વિન્દફોલ ટેક્સ રૂ. 1600નો વધારો, હવે પ્રતિ ટન રૂ.4250નો ટેક્સ લાગશે : ડીઝલની નિકાસ ઉપર રૂ. 1 પ્રતિ લીટર ડ્યુટી લાગશે
કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સમાં ધરખમ વધારો કર્યો છે. 1 ઓગસ્ટના રોજ સરકારે ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ વધારીને તેના બમણાથી વધુ કર્યો હતો. સરકારે સોમવારે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ક્રૂડ પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સ 1,600 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 4,250 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. આ સિવાય સરકારે ડીઝલની નિકાસ પરની ડ્યૂટી પણ શૂન્યથી વધારીને 1 રૂપિયા પ્રતિ લીટર કરી દીધી છે.
જ્યારે પેટ્રોલ અને એવિએશન ફ્યુઅલ પર વિન્ડફોલ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 1 જુલાઈ, 2022ના રોજ ભારત સરકારે ક્રૂડ ઓઈલ ઉત્પાદકો પર અનપેક્ષિત ટેક્સ અને ગેસોલિન, ડીઝલ અને ઉડ્ડયન ઈંધણની નિકાસ પર ડ્યૂટી લગાવી હતી. સરકારે આ નિર્ણય લીધો હતો કારણ કે ખાનગી રિફાઇનર્સ તેને સ્થાનિક રીતે વેચવાને બદલે મજબૂત માર્જિન સાથે વિદેશી બજારોમાં વેચીને નફો મેળવવા માગે છે.
આ કારણોસર, સરકારે 1 જુલાઈ, 2022 થી દેશમાં કાચા તેલના ઉત્પાદન અને નિકાસ પર વિશેષ વધારાની આબકારી જકાત લાદવાનો નિર્ણય કર્યો. સરકાર દ્વારા દર 15 દિવસે તેની સમીક્ષા કરવામાં આવે છે. આ અંતર્ગત અગાઉ 15 જુલાઈના રોજ સરકારે પેટ્રોલિયમ ક્રૂડના ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સ વધારીને 1600 રૂપિયા પ્રતિ ટન કર્યો હતો. હવે ફરી એકવાર તેમાં વધારો કરવામાં આવ્યો છે.
સ્થાનિક તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ, ડીઝલ, ગેસોલિન, એવિએશન ફ્યુઅલ અને પેટ્રોલિયમ ક્રૂડની નિકાસ પર સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સ વસૂલવામાં આવે છે. વાસ્તવમાં, આ ટેક્સ દ્વારા સરકાર ખાનગી તેલ કંપનીઓને સ્થાનિક બજારમાં ઉત્પાદનો વેચવા માટે પ્રેરિત કરે છે. તેલ કંપનીઓ ભારતમાં તેલ વેચવાને બદલે વિદેશી બજારોમાં તેલ વેચીને જંગી રિફાઇનિંગ માર્જિન કમાય છે. સરકારે આ કંપનીઓના આ નફા પર ટેક્સ લાદવાનો નિર્ણય કર્યો, જેથી આ તેલ કંપનીઓને સ્થાનિક બજારમાં આ પેટ્રોલિયમ ઉત્પાદનો વેચવા માટે પ્રેરિત કરી શકાય.