ગાંધીનગરમાં રાજભવન ખાતે હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે આજે વિશેષ સમારોહ યોજાયો હતો. આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ભારતને ફરી એકવાર ’સોને કી ચીડિયા’ અને ’વિશ્વ ગુરુ’ બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કરાવવા માટે સંગઠિત પ્રયાસો જરૂરી છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રજૂ કરેલા ’વિકસિત ભારત 2047’ વિઝનનો ઉલ્લેખ કરી, આત્મનિર્ભર ભારતની દિશામાં સતત કાર્ય કરવાની અપીલ કરી હતી.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમના સંબોધનમાં ભારતની સ્વતંત્રતા પછી દેશના એકીકરણમાં ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલના અભૂતપૂર્વ યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, સરદાર પટેલે રાષ્ટ્રને એકતાના તાંતણે બાંધવાનું કાર્ય કર્યુ, જેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સ્વરૂપે મૂર્તિમંત. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર વિશ્વને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે.
રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપમ્ માં આયોજિત આ સમારોહમાં ગુજરાતમાં અભ્યાસ કરતાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ તેમના રાજ્યની સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરી હતી. રાજ્યપાલશ્રીએ આ યુવા કલાકારોનું સન્માન કર્યું અને તેમની કૃતિઓને દેશની વૈવિધ્યસભર એકતાનું પ્રતિક ગણાવી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, અગાઉ રાજભવનોમાં આ પ્રકારના કાર્યક્રમો યોજાતા નહોતા, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવા માટે આ પરંપરાની શરૂઆત કરવામાં આવી છે. હવે આ કાર્યક્રમ દેશના તમામ રાજભવનમાં ઉજવવામાં આવી રહ્યા છે. તેમણે ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, વિવિધ ભાષાઓ, બોલીઓ અને પરંપરાઓ હોવા છતાં ભારત એક સ્વરૂપે એકતાની ભાવનાને ઉજાગર કરે છે. ગુજરાતમાં અભ્યાસ કરતા અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ દ્વારા તેમની સંસ્કૃતિનું પ્રસ્તુતીકરણ માત્ર તેમની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખતું નથી, પણ રાષ્ટ્રીય એકતાને પણ મજબૂત બનાવે છે.
રાજ્યપાલશ્રીએ યુવાનોને પ્રેરિત કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રની એકતાને જાળવવા માટે પરસ્પર સંવાદ અને સહયોગ અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ એકબીજાની સંસ્કૃતિને સમજે અને પરસ્પર સુમેળ વધારવા પ્રયત્ન કરે.
તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તાવિત ’વિકસિત ભારત 2047’ વિઝનનો ઉલ્લેખ કરી જણાવ્યું કે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવા માટે દરેક નાગરિકે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપવું પડશે. તેમણે કહ્યું કે, જો દરેક વ્યક્તિ પોતાના દાયિત્વની ઈમાનદારીપૂર્વક પૂર્તિ કરે, તો ભારત ફરી એકવાર વિશ્વ ગુરુ બનવાની દિશામાં પ્રગતિ કરી શકે.
રાજ્યપાલશ્રીએ નવવર્ષની શુભકામનાઓ પાઠવતાં ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસની પરંપરા ભારતીય પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદ સાથે સંકળાયેલી છે, જે શરીરને શુદ્ધ કરવાની પ્રણાલી છે. તેમણે મહારાજા વિક્રમાદિત્ય દ્વારા શક સામ્રાજ્ય પર પ્રાપ્ત વિજયની ઐતિહાસિક ઘટના યાદ કરાવીને ભારતીય ઈતિહાસ તથા સંસ્કૃતિ વિશે જનજાગૃતિ કેળવવાનું મહત્વ રેખાંકિત કર્યું હતું.
બિહારના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન અને ઓરિસ્સાના રાજ્યપાલ ડો. હરિબાબુ કમ્ભમપતિએ ગુજરાતમાં વસતા નાગરિકો માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રીઓનો વિડીયો સંદેશ પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
આ સમારોહમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી,ટ્રાન્સપોર્ટ કમિશનર શ્રી અનુપમ આનંદ, એડીજીપી શ્રી રાજુ ભાર્ગવ, શ્રી અજય કુમાર ચૌધરી, મુખ્ય વન સંરક્ષક શ્રીમતી રાજ સંદીપ, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી એસ. છાકછુઆક, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર શ્રી અજય પ્રકાશ, વાસ્મોના સીઇઓ શ્રીમતી સ્તુતિ ચારણ, પૂર્વ સનદી અધિકારી શ્રી એચ. કે. દાસ સહિત વરિષ્ઠ સરકારી અધિકારીઓ, સુરક્ષા દળોના અધિકારીઓ અને ગુજરાતમાં વસવાટ કરતા વિવિધ રાજ્યોના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.