ખેલની તાલીમ-ખેલદિલીનો વિકાસ
રૂ.6.78 કરોડના ખર્ચે 7 એકરમાં નિર્માણ પામનાર જસદણ તાલુકા રમતનું સંકુલનું ભૂમિપૂજન
રાજકોટ જિલ્લાના જસદણ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે જસદણ તાલુકા રમત સંકુલનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભૂમિપૂજન અને ઈ- તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય મંચ પુરો પાડવા તેમજ વધુમાં વધુ નેશનલ સ્પર્ધાઓનું આયોજન ગુજરાત ખાતે થાય અને રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધાનો લાભ મળે તે માટે ગુજરાત સરકાર કટ્ટીબદ્ધ છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ આધુનિક રમત સંકુલોના વિકાસના કાર્યક્રમ અન્વયે જસદણ તાલુકા રમત સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, 7 એકરમાં રૂ. 6.79 કરોડના ખર્ચે તૈયાર થનાર આ સંકુલમાં ઇન્ડોર રમતો માટે અત્યાધુનિક સુવિધાસભર ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ ઉપરાંત આઉટડોર રમતો માટે પણ સુવિધા પ્રાપ્ત થશે. સમગ્ર રાજ્યમાં 19 જિલ્લાઓ અને 3 તાલુકાઓમાં રમત સંકુલ કાર્યરત છે. જેમાં હવે જસદણ તાલુકાનો સમાવેશ થયો જે ખુશીની વાત છે. આ તકે મંત્રી કુંવરજીભાઈએ જસદણ પંથકમાં સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, આવાસ અને માળખાકીય સુવિધાઓ માટે થઈ ગયેલા અને થઈ રહેલા વિકાસ કાર્યક્રમ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. તેમજ પંથકના અધિકારી ઓને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે નક્કર કામગીરી કરવા જણાવ્યું હતું.
ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ જસદણવાસીઓને રમત સંકુલના નિર્માણ માટે અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, જસદણના યુવાઓ નેશનલ લેવલે ઘણા આગળ આવ્યા છે ત્યારે આ સંકુલ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી રાજેશ આલના સ્વાગત પ્રવચન બાદ સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓએ મંત્રી બાવળિયાનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે પંચાયતના ઉપપ્રમુખ સવિતાબેન વાછાણી, મામલતદાર સંજયસિંહ અસવાલ, રમતગમત અધિકારી રમાબેન મદ્રા, તાલુકા નગરપાલિકા પૂર્વ સદસ્યઓ, સ્પોર્ટસ ઓથોરિટી પ્રમુખ, પી.ટી. શિક્ષકો, સ્થાનિક આગેવાનો, યુવા ખેલાડીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.