- રાસાયણિક ખેતી જમીન, જીવજંતુઓ અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જે હિંસક ખેતી છે. ગાંધીજીની ભૂમિ પોરબંદરના ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે સમયની માંગ છે : આચાર્ય દેવવ્રત
- અર્જુન મોઢવાડિયા સહિત ઉપસ્થિત ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ કરવાનો સંકલ્પ લીધો
પોરબંદર, તા. 13 : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે માધવપુર ઘેડમાં શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ સ્થળ ચોરી માયરાની મુલાકાત લીધી હતી અને ત્યાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લીધો. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીથી બંજર બનતી જમીનને બચાવવા અને કેન્સર જેવા જીવલેણ રોગોથી બચવા પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહ્વાન કર્યું હતું.
રાજ્યપાલએ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુલ ખાતે કરવામાં આવી રહેલી પ્રાકૃતિક ખેતીના દાખલાઓ અને તેની સફળતાના વિડિયો દર્શન દ્વારા હાજર ખેડુતોને પ્રેરણા આપી હતી. સાથે જ રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવી અને ખેડુતોને ગુરુદક્ષિણા રૂપે પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.
રાજ્યપાલના પ્રેરક વક્તવ્યથી પ્રભાવિત થઈ, ઉપસ્થિત ખેડુતોએ પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો. માધવપુર ઘેડના વિસ્તારમાં મોટાભાગના ખેડુતો ગાયો રાખે છે, તે જાણીને રાજ્યપાલએ આ સ્થિતિને આનંદદાયક ગણાવી કહ્યું કે, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ ઘટે છે અને આ પદ્ધતિ ખેડુતો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય છે.
રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી વચ્ચેના તફાવતની વિગતો રજૂ કરી. તેઓએ ધનજીવામૃત, જીવામૃત અને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતીના તત્વોની સમજણ આપી અને ગાયના ગોબરમાં રહેલા પોષક તત્વોના ફાયદાઓ સમજાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, “મહાત્મા ગાંધીએ અહિંસાનો સંદેશ આપ્યો છે, જ્યારે રાસાયણિક ખેતી જમીન, જીવજંતુઓ અને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, જે હિંસક ખેતી છે. ગાંધીજીની ભૂમિ પોરબંદરના ખેડુતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે સમયની માંગ છે.”
અંતમાં, રાજ્યપાલએ ખેડુતોને પ્રાકૃતિક ખેતીના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપી અને જણાવ્યું કે આ પદ્ધતિ આપણા પર્યાવરણ અને ભવિષ્ય માટે સબળ માર્ગ છે.
પોરબંદર આત્મા વિભાગ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, કલેક્ટર એસ. ડી. ધાનાણી, જીલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો અને ખેડૂતોને આ પદ્ધતિ તરફ આગળ વધવા પ્રેરણા આપી હતી.
વિજ્ઞાન કેન્દ્ર ખાપટના કૃષિ વૈજ્ઞાનિક વિશાલ સાવલિયા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. ત્રિવેદી, આત્મા પ્રોજેક્ટના ડિરેક્ટર સીમા શર્મા, અને જિલ્લા બાગાયત અધિકારી કલ્પના પંચાલ સહિતના અધિકારીઓ અને ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અહેવાલ : પરેશ નિમાવત