા લેવામાં આવતી ન હતી પણ હવે પછી કરાયેલા નવા સુધારામાં ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ હવે આ લાયકાતના આધારે જ આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા નવી ભરતી માટેના નિયમોમાં કરાયેલા ફેરફાર પ્રમાણે જુનિયર ક્લાર્કની ભરતી માટે પણ હવે ગ્રેજ્યુએશનની લાયકાત ફરજિયાત કરવામાં આવી છે. સામાન્ય રીતે ધોરણ-12 પાસની લાયકાતના આધારે ભરતી કરવામાં આવતી હોય છે. પરંતુ હવે જુનિયર ક્લાર્ક માટે પણ ગ્રેજ્યુએશન હોય તો જ ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત ક્લાર્ક કક્ષાની ભરતી માટે લેખિતમાં પરીક્ષા લેવી જ એવો કોઇ નિયમ ન હતો. હવે પછી ક્લાર્કની ભરતી કરવી હોય તો પણ લેખિત પરીક્ષા લેવી પડશે. એવું નક્કી કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા તમામ વિભાગોમાં કરવામાં આવતી જુદી-જુદી જગ્યાઓની ભરતીમાં ઓછામાં ઓછી ગ્રેજ્યુએશનની લાયકાત નિર્ધારિત કરી દેવામાં આવી છે. હાઇસ્કૂલમાં પટ્ટાવાળા કે ક્લાર્કની ભરતી કેવી રીતે કરવી તેનો નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવતો હોય છે.
તાજેતરમાં મળેલી બેઠકમાં હવે પછી થનારી ભરતીની પ્રક્રિયામાં કેટલાક મહત્વના ફેરફારો કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં કોમ્પ્યૂટરની લાયકાતને ધ્યાનમાં લેવા માટે ટ્રીપલ-સીની પરીક્ષાનું સર્ટીફીકેટ માન્ય કરવામાં આવતું હતું. જો કે હવે પછી ધોરણ-10 અને ધોરણ-12માં ઉમેદવારોએ કોમ્પ્યૂટરની પરીક્ષા પાસ કરી હોય તો તેને પણ માન્ય કરવી તેવું નક્કી કરવામાં આવ્યું છે. અગાઉની જેમ સ્કૂલમાં પટ્ટાવાળા તરીકે કામગીરી કરતા ઉમેદવારોને જુનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન આપવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. આ માટે પટ્ટાવાળા તરીકે ચાર વર્ષ સળંગ નોકરી કરી હોવી જરૂરી છે.
અગાઉ ધોરણ-12 પાસ હોય તો પણ જુનિયર ક્લાર્ક તરીકે નિયુક્તિ અપાતી હતી
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં અત્યાર સુધી ધોરણ-12 પાસ હોય તો પણ જુનિયર ક્લાર્ક તરીકે ઉમેદવારોને નિયુક્તિ આપવામાં આવતી હતી. પરંતુ હવે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને ધો.12 પાસ પછી ફરજિયાત ગ્રેજ્યુએશન કરેલું હોય તેવા જ ઉમેદવારોને ક્લાર્ક તરીકે પસંદગી આપવામાં આવશે.