રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભનો શુભારંભ
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવર્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી-રાજકોટ દ્વારા સંચાલિત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભ -2021નો શુભારંભ સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે દિપપ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કહ્યું હતું કે, કલામહાકુંભ એ ગુજરાતની ગૌરવપૂર્ણ લોક સંસ્કૃતિની અમુલ્ય ધરોહરનો પાયો અડીખમ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. કલામહાકુંભ દ્વારા કલાકારોને પ્રોત્સાહન મળે અને તેમનું કલા-કૌશલ્ય ઉજાગર થાય તે માટે સરકાર કટીબધ્ધ છે.
જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ કહ્યું અતું કે, હાર-જીત કરતા પણ સ્ટેજ પર આવીને કલાની પ્રસ્તૃતિ કરવી એ એક હીંમતનું કાર્ય છે. સૌરાષ્ટ્રનું યુવાધન અભ્યાસ, રમત-ગમત ખેલકુદ સહિત કલા ક્ષેત્રે પણ વિશ્વમાં ગુજરાતનું નામ ઉજાગર કરે તે માટે સરકાર દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અલગ અલગ જિલ્લાના કલાકારો એક જ જગ્યાએ ભેગા થવાથી સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભ કલાના આદાન-પ્રદાન માટે મહત્વનો મંચ સાબિત થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ખેલ મહાકુંભમાં આજ રોજ લોકનૃત્ય સ્પર્ધામાં લટકે હાલોને નંદલાલ, જય જય વિઠ્ઠલા, ‘અમે મહિયારાં રે………ગોકુળ’ ગામના જેવા લોકગીતો પર સ્પર્ધકો મન મૂકીને ઝૂમ્યા હતા. આ ઉપરાંત, ભરતનાટ્યમ, કથ્થક, ઓડિસી જેવી સ્પર્ધાઓમાં નયનરમ્ય નૃત્યો રજૂ કર્યા હતા. આજે આયોજિત સ્પર્ધામાં અંદાજિત 1200 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. અનેક વિદ્યાર્થીઓએ કાવ્યલેખન, ગઝલશાયરી, નિબંધલેખન, ચિત્રકલા જેવી સ્પર્ધાઓમાં પોતાની કલા પ્રદર્શિત કરી હતી. કલા મહાકુંભમાં સાહિત્ય, કલા અને સંસ્કૃતિની કુલ-23 સ્પર્ધાઓ જેવી કે લોકનૃત્ય, રાસ, ઓરગન, કથ્થક, ભરતનાટ્યમ, સર્જનાત્મક કારીગરી, કાવ્યલેખન, ગઝલશાયરી, નિબંધલેખન, ચિત્રકલા, એકપાત્રીય અભિનય, સમુહગીત, વકતૃત્વ, લોકવાર્તા, દોહા-છંદ-ચોપાઈ, સ્કુલબેન્ડ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિવિધ ચાર વયજૂથના 06 વર્ષથી 65થી વધુ વયના કુલ 5000 થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તથા કલાકારો પોતાની કલા અને કૌશલ્યનું ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શન કરશે.
આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અગ્રણી ગુણવંતભાઈ ડેલાવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકાર ધર્મેન્દ્રસિંહ વાધેલા,રમત-ગમત અધિકારી વિ.પી.જાડેજા, જિલ્લા રમત-ગમત અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, નિર્ણાયકો દિવ્યાબેન ભટ્ટ, મૃણાલીનીબેન ભટ્ટ, જાડેજા પદાધિકારી ઓ અને અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.