નળ ત્યાં જળ
રાજ્યભરમાં છેવાડાના ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાનો નીર્ધાર વ્યકત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
ગાંધીનગરમાં પાણીની રૂ.૨૨૯ કરોડની યોજનાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું ઓનલાઇન ખાતમુહૂર્ત : ગાંધીનગર બનશે ૨૪ કલાક પીવાનું પાણી આપતું દેશનું પ્રથમ શહેર
વર્તમાન સમયમાં પીવાની પાણીની સમસ્યા તમામ ઘરોને સતાવે છે. હાલ મોટાભાગના શહેરોમાં તેમજ ટાઉનમાં કેરબારાજ ચાલી રહ્યું છે. પીવાનું શુદ્ધ પાણી ન મળવાથી લોકો પાણીના કેરબા ખરીદી કામ ચલાવી રહ્યા છે. ત્યારે આ સમસ્યા દૂર કરવાની રૂપાણી સરકારે નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવી જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર રાજ્યના દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચાડશે. કોઈ ઘર આગામી સમયમાં પીવાના પાણીથી વંચિત રહેશે નહીં.
ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂ.૨૨૯ કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ માટેનો ઓનલાઈન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ યોજનાથી ૩૬૫ દિવસ ૨૪ડ્ઢ૭ પીવાનું પાણી પુરૂં પાડનારૂં ગાંધીનગર દેશનું પ્રથમ શહેર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિવસે પાટનગરને ભેટ આપતા ૨૨૯ કરોડની યોજનાનું ખાતમૂર્હત કરાયું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીથી તથા સીએમ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપી હતી. આ પ્રસંગે અમિતભાઇ શાહે કહ્યું હતું કે, યોજનામાં માથાદીઠ ૧૫૦ લીટર પાણીનું આયોજન કરાયુ છે, પરંતુ નાગરિકો પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરે તે જરૂરી છે.
બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમિતભાઇના પ્રયાસોના કારણે દેશમાં ગાંધીનગર પ્રથમ એવુ સ્માર્ટ સિટી બનશે જ્યાં સમગ્ર શહેર વિસ્તારમાં ૨૪ કલાક પાણીની યોજના સાકાર થશે. આ યોજનાને ૨૪ મહિનામાં પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી કરાઇ છે. મેયર રીટાબેન પટેલે કહ્યું હતું કે, ૫૦ વર્ષ પહેલાના પાણીના નેટવર્કને બદલાવીને પાણીની લાઇન, સમ્પ સહિત નવુ નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. નવા ભળેલા ૧૮ ગામડા અને પેથાપુર નગરપાલિકા સહિત સમગ્ર મહાનગર પાલિકા વિસ્તારને આ યોજનામાં આવરી લેવામાં આવ્યો છે. જેમાં ૫૮ હજાર મીટર નાખવામાં આવશે ઓનલાઇન ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ મંત્રી વાડીભાઇ પટેલ, ધારાસભ્ય શંભુજી ઠાકોર સહિતના ભાજપના નેતાઓ અને મ્યુનિસપલ કમિશનર રતનકંવર ગઢવીચારણ ઉપસ્થિત રહ્યા હતાં.
વધુમાં આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વની જાહેરાત કરી હતી કે હવે રાજ્યમાં તમામ ઘરોને પીવાનું પાણી મળી રહેશે. આવનાર સમયમાં છેવાડાનું ઘર પણ પીવાના પાણીથી વંચિત રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પાણીની તંગી નથી. વરસાદ પણ પૂરતા પ્રમાણમાં પડે છે. તેનો સંગ્રહ પણ વ્યવસ્થિત રીતે થાય છે. તેમ છતાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. જ્યા જ્યા પાણી વ્યવસ્થિત રીતે નિયમિત મળે છે. ત્યાં પાણી શુદ્ધ ન હોવાની બુમરાળ ઉઠે છે. આમ મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણીના પ્રશ્ને કોઈને કોઈ પ્રશ્નો છે. આ પ્રશ્નો નિવારવાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નેમ વ્યક્ત કરી છે.
રૂપાણીએ આવનાર સમયમાં રાજ્યના ૧૦૦ ટકા ઘરોને પીવાનું પાણી પહોંચાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાલની વાસ્તવિક સ્થિતિ જોઈએ તો મોટાભાગના વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી મળતું ન હોય લોકોએ નાછૂટકે ફિલ્ટર પાણીના કેરબા ખરીદીને તે પાણીનો ઉપયોગ કરવો પડે છે. આ વર્તમાન સ્થિતિથી વાકેફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં મહત્વની જાહેરાત કરીને પ્રજાનો પીવાનો પાણીનો પ્રશ્ન નિવારવાનો નીર્ધાર વ્યકત કર્યો છે.