હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય સરકાર એલર્ટ મોડમાં
સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે. સોરઠમાં જાણે આભ ફાટ્યું હોય તેમ છેલ્લા 24 કલાકથી સુપાડાધારે વરસાદ પડી રહ્યો છે. હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય સરકાર ચિંતિત થઇ ગઇ છે. આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટમાં અતિભારે વરસાદ અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ભારે વરસાદની આગાહીને પગલે વહિવટી તંત્રને એલર્ટ મોડ પર રહેવા માટે તાકીદ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને દર બુધવારે રાજ્ય સરકારના મંત્રી મંડળની બેઠક મળતી હોય છે.
આજે સવારે સચિવાલય ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં સૌથી મહત્વનો અને મુખ્ય મુદ્ો છેલ્લા બે દિવસથી સોરઠ સહિત સૌરાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં વરસી રહેલા અનરાધાર વરસાદનો રહ્યો હતો. સીએમએ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાથે વાતચિત કરી સમગ્ર સ્થિતિનો ચિત્તાર મેળવ્યો હતો. સાથોસાથ સરકારની કોઇપણ જરૂરિયાત હોય તો મદદ માટેની તૈયારી પણ દેખાડી હતી. એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.
આગામી 27 અને 28 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પીએમના ગુજરાત પ્રવાસને લઇને પણ કેબિનેટમાં તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. વરસાદ બાદ વાવેતર અંગે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે અંગે પણ કેબિનેટમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. અલગ-અલગ નિતી વિષયક બાબતો અંગે પણ કેબિનેટમાં ચર્ચા થઇ હતી. ભારે વરસાદના અસરગ્રસ્ત જિલ્લાઓમાં મંત્રીઓને મોકલવામાં આવે તેવી પણ સંભાવના જણાઇ રહી છે.