બાબરી મસ્જિદ ધ્વંસ, ટ્રેન બ્લાસ્ટ, ઓપરેશન બ્લુ સ્ટાર સહિતની બાબતોને વિકૃતતાથી ચિત્રિત કરાયેલી સિરીઝ પર પ્રતિબંધ મુકાયો
માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોમવારે આઇટી નિયમો 2021 હેઠળ વેબસાઇટ, બે મોબાઇલ એપ્લિકેશન્સ, ચાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને પાકિસ્તાન સ્થિત ઓટીટી પ્લેટફોર્મ વાઇડલી ટીવીની એક સ્માર્ટ ટીવી એપ્લિકેશનને બ્લોક કરવા માટે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કર્યો હતો.
સેવક: ધ ક્ધફેશન્સ નામની વેબ સિરીઝ જે પાકિસ્તાનમાં નિર્માણ કરવામાં આવી હતી જેમાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે.વેબ-સિરીઝના ત્રણ એપિસોડ આજ સુધીમાં રિલીઝ કરવામાં આવ્યા છે અને સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને શંકા છે કે વેબ સિરીઝ પાકિસ્તાની માહિતી ઓપરેશન્સ ઉપકરણ દ્વારા પ્રાયોજિત કરવામાં આવી હતી.
સિરીઝનો પ્રથમ એપિસોડ 26 નવેમ્બરના રોજ રીલિઝ કરવામાં આવ્યો હતો, 2008 ના મુંબઈ આતંકવાદી હુમલાની વર્ષગાંઠ અને તેમાં ભારત વિરોધી સામગ્રી દર્શાવવામાં આવી હતી.મંત્રાલયના જણાવ્યા અનુસાર વેબ સિરીઝમાં ઓપરેશન બ્લુ સ્ટાર અને તેના પછીની ઘટનાઓ જેમ કે અયોધ્યામાં બાબરી મસ્જિદનો ધ્વંસ, માલેગાંવ બ્લાસ્ટ, સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ જેવી ઘટનાઓ પણ વિકૃત તથ્યો સાથે દર્શાવવામાં આવી હતી.
મંત્રાલયે જણાવ્યું હતું કે વેબ સિરીઝ ભારત પ્રત્યે શીખ સમુદાયમાં અલગતાવાદ, અસંતોષ અને ભ્રમણાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે અને ઓપરેશન બ્લુ સ્ટારને નિર્દોષ શીખોના નરસંહાર તરીકે દર્શાવવામાં આવી રહી છે, જે તમામ ભારતના સંરક્ષણ, સુરક્ષા પરના હુમલા સમાન છે.