ગુજરાત રાજય ભારતમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડલ બનશે: રાજયપાલ
સાબરકાંઠા જિલ્લામાં આવેલી સાબર ડેરી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કૃષિકારો સાથે વાર્તાલાપ કર્યો હતો . રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જિલ્લાના ખેડૂતો સાથે વાર્તાલાપ કરી ખેડૂતોના અનુભવોની વિગતો મેળવી હતી અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોના મંતવ્યો સાંભળ્યા હતા ખેડૂતોને માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું કે પશુધન અને ખેતી એકબીજાના પૂરક છે. બંને સંકલિત હશે તો જ ખેડૂતોને યોગ્ય વળતર મળશે અરવલ્લી અને સાબરકાંઠાના ખેડૂતો પશુપાલન ક્ષેત્રે માહિર છે. ગુજરાત સરકાર પશુ ધનને બચાવવા કાર્યરત છે. પશુને લાભકારી બનાવી ખેડૂતો લાભ મેળવી શકે છે. પશુઓની નશલ સુધારી તેને વધુમાં વધુ લાભકારી બનાવી શકાય છે. રાજ્યપાલએ પશુ પાલન અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું.
પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમમાં મંત્રી ઉદ્યોગ અને જિલ્લા પ્રભારીમંત્રી બળવંતસિંહ રાજપુતે ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું કે રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી અને ગૌપાલન અંગે લોકોને પ્રેરણા આપે છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે ધરતી માતાને અને આપણી જાતને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે.
આ કાર્યક્રમ પૂર્વે માનનીય રાજયપાલ શ્રીએ સાબર ડેરી સ્થિત ગુજરાતનું ઇથનોવેટ યુનિટ પ્લાન્ટનું નિરીક્ષણ કરી ત્યાં ચાલતી પ્રક્રિયાની માહિતી મેળવી હતી . આ કાર્યક્રમમાં સાબર ડેરી ઉત્પાદિત ” સાબર મધ ‘નું લોકાર્પણ કર્યું હતું . સાથે જ આ કાર્યક્રમમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોના ઉત્કર્ષ અને હિતાર્થ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સહભાગીદારી કરવા પ્રયત્નશીલ છે તેવાં પ્રગતિશીલ ત્રણ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મંત્રી ઉદ્યોગ અને જિલ્લા પ્રભારીમંત્રી બળવંતસિંહ રાજપૂતમંત્રી અન્ન નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા ભીખુસિંહજી પરમાર, સાંસદ દિપસિંહ રાઠોડ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા , જિલ્લા કલેકટર એન.એન.દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, સાબર ડેરીના ચેરમેન શામળભાઇ પટેલ, સાબર ડેરી નિયામક મંડળ, જિલ્લા ખેતીવાડી અધિકારી અને આત્મા પ્રોજેકટ નિયામક વી.કે.પટેલ , જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રાસાયણીક ખેત પધ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે
રાજ્યપાલએ જણાવ્યું કે રાસાયણિક ખેત પદ્ધતિથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનમાં ઘટાડો થાય છે . રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને પરીણામે જમીન બિનઉપજાઊ બની રહી છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે એટલું જ નહીં તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્યા છે.
રાજ્યપાલએ ઉમેર્યું કે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે જેમાં આત્માના અધિકારીઓને પણ જોડવામાં આવશે. રાજ્યમાં મોટી સંખ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યભરમાં 1,500 જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવશે જેઓ ગામડાઓમાં જઈને દેશી નસલની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જીવામૃત ઘનજીવામૃત બનાવવા અંગે ખેડૂતોને તાલીમબદ્ધ કરશે.