કોઈપણ મંજુરી કે નિયંત્રણ વગર ચાલતા ડીજીટલ મીડીયા સામે સરકાર અનેક નિયંત્રણો લાદશે મીડીયાના તમામ પ્લેટફોર્મોને એક સરકારી સંસ્થા નીચે લાવવાની સરકારની યોજના
લોકશાહીમાં મીડીયાને ચોથી જાગીર માનવામાં આવતું હોય આપણાદેશમાં આઝાદીકાળથી મીડીયાનું આગવું મહત્વ રહ્યું છે. ચોથી જાગીર તરીકે મીડીયાને તમામ ક્ષેત્રે અપાતા મહત્વથી અનેક લેભાગુ તત્વોએ આ ક્ષેત્ર તરફ નજર ઠેરાવી છે. તેમાં પણ છેલ્લા થોડા વર્ષોથી દેશમાં ડીજીટલ મીડિયાની બોલબાલા વધી છે. હાલમાં ડીજીટલ મીડીયા ચલાવવા માટેના કોઈ નિયમો સરકારે બનાવ્યા ન હોય પીળુ પત્રકારત્વ કરવાની મહેચ્છાથી આ ક્ષેત્રમાં આવેલા તત્વોને મોકળુ મેદાન મળ્યું છે. જેથી સમયાંતરે દેશભરમાંથી સોશ્યલ મીડીયા એટલે કે ‘ઈ-ચેનલ’ના નામે પીળા પત્રકારત્વની ફરિયાદો ઉઠતી રહે છે. જેથી, દેશમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ‘ઈ-ચેનલ’ સામે સરકારની તવાઈ આવે તેવા સંકેતો મળ્યા છે.
આપણા દેશમાં અખબારો શરૂ કરવા અને તેના નિયંત્રણ માટે આરએનઆઈની, ચેનલો રેડીયો શરૂ કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયની મંજુરીની જરૂર પડે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી નવા આવેલા ડીજીટલ મીડિયાની મંજુરી અને નિયંત્રણ માટે સરકારે કોઈ નિયમો કે તંત્રની રચના કરી નથી જેથી છેલ્લા થોડા સમયથી દેશભરમાં સોશ્યલ મીડિયામાં ‘ઈ-ચેનલ’ના નામે અનેક લેભાગુ તત્વો પત્રકારત્વના સેવા ભાવવાળા વ્યવસાયમાં ઘુસી ગયા છે. આવા તત્વો સમયાંતરે ન્યુઝ નહી પ્રસિધ્ધ કરવાના નામે લાગતા વળગતા સતાધીશો અધિકારીઓને દબાવી ધમકાવી નાણા લઈને પીળુ પત્રકારત્વ કરતા રહે છે. જેથી આવી ‘ઈ-ચેનલો’ની મંજુરી અને તેના પર નિયંત્રણ રાખવા માટે સરકારે કમર કસી છે.
આ અંગેની માહિતી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેએ જણાવ્યું હતુ કે પ્રિન્ટ, ઈલેકટ્રોનીકસ મીડીયાની જેમ ડીજીટલ ન્યુઝ એગ્રીગેટર્સને પણ સરકારી તંત્રના દાયરા હેઠળ લાવવામાં આવશે માત્ર એટલું જ નહી પ્રિન્ટ, ઈલેકટ્રોનીકસ, રેડિયો,ફિલ્મ અને ડીજીટલ એમ મીડીયાના તમામ ક્ષેત્રોને એક સરકારી તંત્ર હેઠળ લાવવા માટે કેન્દ્ર સરકાર ગંભીરતાપૂર્વક કામ કરી રહ્યાનું જણાવ્યું હતુ આ માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય લાઈટ ટચ રેગ્યુલેટરી શાસનની કામગીરી કરી રહ્યાનું ઉમેર્યું હતુ અમિત ખરેએ આ વિગતો ફીકકી ફ્રેમ ૨૦૨૦ના મીડિયા કોન્કેલલમાં વીડીયો કોન્ફરન્સથી સંબોધતા આપી હતી.
ખરેએ વધુમાં જણાવ્યું હતુ કે પ્રિન્ટ પીડીયાની જેમ ડીજીટલ ન્યુઝ એગ્રીગ્રેટર ક્ષેત્રમાં ૨૬ ટકા વિદેશી મૂડી રોકાણની મંજુરી આપવા પણ સરકાર વિચારણા કરી રહી છે. તેમના મંત્રાલયે ગત વર્ષે વિવિધ મિડિયાઓના વડા સાથે પરામર્શ દરમ્યાન વિગતો બહાર આવી હતી. પ્રિન્ટ જર્નાલીઝમ કંપનીઓને લાગુ પડતા નિયમો ડીજીટલ ન્યુઝ એગ્રીગ્રેટરોને લાગુ પડતા નથી જેથી આ મુદે ડીજીટલ મીડીયા માટે નિયમો બનાવવાની માંગ થવા પામી હતી. હાલ મીડીયાના પાંચ પ્રિન્ટ, રેડીયો ટેલીવીઝન, ફિલ્મો અને ડીજીટલ પ્લેટફોર્મમાંથી ચાર પ્લેટફોર્મ માટે મંજુરી અને નિયમન માટેની સરકારી સંસ્થાઓ છે. પરંતુ ડીજીટલ મીડીયા પર નિયંત્રણ માટે કોઈ સંસ્થા ન હોય આ ક્ષેત્રમાં બેફામપણે કાર્યવાહી ચાલી રહી છે. જેને હવે અંકુશમાં રાખવી જરૂરી બની છે.
અમે તમામ મીડીયા પ્લેટફોર્મોને એક જ ક્ષેત્ર નીચે લાવીને હળવા પરંતુ ચુસ્ત નિયમન રાખવાની તૈયારી કરી રહ્યા છીએ આ જુદા જુદા નિયમનકારી બંધારણોને એકબીજા સાથે સુમેળમાં લાવવાની જરૂર છે. જેથી અમે સીંગાપુર જેવું એક મોડલ મીડીયાના નિયમન માટે વિકસાવવા માંગીએ છીએ જોકે, આ કાર્યવાહી હાલમાં વિચારના તબકકે છે. તેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોના અભિપ્રાય લીધા બાદ નકકર નિયમો બનાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે તેમ ખરેએ અંતમાં ઉમેર્યુ હતુ જોકે તેમને આ મુદે કરેલી ચર્ચા પરથી સ્પષ્ટ બન્યું છે કે હાલમાં બેફામ બનેલા ડીજીટલ મીડીયા પર આગામી દિવસોમાં સરકાર કાયદાનો સંકજો કરાશે જેથી બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ‘ઈ-ચેનલો’ સામે સરકારની તવાઈ આવશે.