મીની ટીપર વાહન મારફત ગાર્બેજ કલેક્શનની કામગીરીમાં જીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમનું મહત્વપૂર્ણ યોગદાન : સુનિશ્ચિત સ્થળો બાકાત રહે તો ઓનલાઈન પેનલ્ટી જનરેટ થશે: મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની
શહેરના તમામ ૨૮૭ રૂટ પર કુલ કુલ ૫૩૫૫ સ્થળો નક્કી કરાયા છે, જેને POI તરીકે ઓળખવામાં આવે છે; મિનિ ટીપર વાહને આ POIને આવરી લેવાના રહેશે
રાજકોટ શહેરના તમામ વોર્ડમાં મીની ટીપર વાહન મારફત ગાર્બેજ કલેક્શન કરવામાં આવે છે. મીની ટીપરની કામગીરી વધુ સધન અને સારી રીતે થાય તે માટે મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા જીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ (GPS Tracking System) તા. ૫ જુલાઈથી અમલીકરણ કરવાનું નકી કરવામાં આવેલ છે. રાજકોટ શહેર સ્માર્ટ સિટી મિશન હેઠળ લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી પોતાની વિવિધ કામગીરી વધુ ચોકસાઈભરી બની રહે તે માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે.
મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આ નવી પહેલ વિશે વાત કરતા એમ જણાવ્યું હતું કે, શહેરભરમાં મિનિ ટીપર વાહનની મદદથી થતી ગાર્બેજ કલેક્શનની કામગીરીમાં નિયમિતતા અને પારદર્શિતા લાવવામાં જીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ અત્યંત આશીર્વાદરૂપ પૂરવાર થશે.
તેમણે કહ્યું કે, શહેરમાં ત્રણેય ઝોનના તમામ મીની ટીપર રૂટમાં GPS Tracking માટે કુલ ૫૩૫૫ POI (Point of Interest) લેવામાં આવેલ છે. અર્થાત દરેક રૂટમાં આશરે ૨૦ થી ૨૫ જગ્યાઓ સુનિશ્ચિત કરવામાં આવેલ છે. સમગ્ર શહેરની વાત કરીએ તો શહેરના તમામ ૨૮૭ રૂટ પર આવા કુલ કુલ ૫૩૫૫ સ્થળો નક્કી કરવામાં આવેલ છે, જેને POI તરીકે ઓળખવામાં આવે છે. મિનિ ટીપર વાહને આ POIને આવરી લેવાના રહે છે. જીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ સોફ્ટવેર મારફત તમામ POI ને વાહન સાથે સાંકળી લેવામાં આવેલ છે.
મીની ટીપર વાહન ગાર્બેજ કલેક્શન માટે GPS Tracking ચાલુ થવાથી આ વાહન તેના રૂટ પર ક્યારે ક્યાં હતું, રૂટ અને પી.ઓ.આઈ. બરોબર આવરી લીધેલ છે કે કેમ, વાહનની સ્પીડ કેટલી હતી, રૂટમાં કરવાની થતી કામગીરી અધુરી મુકાઈ છે કે કેમ, વાહન રૂટ સિવાયના બીજા કોઈ રસ્તે ડ્રાઈવ થયું છે કે કેમ વગેરે જેવી માહિતી હવે સોફ્ટવેરની મદદથી આસાનીથી મોનીટર થઇ શકશે. આ સોફ્ટવેર રાજકોટ મહાનગરપાલિકાના આઈ-વે પ્રોજેક્ટના “કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર” ખાતે પણ મોનીટર કરી શકાય છે.
હવેથી જેટલા પણ પી.ઓ.આઈ. ચુકાઈ જશે એટલે કે, જે રૂટમાં નક્કી કરાયેલા નિશ્ચિત સ્થળોએ જો મિનિ ટીપર વાહન ઉભું નહી રહે તો જીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ ઓનલાઈન જ પેનલ્ટી જનરેટ કરશે અને કોન્ટ્રાક્ટરના બીલની કુલ રકમમાંથી પેનલ્ટીની રકમ કપાત કરવામાં આવશે.
મિનિ ટીપર વાહનને જે રૂટ સોંપવામાં આવેલ હોય તેમાં જો કોઈ ફેરફાર થાય ( રૂટ ડેવિયેશન ) તો તુર્ત જ જીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમમાં તેની જાણકારી મળી જશે. માત્ર એટલું જ નહી, કોઈ રૂટમાં કામગીરી બાકી રહે તો પણ તુર્ત જ રૂટ પ્લેબેકમાંથી બાકી કામગીરીની વિગતો પણ જાણી શકાશે અને તેના પરથી કામગીરીમાં બેદરકારી સબબ ઓનલાઈન પેનલ્ટી જનરેટ થશે અને કોન્ટ્રાક્ટરે એ રકમ ભોગવવી પડશે.
હાલ રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં ગાર્બેજ કલેક્શન માટે ૨૮૭ રૂટ નક્કી કરેલા છે અને તેના માટે કુલ ૩૦૨ (સ્પેર વાહન સહિત) મિનિ ટીપર વાહનની મદદ લેવામાં આવી રહી છે.
જીપી.એસ. ટ્રેકિંગ સિસ્ટમની મદદથી મિનિ ટીપર વાહનની કામગીરી એકદમ પારદર્શક અને ચોક્ક્સાઈપૂર્ણ બનશે.