માતૃત્વ ધારણ કરતા કામદારને પણ મેટરનીટી લીવ મળશે
સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારોને સુરક્ષા કવચ અને માતૃત્વ ધારણ કરતા કામદારને મેટરનીટી લીવ આપવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધેલો છે ત્યારે વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં અત્યારે કામદારોને સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા માત્ર નોંધાયેલા જ મજુરોને વિમા યોજનાનો લાભ મળી રહ્યો છે. જે સંસ્થા પાસે ૧૦ થી વધુ કામદારો અને ૨૧ હજાર રૂપિયાના માસિક પગારના ધોરણે સંચાલન થતું હોય તેવી સંસ્થાઓના મજુરોને ઈન્સ્યોરન્સ કોર્પોરેશનનાં લાભ મળવાપાત્ર રહેશે. હવે કેન્દ્રના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતા કામદારોને પણ આરોગ્ય વિમા અને મેટરનીટીની રજા આપવાની દરખાસ્ત પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. દેશના કરોડો અસંગઠિત ક્ષેત્રના મજુરોને પણ બીજા તબકકામાં સુરક્ષા કવચના ભાગરૂપે વિકલાંગતા અને વૃદ્ધાવસ્થાની પરિસ્થિતિમાં પણ સહાયરૂપ થવાનું આયોજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે બીજા તબકકામાં જે કામદારોને લાભ મળવાપાત્ર છે તેઓને ઈએસઆઈસી એમ્પ્લોયમેન્ટમાં નોંધાયેલા કરોડો કામદારોને સામાજીક સુરક્ષા પ્રદાન કરવા માટેનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. દેશમાં ૪૦ કરોડથી વધુ કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે ત્યારે હાલની વ્યવસ્થા મુજબ સંગઠિત અને નોંધાયેલા કામદારો માટે આરોગ્ય વિમા યોજનાનું કવચ આપવામાં આવી રહ્યું છે. અસંગઠિત ક્ષેત્રના કામદારોને પણ આરોગ્ય વિમા કવચ, વૃદ્ધા સહાય અને વિકલાંગતાની પરિસ્થિતિમાં વળતર સહાય જેવી વિમા યોજનાનું કવચ મળી રહે તે માટે સરકાર દ્વારા લાભ આપવામાં આવશે. હાલ શ્રમ મંત્રાલયને મળેલી દરખાસ્ત મુજબ ઓછામાં ઓછા ૧૦ કામદારો ધરાવતા એકમોને રૂપિયા ૨૧ હજારના પગાર ધોરણ ધરાવતા કામદારોને આ વિમા યોજનાનો લાભ આપવામાં આવશે.
સરકારી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે ૪૦ કરોડ જેટલા કામદારોને સામાજીક સુરક્ષા આપવા માટે સરકારે તેનો મુખ્ય હેતુ બનાવ્યો છે. સરકાર દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે કામદાર આ સ્કિમ હેઠળ નોંધાયેલા હશે તેઓને પણ મેડિકલ ટ્રીટમેન્ટના ભાગરૂપે એમ્પ્લોઈઝ સ્ટેટ કોર્પોરેશનની હોસ્પિટલમાં તેઓની સારવાર કરવામાં આવશે. એમ્પ્લોઈઝ સ્ટેટ કોર્પોરેશન પાસે હાલ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં ૩ કરોડ જેટલા કામદારો નોંધાયેલા છે જેમાં કોર્પોરેશન પાસે કુલ ૯૧ હજાર કરોડ રૂપિયાનું કોપર્સ ફંડ પણ રહેલું છે જયારે રીઝર્વ ફંડ પેટે કોર્પોરેશને ૨૩ હજાર કરોડ રૂપિયા રાખેલા છે જે કોઈપણ આપાતકાલીન સમયમાં કામદારોની મદદે આવી શકે.