- સ્ટીલનું કાર્ટલ તૂટે તેવા સંકેતો, નિકાસ કર ઝીંકાતા ભાવ નીચે આવશે
- સ્ટીલના કાચા માલ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો અને સ્ટીલની નિકાસ પર ડ્યુટી વધારીને 50 ટકા સુધી કરવાનો નિર્ણય અર્થતંત્રના ગ્રોથ એન્જીનમાં પ્રાણ પુરે તેવી આશા
સરકારે મોંઘવારી અને ફુગાવાને કાબૂમાં લેવા માટે પ્લાસ્ટિક અને સ્ટીલના કાચા માલ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો. તે જ સમયે,સ્ટીલની નિકાસ પર ડ્યુટી વધારીને 50 ટકા સુધી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે હવે સ્ટીલની કાર્ટલ તૂટે તેવા ઉજળા સંજોગો મળી રહ્યા છે. જેથી સ્ટીલના ભાવમાં ઘટાડો પણ નોંધાઈ તેવું નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે.
કેન્દ્ર સરકારે સ્ટીલ ઉદ્યોગ દ્વારા ઉપયોગમાં લેવાતા કોકિંગ કોલ અને ફેરોનિકલ્સ સહિત અમુક કાચા માલની આયાત પરની કસ્ટમ ડ્યુટી માફ કરવાની જાહેરાત કરી હતી. આ એક એવું પગલું છે જે ઘરેલું ઉદ્યોગની કિંમતમાં ઘટાડો કરશે અને કિંમતોમાં ઘટાડો કરશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે અમે કેટલાક સ્ટીલના કાચા માલ પર આયાત ડ્યૂટી ઘટાડી રહ્યા છીએ, પરંતુ કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર નિકાસ ડ્યૂટી વસૂલવામાં આવશે. નોટિફિકેશન મુજબ, સ્થાનિક પ્રાપ્યતા વધારવા માટે આયર્ન ઓરની નિકાસ પરની ડ્યૂટી વધારીને 50 ટકા અને સ્ટીલના કેટલાક ઘટકો પર 15 ટકા સુધી વધારી દેવામાં આવી છે.
એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ માને છે કે આનાથી સ્થાનિક બજારમાં સ્ટીલ ઉત્પાદનોની કિંમતમાં 10-15 ટકાનો ઘટાડો થશે. નોંધનીય છે કે સ્ટીલ ઉત્પાદનોની કિંમતો સતત વધી રહી છે, જેના કારણે સરકારે ડ્યુટી મોરચે કેટલાક પગલા લીધા છે. સ્ટીલની અમુક વસ્તુઓ પર નિકાસ ડ્યુટી લાદવાના સરકારના પગલા પર પ્રતિક્રિયા આપતા ઇઇપીસી ઈન્ડિયાનાએ જાહેર કર્યું હતું કે એન્જિનિયરિંગ ઉત્પાદનોના ઉત્પાદકો અને નિકાસકારોને આ પગલાથી ફાયદો થશે અને તેઓ વૈશ્વિક બજારોમાં વધુ સ્પર્ધાત્મક બનશે.
ટાટા સ્ટીલ, JSW, સેઇલ સહિતની કંપનીઓના શેર ધડામ
ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ, સેઇલ સહિતના મેટલ શેર્સમાં કડાકો બોલી રહ્યો છે. આ મોટા ઘટાડાનું કારણ ભારત સરકારનો નિર્ણય છે. ભારત સરકારે શનિવારે સ્ટીલ નિર્માણમાં વપરાતા આયર્ન ઓર અને પેલેટ્સ જેવા કાચા માલની નિકાસ પર ભારે નિકાસ જકાત લાદવાનો નિર્ણય કર્યો છે. આયર્ન ઓરના તમામ ગ્રેડ પર નિકાસ ડ્યૂટી અગાઉના 30 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. વધુમાં, સરકારે હોટ-રોલ્ડ અને કોલ્ડ-રોલ્ડ સ્ટીલ ઉત્પાદનો પર 15 ટકા નિકાસ જકાત વસૂલવાનું નક્કી કર્યું છે, જે અગાઉ કોઈ નિકાસ જકાત વસૂલતી ન હતી. સરકારે વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે આ નિર્ણય લીધો છે.