- ભારતની ઘરેલુ કંપનીઓને ટક્કર આપતા ચાઈનીઝ કંપનીના રૂ.12 હજારથી નીચેની કિંમતના મોબાઈલના વેચાણ ઉપર સરકાર ગમે ત્યારે પ્રતિબંધ મુકે તેવી શકયતા
- ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ, પરંતુ કમનસીબે આ માર્કેટ ઉપર ચીનની કંપનીઓનો કબજો: સરકાર હવે ચિત્ર બદલવા એક્શનમાં
ભારતમાં ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર સરકાર મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. જેમાં કેન્દ્ર સરકાર ભારતમાં 12,000 રૂપિયાથી ઓછી કિંમતના ચાઈનીઝ ફોન પર પ્રતિબંધ મૂકવાનો તખ્તો ગોઠવી રહ્યું છે. સરકારના આ પ્રતિબંધથી ઘરેલુ કંપનીઓને મોટો ફાયદો થવાનો છે.
સરકારના આ નિર્ણયથી ક્ષીઓમી, વિવો, ઓપો, પોકો, રેડમી, રિયલ મી જેવી કંપનીઓને મોટો ફટકો પડવાનો છે, જો કે આ મામલે સરકાર કે ચીનની કોઈપણ કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સરકારના આ નિર્ણયનો હેતુ એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં સ્થાનિક
કંપનીઓનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો છે. ભારત અત્યારે દુનિયાનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે, પરંતુ ચીનની કંપનીઓનો કબજો છે. આ ચીની કંપનીઓ સમક્ષ સ્થાનિક કંપનીઓ ટકી શકવા સક્ષમ નથી.
સરકારના આ નિર્ણયથી સેમસંગ અને એપલ જેવી કંપનીઓને પણ ઘણો ફાયદો થશે. ઓપો, વિવો અને ક્ષીઓમી જેવી કંપનીઓ પહેલાથી જ આવકવેરા વિભાગના નિશાના પર છે. આ કંપનીઓ પર ટેક્સ ચોરીનો પણ આરોપ છે. તાજેતરમાં આ કંપનીઓ પર ઇડીના દરોડા પણ પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ 2020માં સરકારે એક સમયે લગભગ 60 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારપછી ઘણી વખત ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 349 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
12 હજારથી ઓછી કિંમતના મોબાઈલ વેચાણમાં 80 ટકા હિસ્સો ચાઈનીઝ કંપનીઓનો
માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટના જણાવ્યા અનુસાર, જૂન 2022 સુધીના ત્રિમાસિક ગાળામાં ભારતમાં 150 ડોલર એટલે કે રૂ. 12 હજારથી ઓછી કિંમતના સ્માર્ટફોનમાં ચીનની કંપનીઓનો 80% હિસ્સો હતો. ચીની કંપનીઓ સસ્તાભાવે વધુ ફીચર આપી રહ્યા હોય, ઓછી કિંમતના મોબાઈલના માર્કેટમાં ચીની કંપનીઓનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.
ચાઈનીઝ કંપનીઓનો ધંધો ઘટશે એટલે કૌભાંડ પણ ઘટી જશે
તાજેતરમાં જ ઓપો વિવો જેવી કંપનીઓ ઉપર ઇડીએ તવાઈ ઉતારી હતી. જેમાં સૂત્રોના જણાવ્યા મુજબ એવું સામે આવ્યું હતું કે આ ચાઈનીઝ કંપનીઓ પોતાની પડતર કોસ્ટને ઉંચી બતાવીને મોબાઈલ ફોનનું વેચાણ કરતી હતી. જેથી સરકારી ચોપડે નફો ઓછો નોંધાઇ. જેને કારણે તેને ટેક્ષમાં રાહત મળી શકે. જો કે કંપનીઓના આ કૌભાંડમાં દેશના ગદારો પણ જોડાયેલા હતા. હવે કંપનીઓનો ધંધો ઘટશે તો આવા કૌભાંડમાં પણ ઘટાડો નોંધાય તેવી શકયતા છે.
પીએલઆઈ સ્કીમથી હવે મોબાઈલ ઉદ્યોગમાં સર્જાશે નવી ક્રાંતિ
ભારત સરકારની ફેઝ્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાઓ મોબાઇલ ઉદ્યોગ માટે ફાયદારૂપ સાબિત થઈ શકે તેમ છે. આ યોજનાઓ રજૂ કર્યા પછી ભારતમાં મોબાઇલ ફોનના ઉત્પાદનમાં તેG આવી છે, દેશની આયાત અને ચીન પર નિર્ભરતામાં થોડા અંશે ઘટાડો આવ્યો છે. પણ હજુ પણ ચીની કંપનીઓનું વર્ચસ્વ ઘટ્યું નથી. પણ હવે સસ્તા ચાઈનીઝ મોબાઈલ ઉપર પ્રતિબંધ બાદ આ યોજનાઓ મહત્વપૂર્ણ સાબિત થવાની છે.
ઇ-વેસ્ટમાં પણ અસર થવાની સંભાવના
અત્યારે વિશ્વ આખું ઇ વેસ્ટથી પીડાઈ રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને ચાઇનીઝ કંપનીના સસ્તા ડિવાઇસ ઇ વેસ્ટમાં મોટો ફાળો ધરાવે છે. બ્રાન્ડેડ મોબાઈલના અમુક પાર્ટ્સ હજુ રિયુઝ થઈ શકે તેમ છે. પણ સસ્તા ચાઇનીઝ મોબાઈલના પાર્ટ્સનું રિયુઝ શક્ય ન હોય ઇ-વેસ્ટમાં તેનું પ્રમાણ નોંધનીય છે. આ પ્રતિબંધથી ઇવેસ્ટમાં પણ અસર થવાની સંભાવના જોવા મળી રહી છે.
કિંમતી વિદેશી હૂંડિયામણમાં પણ થશે બચત
ચાઈનીઝ કંપનીઓ ભારતના મોબાઈલ માર્કેટ ઉપર રાજ કરી રહી છે. તેઓ અહીંથી વેપલો કરીને પોતાના દેશમાં અઢળક પૈસા ઠાલવી રહ્યા છે. તેઓ ચીનમાં નાણાં ઠાલવતા હોય તેનો વ્યવહાર ડોલરમાં થતો હોય, મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણનો તેમાં વ્યય થાય છે. જેની સીધી અસર અર્થતંત્રને થાય છે. સસ્તા ચાઈનીઝ મોબાઈલ ઉપર પ્રતિબંધથી વિદેશી હૂંડિયામણમાં પણ બચત થઈ શકે તેમ છે.
5G ચાઇનીઝ કંપનીઓ માટે વિપુલ તકો સર્જવાનું હતું
5G સર્વિસ હવે થોડા જ સમયમાં શરૂ થવાની છે. આ સર્વિસનો લાભ લેવા માટે 4G મોબાઈલ ધરાવતા લોકો મોટી સંખ્યામાં તેનો મોબાઈલ 5Gમાં અપડેટ કરાવવાના છે. ત્યારે સસ્તા 5G મોબાઈલ માર્કેટમાં લઈ આવનાર ચાઇનીઝ કંપનીઓ માટે 5G વિપુલ તક સર્જવાનું હતું. પણ જો પ્રતિબંધ લાગશે તો ચાઇનીઝ કંપનીઓ માટે આ તક રોળાઈ જશે.