ચાઈનીઝ હોલ્ડીંગ ધરાવતી કંપનીઓએ ભારતમાં રોકાણ માટે સરકારની લેવી પડશે પૂર્વ મંજુરી

દેશની આર્થિક સ્થિતિને સુધારવા અને ભારતને વિકાસ રથ ઉપર આરૂઢ કરવા માટે કેન્દ્ર સરકાર અનેકવિધ પ્રયત્નો હાથ ધરી રહી છે જેના ભાગરૂપે સરકારે ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈને વધુને વધુ પ્રાધાન્ય મળી રહે તે હેતુસર વિદેશી રોકાણને ભારત દેશમાં લાવવા માટે મહેનત કરવામાં આવી રહી છે. એક તરફ વિશ્ર્વના દેશોનું ચાઈના તરફનો નકારાત્મક અભિગમને ધ્યાને લઈ ભારત દેશ પરનો વિશ્ર્વાસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ તકે વાણિજય મંત્રાલય દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવે જે કોઈ વિદેશી કંપની ભારતમાં રોકાણ કરવા માંગતું હોય તો તેને સરકારની પૂર્વ મંજુરી લેવી અનિવાર્ય છે જેમાં સરકાર દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે નાનામાં નાના ચાઈનીઝ રોકાણ ઉપર હવે સરકાર બાજ નજર રાખશે.

હાલ અત્યાર સુધી કોઈપણ વિદેશી દેશ ભારતમાં રોકાણ કરવા માટે સરકારની પૂર્વ મંજુરી લેતા ન હતા પરંતુ ભારત-ચાઈના વચ્ચે જે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે તેને ધ્યાને લઈ સરકાર દ્વારા આ પગલુ લેવામાં આવ્યું છે જેમાં કોઈપણ કંપની કે જેમાં ચાઈના નાનામાં નાનું રોકાણ હોય તો પણ તેઓએ સરકારની પરવાનગી લેવી પડશે. હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય પણ બન્યો છે જેનું કારણ એ છે કે કેટલી રકમ સુધીનું રોકાણ અંગે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી એવી જ રીતે ચાઈના અન્ય દેશો મારફતે ભારતમાં રોકાણ કરતા નજરે પડયું છે જેમાં સિંગાપોર અને મોરીસીયસ જેવા દેશો ભારતમાં જે રીતે રોકાણ કરે છે તેમાં નાનામાં નાનો ફાળો ચાઈનાની કંપનીનો જોવા મળે છે.

સરકારી સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નાના સ્ટાર્ટઅપ જેવા કે બીગ બાસ્કેટ જેવી કંપનીને ભારતમાં જો રોકાણ કરવું હોય તો તેઓએ સરકાર પાસેથી પરવાનગી લેવી ફરજીયાત છે. હાલ વાણિજય મંત્રાલય પાસે આ પ્રકારની ઘણીખરી અરજીઓ પેન્ડીંગ જોવા મળે છે જેને મંજુરી આપવી કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે. વાણિજય મંત્રાલય દ્વારા આ તમામ પ્રકારની કંપનીઓ માટે નવા ધારા-ધોરણો બનાવવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ આગામી થોડા દિવસોમાં નવી ગાઈડલાઈન મુજબ રોકાણને પરવાનગી અપાશે અને એ વિગત પણ સામે આવી છે કે, હોંગકોંગથી રોકાણ કરવા માટે રોકાણકારોની ખુબ મોટા પ્રમાણમાં અરજીઓ આવેલી છે જેને સરકાર ટુંક સમયમાં જ પરિપૂર્ણ કરશે. બીજી તરફ તાઈવાન દેશ માટે આ કોઈપણ પ્રકારના નિયમો લાગુ ન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે અને તાઈવાનને સરકાર દ્વારા મળતી મંજુરીમાંથી પણ બાકાત રાખવામાં આવ્યા છે. સરકાર ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ એટલે કે ફેમાને ધ્યાને લઈ વિદેશી રોકાણને ભારતમાં લાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.  ચાઈના સાથેના વ્યાપારીક સંબંધોને ધ્યાને લઈ ભારત હાલ જે રીતે વ્યવસાય કરી રહ્યું છે તેને ધ્યાને લેતા ચાઈનાની ટેનસેન્ટ તથા અલીબાબા જેવી કંપનીને મંજુરી આપવામાં આવી નથી જેથી સરકાર વિદેશી રોકાણ કરવા ઈચ્છતી કંપનીઓને સરકારી મંજુરી લેવા માટે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.