આંદોલનકારીઓના હઠાગ્રહ સરકારની સાથો સાથ સુપ્રીમ સાથે પણ ઘર્ષણ ઉભું થવાની દહેશત
છેલ્લા ૫૬ દિવસથી ચાલી રહેલા આંદોલનને સંકેલવા યોજાયેલી ૧૧માં તબક્કાની બેઠકમાં સરકારે ’પાંડવોવાળી’ કરી છે. સરકારે દોઢ વર્ષ માટે કાયદાના અમલીકરણના નિર્ણયને મુલત્વી રાખવાની તૈયારી બતાવી છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને બે પ્રપોઝલ આપી છે. કેન્દ્રએ ખેડૂતો સામે પ્રસ્તાવ રાખ્યો છે કે દોઢ વર્ષ સુધી કૃષિ કાયદા લાગુ નહીં કરાય અને તે સંબંધમાં એક સોગંદનામુ કોર્ટમાં રજૂ કરવા તૈયાર છે. આ ઉપરાંત એમએસપી પર વાતચીત માટે નવી સમિતિની રચના કરાશે. સમિતિ જે અભિપ્રાય આપશે તે મુજબ જ એમએસપી અને કાયદા પર નિર્ણય લેવાશે. જ્યારે ખેડૂતો કાયદાને પરત લેવાની માંગ પર અડગ છે. ખેડૂતો અને સરકાર વચ્ચે આગામી બેઠક ૨૨જાન્યુઆરીના રોજ યોજાશે. આ બેઠકમાં ખેડૂતો પ્રસ્તાવ પર પોતાનો જવાબ આપશે. ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધું છે કે ૨૬મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી યોજશે.
૧૧માં તબક્કાની બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, સરકાર અને આંદોલનકારીઓની વાતચીતમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. અમારા પ્રસ્તાવને ખેડૂતોએ ગંભીરતાથી લીધા છે. મને લાગે છે કે ૨૨ જાન્યુઆરીએ સમાધાન આવશે. અમે ખેડૂતોને પ્રસ્તાવ એટલા માટે આપ્યો છે, જેનાથી આંદોનલ સમાપ્ત થાય અને જે ખેડૂતો મુશ્કેલીમાં છે તેઓ પોતાના ઘરે પરત ફરી શકે. સુપ્રીમ કોર્ટની સમિતિ પોતાનું કામ કરી રહી છે. આંદોલન સમાપ્ત થશે અને ખેડૂતો પોતાના ઘરે જશે, ત્યારે જ ભારતની લોકશાહીની જીત થશે. નોંધનીય છે કે, અગાઉ ૧૦ બેઠકમાંથી ૯ બેઠકમાં કોઈ પરિણામ આવ્યું નહોતું. ખેડૂતો ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની માગણી કરી રહ્યા છે, જ્યારે સરકારનું કહેવું છે કે કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે, ખેડૂતોએ હવે આ સિવાયની બીજી માગણીઓ વિશે વાત કરવી જોઈએ.
કૃષિ કાયદા મુદ્દે સમાધાન લાવવા સુપ્રીમ કોર્ટ તરફથી ત્રણ સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. તેમણે મંગળવારે દિલ્હીમાં એક મીટિંગ કરી હતી. જેમાં આગામી પ્રક્રિયા, બેઠકનો સમય, સૂચનો, અને રિપોર્ટ તૈયાર કરવા વિશે ચર્ચા કરાઈ હતી. કમિટીના જણાવ્યા પ્રમાણે આજે ખેડૂત સંગઠન સાથે બેઠક યોજવામાં આવશે. જે ખેડૂતો મળવા નહીં આવે તેમને મળવા પણ જશે. ઓનલાઈન સૂચનો લેવા માટે પણ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ૧૫મી માર્ચ સુધી ખેડૂતો સૂચનો આપી શકશે.
નિષ્ણાંત કમિટી પર આંદોલનકારીઓએ સવાલ ઉઠાવતા સુપ્રીમ નારાજ
સુપ્રીમ કોર્ટે ૧૨ જાન્યુઆરીએ બનાવેલી નિષ્ણાત પેનલ પર ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલા વાંધા અંગે નારાજગી વ્યક્ત કરી છે. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેણે સમિતિને પોતાનો ચુકાદો આપવાનો કોઈ અધિકાર આપ્યો નથી. ત્યારબાદ તેના પક્ષપાતી હોવાનો પ્રશ્ન ક્યાંથી ઉભો થાય છે. ૧૨ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ત્રણ નવા કૃષિ કાયદાઓ પરની મડાગાંઠને સમાપ્ત કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી.રામસુબ્રમણ્યમની ડિવિઝન બેંચે સમિતિને લગતી બાબતે જણાવ્યું હતું કે, ન્યાયાધીશો આ મામલામાં નિષ્ણાત નહીં હોવાથી સમિતિના નિષ્ણાતોની નિમણૂક કરી છે. સર્વોચ્ચ અદાલતે ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી, ત્યારબાદ કેટલાક ખેડૂત સંગઠનોએ વાંધો ઉઠાવ્યો હતો કે, સમિતિના કેટલાક સભ્યોએ ભૂતકાળમાં કૃષિ કાયદાની તરફેણ કરી હતી. વિવાદને ધ્યાનમાં રાખીને સમિતિના સભ્ય સમિતિમાંથી ખસી ગયા હતા. ખંડપીઠે કહ્યું હતું કે, આમાં પક્ષપાત કરવાનો પ્રશ્ન ક્યાં છે ? અમે સમિતિને ચુકાદો જાહેર કરવાની સત્તા આપી નથી. તમે પ્રસ્તુત થવા માંગતા નથી તે સમજી શકાય છે પરંતુ કોઈએ ફક્ત તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો તેના આધારે તેમની નિષ્પક્ષપાત પર સવાલ ઉઠાવી શકાય નહીં.
પ્રજાસત્તાક પર્વે ટ્રેક્ટર રેલીને મંજૂરી આપવી કે નહીં તેનો સંપૂર્ણ અધિકાર પોલીસતંત્રનો: સુપ્રીમ
કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો પ્રજાસત્તાક પર્વ નિમિતે ટ્રેક્ટર માર્ચ કાઢવા માટે જીદે ચડ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી પોલીસે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. મામલામાં સુપ્રીમે કહ્યું હતું કે, ખેડૂતોની ટ્રેક્ટર માર્ચ અથવા કોઈ પ્રદર્શન વિરુદ્ધ સરકારની અરજી પર કોઈ આદેશ જાહેર કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે પોતાની અરજીને પાછી લેવી જોઈએ. અમે પહેલા જ કહી ચૂક્યાં છીએ કે આ અંગે પોલીસને નિર્ણય લેવા દો. અદાલતે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, તમારે અરજી પાછી ખેંચવી જોઈએ. આ મામલમાં તમે ઓથોરિટી છો, તમે જ ડીલ કરો.
આ એવો મામલો નથી કે કોર્ટ આદેશ આપે. કોર્ટના સ્ટેન્ડ બાદ સરકારે અરજી પાછી ખેંચી લીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ પ્રકારની બાબતોમાં નિર્ણય લેવાનો સંપુર્ણ અધિકાર પોલીસ તંત્રનો હોય છે જેથી અમે આ મામલે કોઈ આદેશ જાહેર કરીશું નહીં. આંદોલનકારીએ આ મામલે સુપ્રીમમાં કરેલી અરજી પરત ખેંચી લેવાની મંજૂરી પણ ખંડપીઠ દ્વારા આપવામાં આવી છે.