પગાર વધારા માટે બોગસ દસ્તાવેજ ઉભા કરનાર કર્મચારીની ફરજમુકતીને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી
ગુજરાત હાઈકોર્ટે એક સરકારી અધિકારી દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે, જેણે કથિત રીતે ખોટા પ્રમાણપત્ર મૂકીને તેના પગારમાં વધારો મેળવ્યો હતો.
આ કેસમાં ઘનશ્યામ મેનાત નામના સરકારી કર્મચારી જેઓ બનાસકાંઠા જિલ્લામાં એક્સ્ટેનશન અધિકારી તરીકે કામ કરતા હતા અને અમીરગઢ પંચાયતમાં પોસ્ટેડ હતા. 2022ની શરૂઆતમાં તેમની બદલી ધાનેરામાં કરવામાં આવી હતી, જ્યાં તેમણે અમીરગઢ પંચાયતમાંથી રૂ. 19,950નો પગાર દર્શાવતું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. ધાનેરા પંચાયતે તેમને છેલ્લા પગાર પ્રમાણે પગાર આપવાનું શરૂ કર્યું હતું.
થોડા સમય પછી અધિકારીઓને મેનાતના પગાર માળખામાં વિસંગતતા જોવા મળી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ અમીરગઢ અને ધાનેરાના ટીડીઓ સાથે વિગતોની ચકાસણી કરી હતી. એવું જાણવા મળ્યું હતું કે મેનાતને ખરેખર અમીરગઢમાં 15,196 રૂપિયા પગાર મળતો હતો.
ડીડીઓએ મેનાત પાસેથી ખુલાસો માંગ્યો હતો. તેના પગારની રકમમાં તફાવત ઉપરાંત, સત્તાધિકારીને છેલ્લું પગાર પ્રમાણપત્ર જારી કરવામાં આવેલી તારીખોમાં પણ વિસંગતતા જોવા મળી હતી.
ઘનશ્યામ મેનાતે ઓથોરિટી સમક્ષ સ્વીકાર્યું કે પ્રમાણપત્ર આપતી વખતે ભૂલ થઈ હતી. જો કે, સત્તાધિકારીએ તારણ કાઢ્યું હતું કે કોઈપણ કચેરી દ્વારા કોઈ ભૂલ થઈ નથી પરંતુ કર્મચારીએ ઉચ્ચ પગાર મેળવવા માટે તેનું પ્રમાણપત્ર બનાવટી બનાવ્યું હતું.
જ્યારે ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીએ તારણ કાઢ્યું કે મેનાત દ્વારા આપવામાં આવેલ છેલ્લું પગાર પ્રમાણપત્ર અસલી નથી, ત્યારે તેને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમની ફરજમુક્ત કરી દેવાયા હતા.
મામલામાં મેનાતે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો અને ફરજમુક્તિ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. પરંતુ તેમના કેસની સુનાવણી કરતા જસ્ટિસ એ. વાય. કોગજેએ અરજી ફગાવી દીધી હતી.