સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા સંસ્કાર સાથે શિક્ષણ સહિતના સમાજસેવાના કાર્યો પ્રેરણા આપે છે: ગવર્નર
અબતક-રાજકોટ
પ્રાકૃતિક ખેતી ખેડૂતોને લાભદાયી થવાની સાથે પર્યાવરણ- સમગ્ર માનવજાતને નીરોગી રાખે છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
રાજકોટ નજીક સરધાર ધામ ખાતે ભગવાન સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહભાગી થયા હતા. રાજયપાલએ સ્વામિનારાયણ સંપ્રદાયના સામાજિક સેવાના કાર્યોને બિરદાવીને યુવાનોને વ્યસનમુક્તિ તેમજ સંસ્કાર સાથે શિક્ષણ આપીને ઉત્તમ ચરિત્ર સાથે યુવાઓને- હરિભક્તોને સત્સંગની અને સેવાના કાર્યો કરવાનું કાર્ય સંતોના સાનિધ્યમાં થઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું.
રાજ્યપાલએ હરિભક્તોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરતા જણાવ્યું હતું ગઈકાલે દેશના ખેડૂતો માટે અગત્યનો દિવસ હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રાકૃતિક ખેતી માટે દરેક રાજ્યોમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માર્ગદર્શન આપ્યું છે ત્યારે ગુજરાતમાં બે લાખ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ જોડાયા છે અને તંદુરસ્ત સમાજના નિર્માણમાં મોટું કાર્ય થવા જઈ રહ્યું છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી્.
સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠધામમા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તે રીતે છોટાઉદેપુર જિલ્લો અને પંચમહાલ જિલ્લામાં પણ સંતો દ્વારા આવી પ્રવૃત્તિને હરિભક્તો થકી પ્રોત્સાહિત કરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા નૌતમસ્વામીએ વ્યક્ત કરતા રાજ્યપાલએ સ્વામિનારાયણ સંતોના આ કાર્યને આવકાર્યું હતું અને સંપ્રદાય દ્વારા જળ સંરક્ષણ કુદરતી આફતોમાં મદદ, આરોગ્ય કેમ્પ, વ્યસન મુક્તિ ઝુંબેશ સહિતના કાર્યો આવકાર્યા હતા.
આ પૂર્વે રાજ્યપાલએ સરદાર ધામમાં યજ્ઞશાળાના દર્શન કર્યા હતા .આ ઉપરાંત ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી. માધવ પ્રિયદાસજી સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી સહિતના સંતો એ રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. તેઓએ શાબ્દિક સ્વાગત કરી રાજ્યપાલને આવકાર્યા હતા.