ચૂંટણી કમીશ્નરની નિમણુંકમાં ‘મારા કે તમારા’ને નહીં સિનિયોરિટીને ધ્યાને લેવાય છે: કેન્દ્ર

મુખ્ય ચૂંટણી કમિશનર(ચીફ ઇલેક્શન કમિશ્નર- સીઇસી) અને ચૂંટણી કમિશનર(ઇલેક્શન કમિશ્નર – ઇસી)ની નિમણૂક માટેની પ્રક્રિયા અને લાયકાત પર “બંધારણનું મૌન” નું સર્વોચ્ચ અદાલતના અવલોકનનો વિરોધ કરતા કેન્દ્ર સરકારે બુધવારે સીઈસી અને ઇસીની નિમણૂક કરવાના તેના અધિકારનો મજબૂત રીતે બચાવ કર્યો હતો અને કોર્ટને કહ્યું હતું કે, બંધારણીય મૌન ન્યાયતંત્ર દ્વારા ભરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ચૂંટણી અધિકારીની નિમણુંક અંગેની સરકારની સ્વતંત્રતા પર અતિક્રમણ ન કરવું જોઈએ તેવું કેન્દ્ર સરકારે કહ્યું છે.

સીઇસી અને ઇસીની નિમણુંક અંગે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, વર્તમાન સિસ્ટમ મુજબ સરકાર એવી વ્યક્તિની પસંદગી કરશે જે ફક્ત એક ’યસ મેન’ એટલે કે સરકાર કહે એટલું જ કરશે જે ખૂબ જ જોખમકારક બાબત છે. ત્યારે કેન્દ્ર સરકારવતી એટર્ની જનરલ આર વેંકટરામણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોઈ વિશેષ પસંદગી પ્રક્રિયા અપનાવવામાં આવી નથી પરંતુ અધિકારીને તેમની સિનિયોરિટી અને લાયકાત મુજબ નિમણુંક આપવામાં આવી રહી છે. એવો કોઈ જ દાખલો નથી કે જેમાં સરકાર દ્વારા પક્ષપાત કરીને સરકારની પસંદગીના અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હોય. જે પણ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે તેઓને તેમની સિનિયોરિટી તેમજ લાયકાત પ્રમાણે નિયુક્તિ આપવામાં આવી છે.

જસ્ટિસ કે.એમ. જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, હૃષીકેશ રોય અને સીટી રવિકુમારની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, ચૂંટણી પંચના અધિકારીઓની નિમણુંક માટે એક ’નિષ્પક્ષ અને પારદર્શક’ મિકેનિઝમ હોવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે, શા માટે આ પ્રકારની કોઈ પસંદગી પ્રક્રિયા ઘડવામાં આવી નથી ? ત્યારે એટર્ની જનરલ આર. વેંકટરામણી, સોલિસિટર જનરલ(એસજી) તુષાર મહેતા અને અધિક સોલિસીટર જનરલ બલબીરસિંહે કોર્ટને સ્પષ્ટ કહ્યું હતું કે, ન્યાયતંત્રે ચૂંટણી પંચના અધિકારીઓની નિમણુંક અંગેની સરકારની સ્વંત્રતામાં દખલ ન કરવું જોઈએ. ભારતીય ચૂંટણી પંચ સ્વતંત્ર રીતે કામ કરી રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતીય ચૂંટણી પંચને સ્વીકૃતિ અપાઈ રહી છે તેવું ત્રણેય વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓએ કહ્યું હતું.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચમાં જો કોઈ અયોગ્ય વ્યક્તિની નિમણુંક કરવામાં આવે તો ચોક્કસ ન્યાયતંત્ર તે નિમણુંકની તપાસ કરી શકે છે અને રદ્દ પણ કરી શકે છે. ત્યારે ખંડપીઠે જણાવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરના પદ માટે કોઈ લાયકાત કે ધારાધોરણ જ હાલ સુધી તૈયાર નથી કરાયાં તો પછી કોઈ અધિકારી અયોગ્ય છે કે કેમ તે અંગેનો પ્રશ્ન જ ઉભો થતો નથી.

મંગળવારે કોર્ટે કહ્યું હતું કે, સીઈસીનો ટૂંકો કાર્યકાળ ચૂંટણી પંચની સ્વતંત્રતાને નષ્ટ કરી રહ્યો છે જેના જવાબમાં એસજીએ કહ્યું હતું કે, ઈસી અને સીઈસી તરીકેના સંચિત કાર્યકાળને ધ્યાનમાં લેવો જોઈએ અને તે માપદંડ મુજબ બધાએ પાંચ વર્ષની આસપાસ સેવા આપી છે જેને ટૂંકા સમયગાળા તરીકે ઓળખાવી શકાય નહીં.

સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કરતા કહ્યું હતું કે, ચૂંટણી પંચમાં સુધારા અંગે અસંખ્ય અહેવાલો આવ્યા છે અને તમામ અહેવાલોએ પરિવર્તન લાવવા માટે એક સુર રજૂ કર્યો છે. બેન્ચે ઉદાહરણ આપતા કહ્યું હતું કે, ચૂંટણી કમિશ્નર વડાપ્રધાન સામે ફરિયાદ કરવામાં નિષ્ફળ જાય તો સમગ્ર સિસ્ટમમાં ભંગાણ સર્જાઈ શકે છે.

ખંડપીઠને જણાવતા કે કારોબારીની સ્વતંત્રતા ન્યાયતંત્રની સ્વતંત્રતા જેટલી પવિત્ર છે, એસજીએ રજૂઆત કરી હતી કે, અરજદાર દ્વારા સૂચવ્યા મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત બિન-કાર્યકારીને પંચની પસંદગી પ્રક્રિયાનો ભાગ ન બનાવવો જોઈએ, કારણ કે તે ન્યાયિક ઓવરરીચ અને સત્તાના વિભાજનના ઉલ્લંઘન સમાન હશે.

સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સીબીઆઈ ડાયરેકટરની નિમણુંક અંગે સુપ્રિમના અગાઉના ચુકાદાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, અગાઉ આ પોસ્ટ પર નિમણુંક આપવાની સ્વતંત્રતા સરકારને હતી પરંતુ કોર્ટના આદેશ મુજબ હવે વડાપ્રધાન, વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસની પેનલ આ નિમણુંક અંગે નિર્ણય લઈ રહી છે જેનું પાલન પણ થઈ રહ્યું છે પરંતુ મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરની નિમણુંક બંધારણીય બાબત છે જેમાં કોઈ ઓણ ફેરફાર કરવાની સત્તા ફસક્ત સંસદને છે.

તુષાર મહેતાએ વધુમાં કહ્યું કે, સત્તાના વિભાજનનું સંચાલન એ દ્વિમાર્ગીય શેરી છે. એવું સબમિટ કરવામાં આવે છે કે, ન્યાયિક સ્વતંત્રતા એ સત્તાના વિભાજનનું કાર્ય છે અને તે એક્ઝિક્યુટિવ ડોમેનને છીનવી લીધા વિના કડક બંધારણીય માપદંડોની અંદર ન્યાયિક સમીક્ષાની કામગીરીની પારસ્પરિક જવાબદારી બનાવે છે. જ્યારે બંધારણ કોઈપણ પદ માટે નિમણૂક માટે સત્તા આપે છે. રાષ્ટ્રપતિ અથવા સંસદ સાથે કાયદો ઘડવાની સત્તા  લોકશાહીના પ્રતિબિંબ તરીકે કરવામાં આવે છે. એવું સબમિટ કરવામાં આવે છે કે તે કાર્યને ઓવરરાઇડ કરવા અથવા તે પ્રક્રિયામાં કંઈક લાવવા માટે જ્યાં કોઈની કલ્પના કરવામાં આવી ન હતી તે ન્યાયિક ઓવરરીચની કિંમત હશે.

એએસજી બલબીર સિંહે જણાવ્યું હતું કે આયોગ વર્ષોથી સ્વતંત્ર રીતે અને નિષ્પક્ષ રીતે કાર્ય કરે છે અને તેના કાર્યને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ચૂંટણી હંમેશા સમયસર કરાવવામાં ચૂંટણી પંચે નોંધપાત્ર કામ કર્યું છે અને ચૂંટણી પ્રક્રિયામાં મતદારોની ભાગીદારી વધારવાની પણ ખાતરી આપી છે.

સુનાવણીના અંતે રાજકીય અને કારોબારી હસ્તક્ષેપથી દૂર રાખવાની માંગ કરતી અરજીઓના બેચ પર તેના મંતવ્યો રજૂ કરવાનો ચૂંટણી પંચનો વારો હતો પરંતુ મતદાન પેનલે સ્વતંત્ર સચિવાલય અને સુરક્ષા ધરાવતા નાણાકીય સ્વતંત્રતા પર તેની રજૂઆત મર્યાદિત કરી હતી.  એડવોકેટ અમિત શર્માએ સંક્ષિપ્ત રજૂઆતમાં જણાવ્યું હતું કે આયોગે તે પાસાઓ પર સુધારા માટે કેન્દ્રને વિવિધ દરખાસ્તો મોકલી છે જેની ગંભીરતાથી તપાસ થવી જોઈએ.

સમયની અવધિ વ્યવસ્થા માટે પડકારરૂપ?!!

સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું છે કે, મુખ્ય ચૂંટણી કમિશનરના ટૂંકા ગાળાના કાર્યકાળથી ચૂંટણી સુધારણા પર પ્રતિકૂળ અસર થઈ રહી છે અને કમિશનની સ્વતંત્રતાને પણ અસર થઈ છે. વર્ષ 1950 થી 1996 સુધીના પ્રારંભિક 46 વર્ષોમાં દેશમાં 10 ચૂંટણી કમિશનરની નિમણુંક કરાઈ હતી એટલે કે તેમનો સરેરાશ કાર્યકાળ સાડા ચાર વર્ષ જેટલો નીકળે છે.મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી હાલમાં ચર્ચામાં છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે છેલ્લા 26 વર્ષોમાં 15 મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવી એ ચિંતાજનક વલણ છે.  જો કે, બીજી બાજુ દેશના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક પર નજર કરીએ તો  છેલ્લા 24 વર્ષમાં ભારતમાં 22 મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે અને 1950 થી 48 વર્ષમાં સુપ્રીમ કોર્ટના 28 મુખ્ય ન્યાયાધીશ થયા છે. વર્ષ 2000 થી દેશમાં 22 મુખ્ય ન્યાયાધીશો થયા છે.

જેમાંથી ઘણા ચીફ જસ્ટિસનો કાર્યકાળ દિવસોમાં ગણી શકાય છે. જસ્ટિસ જીબી પટનાયક (40 દિવસ), જસ્ટિસ એસ રાજેન્દ્ર બાબુ (30 દિવસ) અને જસ્ટિસ યુ યુ લલિત (74 દિવસ) ટૂંકા કાર્યકાળ ધરાવતા ન્યાયાધીશો હતા. આ ઉપરાંત પણ અનેક ચીફ જસ્ટિસનો કાર્યકાળ 1 વર્ષથી ઓછો રહ્યો છે પરંતુ જેટલા

પણ ચીફ જસ્ટિસની નિમણુંક કરવામાં આવી તે સિનિયોરિટી અને લાયકાત પ્રમાણે કરવામાં આવી હતી. ટૂંકો સમયગાળો ધરાવનાર ચીફ જસ્ટિસ અનેક મહત્વના ચુકાદા આપવામાં સફળ રહ્યા છે અને તેમણે તેમની લાયકાત સાબિત પણ કરી છે ત્યારે ચોક્કસ એવું લાગે કે સમયની અવધિ વ્યવસ્થા માટે પડકારરૂપ છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણુંક પ્રક્રિયા બિલકુલ નિષ્પક્ષ: કેન્દ્ર

કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતને સીઈસીની નિમણુંક પ્રક્રિયામાં મુખ્ય ન્યાયાધીશના સમાવેશને અનુસંધાને કહ્યું હતું કે,  ચૂંટણીની પસંદગી પ્રક્રિયા ન્યાયિક ઓવરરીચ એ સત્તાના વિભાજનના ઉલ્લંઘન સમાન હશે. ન્યાયિક સભ્યના સમાવેશથી પસંદગીમાં નિષ્પક્ષતા આવશે તેવી ધારણા સંપૂર્ણપણે ભૂલભરેલી છે. વધુમાં સરકારે દલીલ કરી હતી કે, આ પોસ્ટ પર જો કોઈ અયોગ્ય વ્યક્તિ પસંદ કરવામાં આવે તો કોર્ટ નિમણૂક રદ કરી શકે છે. સરકારે કહ્યું હતું કે, આ પોસ્ટ પર નિમણુંક બિલકુલ નિષ્પક્ષ રીતે કરવામાં આવે છે જેની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી છે.

બંધારણીય બાબતોમાં ફેરફાર કરવાનો ફક્ત સંસદને અધિકાર

કેન્દ્ર સરકારે સીઈસી અને ઈસીની નિમણુંકમાં ન્યાયિક સભ્યના સમાવેશ અંગેની દલીલ દરમિયાન અદાલતમાં કહ્યું હતું કે, આ બંધારણીય મુદ્દો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરની નિમણુંક સિનિયોરિટી અને લાયકાત પ્રમાણે કરવામાં આવે છે અને તેમાં જો કોઈ ફેરફાર કરવાનો હોય તો તે ફક્ત સંસદ જ કરી શકે છે. બંધારણીય બાબતમાં ફેરફાર કરવાનો અધિકાર સંસદ માત્રને છે તેવું સરકાર પક્ષે સોલીસીટર જનરલે કહ્યું હતું.

જો અયોગ્ય વ્યક્તિની નિમણુંક કરાય તો સુપ્રીમને નિમણુંક રદ્દ કરવાનો સંપૂર્ણ અધિકાર

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચમાં જો કોઈ અયોગ્ય વ્યક્તિની નિમણુંક કરવામાં આવે તો ચોક્કસ ન્યાયતંત્ર તે નિમણુંકની તપાસ કરી શકે છે અને રદ્દ પણ કરી શકે છે. ત્યારે ખંડપીઠે જણાવ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરના પદ માટે કોઈ લાયકાત કે ધારાધોરણ જ હાલ સુધી તૈયાર નથી કરાયાં તો પછી કોઈ અધિકારી અયોગ્ય છે કે કેમ તે અંગેનો પ્રશ્ન જ ઉભો થતો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.