અકસ્માતમાં સારવારમાં થતા વિલંબના કારણે મોત ન થાય તે માટે સરકાર ટુંક સમયમાં જ રોડ અકસ્માતના કેસમાં મફત સારવારની વ્યવસ્થા કરવા જઈ રહી છે. જેથી ઈજાગ્રસ્તોને આસપાસ જલ્દીથી જલ્દી નિ:શૂલ્ક સારવાર મળી શકે અને તેમનો જીવ બચાવી શકાય. તેના માટે મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર પહેલાથી જ કરી દેવાયો હતો. આંકડા અનુસાર, ગત વર્ષ 4.46 લાખ રોડ દુર્ઘટનાઓ બની, જેમાં 4.23 લાખ લોકો ઈજાગ્રસ્ત થયા અને 1.71 લાખ લોકોના મોત થયા.

અકસ્માત થયા બાદ સારવારમાં વિલંબ ન થાય તે માટે સરકાર પ્રયત્નશીલ, ગોલ્ડન અવર્સમાં જ નજીકની ખાનગી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તને તુરંત સારવાર મળે તે માટે ચારેક મહિનામાં લેવાઈ શકે છે નિર્ણય

રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય ટુંક સમયમાં જ આ અંગે એલાન કરી શકે છે. આવનારા 4 મહિનાઓમાં આ સુવિધા આખા દેશમાં લાગૂ કરી દેવાશે. મંત્રાલયના સચિવ અનુરાગ જૈને એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, રોડ એક્સિડેન્ટના કારણે સૌથી વધુ મોત ભારતમાં થાય છે. નિ:શુલ્ક અને કેશલેસ મેડિકલ ટ્રીટમેન્ટનો નિયમ મોટર વ્હીકલ એક્ટમાં સામેલ છે. આ નિયમનું પાલન કેટલાક રાજ્યોમાં કરાઈ રહ્યું છે. પરંતુ, હવે આખા દેશમાં તેને લાગૂ કરવાનો સમય આવી ગયો છે. એટલા માટે સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રલયને અપીલ કરાઈ છે કે, કેશલેસ સારવારની સિસ્ટમને આખા દેશમાં લાગૂ કરવામાં આવે.

મોટર વ્હીકલ એક્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોની સારવાર તાત્કાલિક કોઈ નજીકની હોસ્પિટલમાં થવી જોઈએ. જેથી દુર્ઘટના પહેલા કેટલાક કલાકોમાં સારવાર ઉપલબ્ધ થઈ જાય તો આપણે અનેક જીવ બચાવવામાં સફળ થઈ જશું. દુર્ઘટના બાદના શરુઆતની કેટલીક કલાકોને ગોલ્ડન કલાકો ગણવામાં આવે છે. જો તે સમયે ડોક્ટર પાસે ઈજાગ્રસ્તને પહોંચાડવામાં આવે તો તેને તાત્કાલિક સારવાર મળશે અને જીવ બચવાની શક્યતા વધી જશે.

રોડ સેફ્ટી પ્રત્યે જાગરૂકતા વધારવા માટે સરકાર આ કોર્સને સ્કૂલ અને કોલેજોમાં લાગૂ કરવા જઈ રહી છે. સાથે જ ભારત એનકૈપને પણ લાગૂ કરાઈ રહ્યું છે. જેમાં સીટ બેલ્ટ રિમાન્ડર અને ગાડીઓમાં ટેક્નિકલ ફેરફાર સામેલ છે.

એક વર્ષમાં 4 લાખથી વધુ રોડ દુર્ઘટનાઓમાં 1.71 લાખ લોકોના મોત

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના ડેટા અનુસાર, વર્ષ 2022માં 4,46,768 રોડ દુર્ઘટનાઓ બની. જેમાં 4,23,158 લોકો ઈજાગ્રસ્ત થયા અને 1,71,100 લોકોના મોત થયા. કુલ રોડ દુર્ઘટનાઓમાં 45.5 ટકા ટુવ્હીલર વાહનોના થયા છે. જ્યારબાદ કારથી થનારા અકસ્માત 14.1 ટકા રહ્યા. જેમાં ઓવર સ્પીડિંગના કારણે સૌથી વધુ દુર્ઘટનાઓ બની અને 1 લાખથી વધુ લોકોના જીવ ગયા. રિપોર્ટ અનુસાર, રોડ દુર્ઘટનાઓ ગામડાઓમાં સૌથી વધુ બની છે.

ગુજરાતમાં અકસ્માતની સારવાર માટે રૂ.50 હજારની સહાય આપવાની યોજના કાર્યરત

ગુજરાત સરકાર દ્વારા વાહન અકસ્માત યોજના કાર્યરત છે. વાહન અકસ્માતમાં ઇજા થાય તો કોઇપણ નાગરીકને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેમાં રૂ. પચાસ હજારની મર્યાદામાં કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીઓને વિનામુલ્યે મેડીકલ સારવાર આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે આવકની કોઈ મર્યાદા નથી. વાહન અકસ્માત ગુજરાત રાજ્યની હદમાં થયેલું હોવું જોઇએ તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. તેમજ અકસ્માત થયાના 48 કલાકની અંદર જ સારવાર કરેલી હોવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.