પૂર્વજોએ સોંપેલી ઉપજાઉ ભૂમિનું સંરક્ષણ નહીં કરીએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે: જળ-જમીન અને પર્યાવરણની રક્ષા સાથે લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બાયસેગના માધ્યમથી રાજ્યભરના ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીન  બંજર બનતી જાય છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ અપનાવી ધરતી માતાને ઝેર મુક્ત કરવા ખેડૂતો સંકલ્પબદ્ધ બને. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ અપનાવી કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જવાનો હાલ ઉચિત સમય છે, તેમ જણાવી વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તેવો આગ્રહ કર્યો હતો.

IMG 20220806 WA0402

રાજ્યપાલએ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીયો ઇન્ફોર્મેટિક્સ બાયસેગના માધ્યમથી જિલ્લામાં આવેલાં કિસાન તાલીમ કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ગામના ઇ-ગ્રામ સેન્ટર વગેરે સ્થળો પર ઉપસ્થિત રાજ્યભરના ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, રૂપિયા કે સિક્કાથી પેટ ભરાતું નથી પરંતુ ખેડૂતોએ ખેતરમાં ઉગાડેલા અનાજ, શાકભાજી વગેરેથી પેટ ભરાય છે. એનો અર્થ એ થયો કે ખેડૂતો જીવનને પોષણ આપવાનું, જીવન બચાવવાનું ઇશ્ર્વરીય કાર્ય કરી રહ્યા છે, ત્યારે પૂર્વજોએ સોંપેલી ઉપજાઉ ભૂમિનું સંરક્ષણ નહીં  કરીએ તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના ઉત્કર્ષ માટે અને કૃષિને આત્મનિર્ભર બનાવવા માટે અનેકવિધ પગલાં ભર્યા છે, એટલું જ નહીં ખેતી અને ખેડૂતોના સર્વાગી વિકાસ માટે તેમણે દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે.  રાજ્યપાલએ હરિત ક્રાંતિ માટે રાસાયણિક કૃષિને જે તે સમયની માંગ ગણાવી હતી. પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિથી જળજમીન અને પર્યાવરણ દૂષિત થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીન બંજર બનતી જાય છે, કૃષિ ખર્ચ સતત વધતો જાય છે.

ઉત્પાદન ઘટતું જાય છે, પરિણામે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે. રાસાયણિક કૃષિથી ઉત્પાદિત પ્રદૂષિત આહારને આરોગવાથી લોકોના સ્વાથ્ય સંબંધી સમસ્યા સર્જાઈ છે. રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ  આજના સમયની માંગ છે કારણ કે, પ્રાકૃતિક કૃષિમાં નહિવત ખર્ચ થાય છે અને ઉત્પાદન ઘટતું નથી. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણ ઉપરાંત લોકોના સ્વાસ્થ્યની રક્ષા થાય છે, એમ પણ રાજ્યપાલએ જણાવ્યું હતું.ગુજરાત સરકારે વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે જન અભિયાન ઉપાડ્યું છે.

ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક કૃષિ સંપન્ન જિલ્લો જાહેર કરવમાં આવ્યો છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અન્ય રાજ્યો ગુજરાતને અનુસરે તેવી સ્થિતિનું નિર્માણ કરવા રાજ્યપાલએ ગુજરાતના ખેડૂતોને આહ્વાન કર્યું હતું.આ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યના પશુપાલન સચિવ કે. એમ. ભીમજિયાણીએ રાજ્યપાલનું સ્વાગત કરી ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિને આવશ્યક ગણાવી હતી. કાર્યક્રમના અંતે આત્મા પરિયોજના ડાયરેક્ટર પ્રકાશ રબારીએ આભાર દર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા-તાલુકા કક્ષાએથી વહિવટીતંત્રના અધિકારીઓ ઉપરાંત કૃષિ, બાગાયત અને  આત્મા પરિયોજનાના અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.