વડોદરામાં કોંગ્રેસે કલેકટર મારફત મુખ્યમંત્રીને પાઠવ્યું આવેદન
સરકાર વાલીઓ, શિક્ષકો સાથે તાલમેલ બેસાડી બાળકોના શિક્ષણનું પહેલા વિચારે: ચંદ્રકાંત ભથ્થુ
સરકારે શાળા સંચાલકોની મનમાની આગળ માથુ ઝુકાવી જવાબદારી લેવાના બદલે માથુ ઉંચકી યોગ્ય કાર્યવાહી કરે તેવી વડોદરા શહેર કોંગ્રેસે કલેકટરને એક આવેદન પાઠવી રજૂઆત કરી છે.
હાઇકોર્ટના ફી ન લેવાના આદેશ બાદ ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ બંધ કર્યું તે માટે સ્કૂલો પર કાર્યવાહી કરવા અંગે મુખ્યમંત્રીને કેલકટરના માધ્યમથી શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્તભાઈ તેમજ મહિલા ઉપપ્રમુખ માયુરિકાબેન પટેલ, અશોકભાઈ ગુપ્તા, વિક્કી શાહ, અમિત ભાઈ ગોટિકર સહિત તમામ શહેર કોંગ્રેસ પરિવારની હાજરીમાં આ આવેદનપત્ર કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું.
શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે આ મુદ્દે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, શિક્ષણ અધિકારના કાયદા હેઠળ ૬ થઈ ૧૪ વર્ષના તમામ બાળકોને શિક્ષણનો હક છે, કોવિડ ૧૯ ની આ વિશેષ પરિસ્થિતિ માં જ્યારે હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે સ્કૂલ શરૂ ના થાય તેની ફી લેવી નહીં, ત્યારે સરકાર તેમજ શાળા સંચાલકો એ સાથે મળી સંકલન કરી બાળકો નું ભવિષ્ય ખરાબ ન થાય એ રીતે કાર્યવાહી કરવી જોઈએ. જો સરકાર ધારે તો શાળાઓને બેઝિક રાહત પેકેજ આપે. જેથી શિક્ષકો નો પગાર થઈ શકે અને ઓનલાઇન એજ્યુકેશન સ્કુલ ધ્વારા ચાલુ રહે પણ સરકારે ઓનલાઈન એજ્યુકેશન આપવાની વાત કરીને સ્કૂલોની દાદાગીરી સામે ઘુટણીએ પડી ગઈ છે. જે શિક્ષણ જગત માટે નિંદનીય કૃત્ય કહેવાય.
સરકારે સ્કુલના સંચાલકોનું હાઇકોર્ટના આદેશ અને સરકારના પરિપત્રનું પાલન કરીને કોરોના વાયરસની મહામારીમાં વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે સ્કુલના સંચાલકો પર દબાણ કરવું જોઈએ. સ્કુલના સંચાલકો ન માનેતો કાયદાકીય પગલા ભરવા જોઈએ તેમ કોંગ્રેસે જણાવ્યું છે. આ સાથે જ વિરોધ પક્ષ ના નેતા શ્રી ચંદ્રકાંત ભાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના હુકમથી શાળાઓ બંધ છે ત્યારે રાજ્ય સરકારની ફરજ છે કે વાલીઓ અને શિક્ષકો એમ બંને તરફ તાલમેલ બેસાડી બાળકોના ભવિષ્યને પ્રથમ મૂકી કોઈ પણ નિર્ણય કરવામાં આવે.
વાલીઓ ઉપર ફી ની “ઉઘરાણીનું દબાણ ન રહે અને શિક્ષકોને પણ બેઝિક પગાર મળી રહે અને બાળકોનું એજ્યુકેશન પણ ચાલુ રહે એ રીતની વ્યવસ્થા જ્યારે થઈ શકે એમ છે ત્યારે સરકાર સ્કૂલ સંચાલકો ની જોહુકમી આગળ નમતું ઝૂકી બધી જવાબદારી પોતાના માથે લે તો એનો સીધો મતલબ છે કે સરકારનું શાળા સંચાલકો આગળ કઈ ચાલતું નથી. વર્ષો થી શિક્ષણ નો “વ્યાપાર ચલાવતા “શાહુકાર સંચાલકો જો એક વર્ષ ઓછું કમાય તો શું ફરક પાડવાનો છે? પરંતુ જો એક વર્ષ બાળકો ભણે નહીં તો ચોક્કસ તેમના ભવિષ્ય પર અસર થવાની છે માટે અમારી માંગણી છે કે સરકાર સ્કૂલ સંચાલકો ની મનમાની આગળ માથું ઝુકાવી જવાબદારી લેવાની જગ્યા એ માથું ઊંચકી યોગ્ય કાર્યવાહી કરે.
આરટીઈના કાયદા હેઠળ કોઈ પણ શાળા બાળકોને એજ્યુકેશન થી વંચિત રાખી શકે નહીં. તો ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખી સ્કુલના સંચાલકો અને શિક્ષકોની પગારની સમસ્યા હોય તો સરકાર સામે રજૂઆત કરે જેમાં કોંગ્રેસ પક્ષ પણ સહકાર આપશે પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા સંચાલકો ધ્વારા કરવામાં આવશે તો વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર શિક્ષણના નામે વેપાર કરતા સંચાલકોની પોલ ખોલવામાં પીછે હઠ કરશે નહી. તેમ કોંગ્રેસે જણાવ્યું હતું.