કીંદરખેડાથી ચાર યુવાનો કારમાં પોરબંદર આવી રહ્યા હતા ત્યારે સામે આવતી ખાનગી બસ સાથે અથડાતા કાળનો કોળિયો બન્યા
અકસ્માત બાદ બસ રોડ પરથી નીચે ઉતરી જઈ ઝાડ સાથે અથડાતા 10 મુસાફરો ઘવાયા
પોરબંદર-ખંભાળીયા ધોરી માર્ગ પર આવેલ દેગામ પાસે ખંભાળીયાની ખાનગી ટ્રાવેલ્સની બસ અને કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા જ્યારે ગંભીર રીતે ઘવાયેલા બે યુવકોને પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબોએ બન્ને યુવકોને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ ઉદ્યોગનગર પોલીસ મથકના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી જઈ સર્જાયેલા ટ્રાફીકને કલીયર કરી મૃતદેહને પી.એમ.અર્થે ખસેડયા હતા. આ બનાવથી મેર સમાજના લોકો હોસ્પિટલે દોડી ગયા હતા અને નાના એવા કીંદરખેડા ગામમાં શોકનુ મોજુ ફેલાયુ છે.
વધુ વિગત મુજબ પોરબંદર તાલુકાના કિંદરખેડાથી પોરબંદર તરફ આવી રહેલી જીજે૨બીએચ ૯૩૬૦ નંબરની કારમાં પોતાના ગામ કીંદરખેડા તરફ આવી રહયા હતા ત્યારે ખંભાળીયાથી સોનલકૃપા ટ્રાવેલ્સની જીજે૧૧ટીટી ૯૩૯૨ નંબરની બસ પુરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે ત્યારે કાર અને ખાનગી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કારમાં રહેલા કિંદરખેડા ગામે મહેરસમાજ પાસે રહેતા હરદાસભાઇ હમીરભાઇ મોઢવાડીયા (ઉ.વ. ૪૦) અને કિંદરખેડાની કામીયુ સીમમાં રહેતા રામભાઇ વિરમભાઇ ઓડેદરા (ઉં.વ. ૪૫)ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જયારે કિંદરખેડાના હિતેશભાઇ રામદેભાઇ કેશવાલા (ઉ. વ.૨૨)તથા રામસવદાસ મોઢવાડિયા (ઉવ ૪૫)ને ગંભીર ઈજાઓ થતા
પોરબંદર સરકારી હોસ્પીટલે સારવારમાં ખસેડાયા હતા.જ્યાં બન્ને ની સ્થિતિ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં પહોંચે તે પહેલા રસ્તામાં જ બન્નેના મોત થયા હતા.અકસ્માત થતા બસ પણ રસ્તાની નીચે ઉતરી ગઈ હતી અને વૃક્ષ સાથે અથડાઈ હતી આથી બસમાં સવાર પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા અરજનભાઇ પેથાભાઇ (ઉ.વ. ૩૫) રોકડીયા હનુમાનમંદિર વિસ્તારમાં રહેતા વિનોદભાઇ નાથાલાલ માવદીયા (ઉ.વ. ૪૮) તથા રેખાબેન વિનોદભાઇ માવદીયા (ઉ.વ. ૩૪)સહિતનાને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે અન્ય પાંચેક મુસાફરોને અન્ય વાહનો મારફ્તે ખાનગી હોસ્પિટલોમાં લઇ જવાયા હતા.
સમગ્ર હાઈવે પર બન્ને બાજુ વાહનોનો ખડકલો થયો હતો અકસ્માતની જાણ થતા પોલીસ કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફ્ટિ ખુલ્લો કરાવ્યો હતો ચાર-ચાર યુવાનો ના અકસ્માતે મોત થતા કિંદરખેડા ગામ સહીત સમગ્ર બરડા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો પણ બુકડો બોલી ગયો હતો.જ્યારે એક સાથે ચાર યુવકના અકસ્માતમાં મોતથી નાના એવા કીંદરખેડા ગામમાં શોકનુ મોજુ ફેલાયુ છે.