કોરોના મહામારીને કારણે તમામ ક્ષેત્રની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી તો વિદેશથી આવતા મુસાફરો અને નાગરિકો પર ભારત આવવાથી પ્રતીબંધ મુકાયો હતો જેમાં હવે ધીમે ધીમે છુટ આપવામાં આવી રહી છે. આજે ભારત સરકારે વિઝા નિયમોમાં છૂટછાટ આપી તમામ વિદેશી નાગરિકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી છે. જો કે મુસાફરો પર હજુ પ્રતિબંધ યથાવત રખાયો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર, ભારતના તમામ વિદેશી નાગરિક,પર્સન ઓફ ઈન્ડિયા અને ઓરિજિન કાર્ડ ધારકો ભારત આવી શકશે. ગૃહ મંત્રાલયે અનલોક -5 હેઠળ તમામ પ્રકારના વિઝાને બહાલી આપવાનો આ નિર્ણય કર્યો છે. જો કે સરકારે હજુ સુધી ટૂરિસ્ટ વિઝાની મંજૂરી આપી નથી.
આ અંગે ઘોષણા કરતાં ગૃહમંત્રાલયે કહ્યું કે ઇલેક્ટ્રોનિક વિઝા, ટૂરિસ્ટ વિઝા અને મેડિકલ વિઝા સિવાયના તમામ પ્રકારના વિઝા તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. જો આવા વિઝાની માન્યતા સમાપ્ત થઈ ગઈ હોય, તો યોગ્ય કેટેગરીઝના નવા વિઝા ભારતીય મિશન પાસેથી મેળવી શકાશે.
તબીબી સારવાર માટે ભારત આવવા ઇચ્છુક વિદેશી નાગરિકો, તેમના તબીબી સહાયકો સાથે, તબીબી વિઝા માટે નવી અરજી કરી શકે છે. આ નિર્ણય વિદેશી નાગરિકોને વિવિધ હેતુઓ જેમ કે વેપાર, પરિષદ, રોજગાર, અભ્યાસ, સંશોધન, દવા વગેરે માટે ભારત આવવા પરવાનગી આપશે. જો કે આ માટે તમામ નાગરીકોએ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, માર્ચમાં લોકડાઉનની જાહેરાત સાથે વિદેશી નાગરિકોનો દેશમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. મંત્રાલયે આ અંગે જણાવ્યું છે કે, કોવિડ -19 રોગચાળાને કારણે ઉદ્ભવતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ફેબ્રુઆરી 2020 થી આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવર અટકાવવા માટે આ પગલાં લીધાં હતા.