ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં લાંબા સમયથી અનેક જગ્યાઓ ખાલી પડી રહી છે. જગ્યા ભરવા પરીક્ષાઓનું આયોજન તો થાય છે. પરંતુ પછીથી તે કોઈને કોઈ કારણસર મોકૂફ થાય છે. અને જે પરીક્ષાઓ લેવાઈ તેમાં મોટાભાગના પરિણામો જાહેર થવામાં મોડું થયું હોય અથવા તો તેમાં પણ કોઈને કોઈ કારણસર ભરતી અટકી હોય. જ્યારે જ્યારે પરીક્ષા મોકૂફ થાય ત્યારે ત્યારે તનતોડ મહેનત કરતા ઉમેદવારોની તૈયારીઓ પર પાણી ફરી વળે છે. તેમનું મનોબળ પણ તૂટે છે.
શિક્ષણ વિભાગમાં 32 હજાર શિક્ષકોની સાથે મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. આરોગ્ય વિભાગમાં મોટાભાગના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગતી ચાલી રહ્યા છે. મહેસુલ વિભાગમાં 6 હજારથી વધુ તલાટીની જગ્યા ખાલી છે. બે-ત્રણ ગામ વચ્ચે એક તલાટી જવાબદારી સંભાળે છે.
વસ્તીના પ્રમાણે કાયદો-વ્યવસ્થા સંભાળતા પોલીસ દળમાં પણ 40 ટકા જેટલી જગ્યા ખાલી છે. 15 વર્ષથી શાળા-કોલેજ, જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરાતી નથી. શારીરિક શિક્ષણના શિક્ષકો, અધ્યાપકોની ભરતી 15 વર્ષથી કરાઈ નથી. તલાટીની ભરતી માટે 15-15 લાખ રૂપિયાનો વહીવટ થતો હોય તેવો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં સાડા ચારથી પાંચ લાખ જગ્યા લાંબા સમયથી ખાલી છે.