કુવાડવા નજીક માલીયાસણ પાસે બે કાર અને બે ટ્રક અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણના ઘટના સ્થળે અને એક યુવકનું સારવાર દરમિયાન હોસિપ્ટલમાં મોત નીપજ્યું છે. મનહર પ્લોટના ગેરેજ સંચાલક પોતાના મિત્ર સાથે ચોટીલા બીજ ભરવા જતો હતો ત્યારે માલીયાસણ નજીક સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં કાળનો કોળીયો બની ગયા છે. નેશનલ હાઇ-વે પર એક સાથે ચાર વાહન અથડાવવાના કારણે હાઇ-વે પર ટ્રાફિક જામ થઇ જતા કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે ક્રેઇનની મદદથી અકસ્માતમાં ભાંગીને ભુકો થઇ ગયેલા વાહનો દુર કરાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે.

રાજકોટથી ચોટીલા બીજ ભરવા જતા પરિવારની કારનો બુકડો બોલી ગયો: ગેરેજ સંચાલક અને મિત્રના પુત્રના મોત

એક સાથે ચાર વાહન અથડાતા કુવાડવા રોડ પર ટ્રાફિક જામ: પોલીસે ક્રેઇનની મદદથી ટ્રાફિક ક્લિયર કરાવ્યો

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માલીયાસણ પાસે વહેલી સવારે જી.જે.13એપી. 7353 નંબરની એસન્ટ, જી.જે.3બીએ. 2032 નંબરની બલેનો કાર સાથે પાછળથી પુર ઝડપે કાળ બનીને ઘસી આવેલા ડમ્પરે ઠોકર મારતા આગળ યુ ટર્ન લઇ રહેલા ટ્રક સાથે બંને કાર ઘુસી જતા ગોજારા અકસ્માત સર્જાયો હતો.

મનહર પ્લોટ શેરી નંબર 14માં રહેતા અને ખોડીયાર ગેરેજનો વ્યવસાય કરતા હિરેનભાઇ વશરામભાઇ સગપરીયા નામના 45 વર્ષના પટેલ યુવાન પોતાના નહેરુનગરમાં રહેતા અને મંગળા રોડ પર પાર્થ ઓટો નામે સ્પેર પાર્ટનો ધંધો કરતા ભરતભાઇ ખીમજીભાઇ સોલંકી તેમા પુત્ર પાર્થ સાથે ચોટીલા બીજ નિમિતે વહેલી સવારે દર્શન  કરી એસન્ટ કારમાં પરત આવી રહ્યા હતા.

એસન્ટ કાર માલીયાસણ પાસે પહોચી ત્યારે બ્રીજ પાસે એક ટ્રક યુ ટર્ન લેતો હોવાથી કારને ઉભી રાખી દીધી હતી ત્યારે તેમની પાછળ આવતી બલેનો કારના ચાલકે પણ તેમની કાર ઉભી રાખી દીધી હતી. બલેનો પાછળ પુર ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલક પોતાની સ્પ્રીડ કંટ્રોલ કરી ન શકતા બંને કારને ઠોકર મારી યુ ટર્ન લઇ રહેલા ટ્રક ઘુસાડી દીધી હતી.

બે ટ્રક અને બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હિરેનભાઇ સગપરીયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય ત્રણના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઇ જતા કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફ ઘટના સ્થળે પહોચી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયા છે. અને ક્રેઇનની મદદથી અકસ્માતમાં ભાંગીને ભુકો થયેલા વાહનો દુર કરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો છ.ે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.