ગુજરાત વિદ્યાપીઠના પ્રતિનિધિ મંડળ દ્વારા આચાર્ય દેવવ્રતને નિમંત્રણ મોકલવામાં આવ્યુ હતું જેનો તેમણે સ્વીકાર કર્યો છે

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનવા જઈ રહ્યા છે. 18મી ઓક્ટોબરના રોજ સંસ્થામાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, અને ત્યારે જ નવા કુલપતિ પણ પદગ્રહણ કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મળેલી ટ્રસ્ટીમંડળની બેઠકમાં નવા કુલપતિ તરીકે રાજ્યપાલની નિમણૂકનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ત્યારપછી ગુજરાત વિદ્યાપીઠના પ્રતિનિધિ મંડળ દ્વારા આચાર્ય દેવવ્રતને નિમંત્રણ મોકલવામાં આવ્યુ હતું જેનો તેમણે સ્વીકાર કર્યો છે.18મી ઓક્ટોબરના રોજ વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભ પછી આચાર્ય દેવવ્રત પદગ્રહણ કરીને નવા કુલપતિ તરીકેની સત્તા સંભાળી શકે છે. ઉલ્લેખનીય છે કે પાછલા થોડા સમયથી ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં વિવાદ અને ગેરરીતિઓના સમાચાર સામે આવી રહ્યા છે, તેવામાં આચાર્ય દેવવ્રતે પદ સંભાળીને તે મુદ્દાઓનું નિરાકરણ લાવવાનું કામ હાથ ધરવું પડશે. તેમણે વિદ્યાપઠીને લગતા મહત્વના નિર્ણયો પણ લેવા પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ ઈલાબેને ઓક્ટોબર મહિનાની શરુઆતમાં જ રાજીનામું આપી દીધુ હતું. નવા કુલપતિની નિમણુક માટે ટ્રસ્ટીમંડળની બેઠક બોલાવવામાં આવી હતી અને આચાર્ય દેવવ્રતનું નામ આગળ કરવામાં આવ્યુ હતું. ટ્રસ્ટીમંડળના સભ્યો પૈકી 9 સભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, પરંતુ બાકીના સભ્યોએ તેમના નામ માટે હામી ભરી હતી. મોટી સંખ્યામાં લોકોએ રાજ્યપાલના નામને ટેકો આપતા તેમને આમંત્રણ મોકલવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.