મારી હુંડી સ્વીકારો…
‘વિવાદ સે વિશ્વાસ’ થકી કરદાતાઓ સાથે ડિસ્પ્યુટમાં ફસાયેલા નાણા તિજોરીમાં ઠાલવવા સરકાર ઉંધામથે: ‘હુંડી’ને લઈ સરકારે વાસ્તવિક નિર્ણય લેવા પડશે
સરકાર માટે આગામી નાણાકીય વર્ષ વધુ કપરૂ રહે તેવી દહેશત આર્થિક નિષ્ણાંતો વ્યકત કરી ચૂકયા છે. આવા સંજોગોમાં નાણાકીય ખાદ્યને પુરવાની મથામણ સરકારને લાંબા સમય કરવી પડે તેવી સ્થિતિ છે. વર્તમાન સમયે કેન્દ્ર સરકાર જ્યાંથી મળે ત્યાંથી નાણા એકઠા કરવા પ્રયાસ કરે છે. સરકારના તાજેતરના પ્રયાસ પરથી વર્ષોથી લોકપ્રિય બનેલી ‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી’ ઉક્તિ સાર્થક થઈ રહી હોવાનું જણાય છે. સરકારે બહુજન હિતાય, બહુજન સુખાયને હાંસીયામાં ધકેલીને આડેધડ લીધેલા પગલા નુકશાનકાર નિવડી શકે છે. આવી પરિસ્થિતિમાં સરકારે ડાયરેકટેકસના વિવાદમાં ફસાયેલા ૯ લાખ કરોડના માધ્યમથી નાણાકીય ખાદ્ય પુરવાનો નિર્ધાર કર્યો છે. સરકારે હવે હુંડીને લઈ વાસ્તવિક નિર્ણયો લેવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
ડાયરેકટેકસને લગતા વિવાદો ટ્રીબ્યુનલમાં છે. લાખો-કરોડોના વિવાદો વર્ષોથી પેન્ડિંગ પડયા છે. આ વિવાદોમાં સમાધાન કરી જેટલા મળે તેટલા રૂપિયા લેવાનો ઈરાદો કેન્દ્ર સરકારનો છે તેવું જાણવા મળે છે. જેના અનુસંધાને સરકારે વિવાદ સે વિશ્વાસ બીલ લોકસભામાં મુકયું હતું. જેમાં ડિસ્પ્યુટમાં ફસાયેલા રૂા.૯ લાખ કરોડ જેવી તોતીંગ રકમ તિજોરીમાં ઠલવાસે તેવી આશા વ્યકત કરવામાં આવી હતી. જો કરદાતા ડિસ્પ્યુટ ટેકસની રકમ ભરી દે તો તેને વ્યાજની પેનલ્ટીમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા ૩૧ માર્ચ ૨૦૨૦ની સમય મર્યાદા આપવામાં આવી છે. આ સાથે જ કેટલાક સંજોગોમાં મર્યાદા જૂન-૩૦ ૨૦૨૦ની પણ હોઈ શકે છે. આ સ્કીમ હેઠળ કરદાતાને માત્ર ડિસ્પ્યુટમાં રહેલો ટેકસ જ ભરવાનો રહેશે. સરકારને વિવાદ સે વિશ્વાસ યોજના થકી ટેકસ ડિસ્પ્યુટમાં બ્લોક થયેલા રૂા.૯ લાખ કરોડ તિજોરીમાં ઠલવાશે તેવી આશા છે. ટેકસ પેયરને ૧૧૦ ટકા ડિસ્પ્યુટ ટેકસ ભરવાનો રહેતો હોય છે. ઉપરાંત ૩૦ ટકાની પેનલ્ટી પણ લગાવવામાં આવે છે. જો કે, સરકાર હવે આ તમામ બાબતે રાહત આપવા જઈ રહી છે. આ સ્કીમ તા.૩૦ જૂન સુધી અમલમાં રહેશે. અગાઉ પણ સરકારે આવી યોજના થકી ડિસ્પ્યુટમાં રહેલી રકમ પોતાની તિજોરીમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. નવી યોજનામાં પણ વધુ છુટછાટ આપવામાં આવી છે. સરકારની આવક-જાવકમાં અસંતુલના કારણે નાણાકીય ખાદ્ય વધી રહી છે. આ ખાદ્ય પુરવા માટેનો સોર્સ વર્તમાન સમયે કરદાતાઓ હોય તેવું જણાય છે. અહીં નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૮ના નવેમ્બર માસ સુધીમાં ડિસ્પ્યુટમાં ૫ લાખ કેસ ફસાયા હતા. આ કેસની કુલ રકમ રૂા.૯ લાખ કરોડ જેટલી તોતીંગ છે જેને છુટા કરવાનો વિચાર સરકારનો છે.
ડાયરેક્ટ ટેક્સના રૂા. ૧૧.૭ લાખ કરોડના ટાર્ગેટ પૂરા થશે!
ચાલુ નાણાકીય વર્ષમાં રૂા.૧૧.૭ લાખ કરોડના ટાર્ગેટ પુરા થશે તેવો આશાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસના ચેરમેન પી.સી. મોદીએ દાખવ્યો છે. ચોથા કવાર્ટરમાં ટેકસ કલેકશન ઉંચા પ્રમાણમાં થશે તેવું તેમનું માનવું છે. આગામી નાણાકીય વર્ષ ટેકસ ડિપાર્ટમેન્ટ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો સહારો લેશે આ સાથે ડેટા માઈનીંગ અને રેવન્યુ કલેકશનમાં અધિકારીઓને તૈયાર કરવામાં આવશે આર્ટીર્ફીશીયલ ઈન્ટેલીજન્સના માધ્યમથી ડેટાની વિસ્તૃત તપાસ થશે અને ત્યારબાદના નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા ટાર્ગેટ ઝડપથી પુરા થશે તેવું માની શકાય. આ અંગે પી.સી.મોદીનું કહેવું છે કે, જે પણ ટાર્ગેટ રાખવામાં આવ્યા છે તેને વાસ્તવિક ધોરણે પુરા કરવામાં આવશે. હું આ બાબતે ખુબજ વિશ્વાસ ધરાવું છું. અમે ટેકનોલોજીનો ખુબજ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવા જઈ રહેયાં છીએ. આગામી સમયમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઝડપી અને અસરકારક ઉપયોગ થશે. આઈટી રિટર્ન ફાઈલ કરતી વખતે કરદાતાઓની લેવાયેલી વિગતો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના માધ્યમથી છણાવટ થશે.