દેશના 69000 પેટ્રોલ પંપ પર ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગની સુવિધા ફરજિયાત કરવા પર સરકારની ગૂઢ વિચારણા
શું તમે જાણો છો તમારી કાર્બન ફૂટપ્રિંટ કેટલી છે? આપણાં માથી લગભગ કોઈ આ વિશે ધ્યાન નહીં આપતું હોય. કારણકે દાયકાઓ સુધી આપણે આસપાસની પ્રકૃતિ ને ફક્ત આપણાં સ્વાર્થ માટે વાપરતા શીખ્યા છીએ, પરતું જ્યારે એમનું જતન કરવાનો સવાલ સામે આવે ત્યારે તેના વિશેનું જ્ઞાન પણ આપણાં દેશ માં ઘરે ઘરે પ્રચલિત નથી. આપણે આપણી રોજીંદી ક્રિયાઓ માં કેટલો કાર્બન ડાયોક્સાઈડ હવા માં પ્રસારીત કરીએ છીએ એનું માપન કાર્બન ફૂટપ્રિંટ દ્વારા કરી શકાય છે. આપણાં ઘર માં વપરાતી વીજળી થી શરૂ કરી ને રસોઈ અને વાહનો સુધી ની દરેક વપરાશ હવામાં કાર્બન ડાયોક્સાઈડ ફેલાવે છે. પ્રકૃતિ પોતે અમુક હદ સુધી આ કાર્બન ડાયોક્સાઈડ શોષવા ની ક્ષમતા ધરાવે છે, પરંતુ દુનિયા ના લગભગ બધા જ દેશો આ હદ ક્યારના વટાવી ચૂક્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણમાં આ કાર્બનના વધતાં પ્રમાણ ને કાબૂ માં લેવા એક કરાર થયેલો અને ભારતે તેમાં નિશ્ચય નોંધાવેલો. આ વચન મુજબ ભારતે ૨૦૩૦ સુધી માં તેનાથી હવા માં પ્રસારિત થતાં કાર્બન ને સંપૂર્ણ રીતે શોષી શકવાની વ્યવસ્થા કરવાની છે. વિશ્વના વિવિધ દેશો એ પણ પોતપોતાની જવાબદારી નિભાવવા નિશ્ચય કર્યો છે. આ કઠિન કાર્ય વૃક્ષો નું પ્રમાણ વધારવાથી, ટેક્નોલોજી ના ઉપયોગ થી કે પછી ધુમાડા કાઢતા વાહનો ને ઇલેક્ટ્રિક વાહનો સાથે બદલવાથી કરવું એ આપણાં પર છે. વ્યક્તિગત રીતે સૌથી વધારે કાર્બન ડાયોક્સાઈડ આપણાં પેલા ધુમાડા કાઢતા વાહનો માથી નીકળે છે.
દાયકાઓ થી આપણે ઈંધણથી ચાલતા એંજિનથી ટેવાયેલા છીએ. આપણે કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે એક સમય એવો આવી શકે કે પેટ્રોલ પમ્પ માં જેમ આપણે આપણાં વાહનો માં ઈંધણ પુરવીએ છીએ તેમ આપના ઇલેક્ટ્રિક વેહિકલ(ઇવી) ને ચાર્જ કરવા મૂકીશું. અત્યારે ભારત માં ગણ્યા ગાંઠયા ઇલેક્ટ્રિક વાહનો આવી પણ ચૂક્યા છે પણ તેઓ ભારત ના રસ્તાઓ પર શોધ્યા વિના જડે એવો સમય આવવાનો હજી બાકી છે. અમેરિકા અને યુકે જેવા દેશો ઇલેક્ટ્રિક વાહનોના વિકાસમાં ઘણા આગળ છે. ત્યાં તો લગભગ હજારો ની સંખ્યા માં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન પણ આવી ચૂક્યા છે. ભારત દેશમાં હવે એવા એલોન મસ્ક ની રાહ છે કે જે ઇલેક્ટ્રિક વાહનો ના ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે. અહીં એ નોંધવું ખાસ જરૂરી છે કે ઇલેક્ટ્રિક વાહનો બનાવવા થી આપણું કામ પૂરું નથી થતું. અમેરિકા જેવા દેશો ની જેમ ઠેર ઠેર વિદ્યુત ચાર્જિંગ સ્ટેશન બાંધવા પડશે, તેના ભાવ નક્કી કરવા પડશે, ઠેર ઠેર ઇલેક્ટ્રિક વાહન માં કોઈ વાંધો પડે તો તેને સમું કરવા ની વ્યવસ્થા પણ કરવી પડશે.
આ બધુ વિચાર્યા પછી પણ ઇલેક્ટ્રિક કાર ના વિજ્ઞાનમાં હજી ઘણું લાવવાનું બાકી છે. અત્યારે Tesla સિવાયના બધા ચાર્જિંગ સ્ટેશન માં આપણે લગભગ એક કલાક થોભવું પડે. ભારત જેટલી વિશાળ આબાદી વાળા દેશ માં જો દરેક વ્યક્તિ એક કલાક ચાર્જિંગમાં જ ગાળે તો કિલોમીટર લાંબી લાઈનો લાગી શકે. એ પછી પણ દાયકાઓથી ચાલી આવતી ગણતરી ની ક્ષણો માં પેટ્રોલ પુરવવાની ટેવ તો ખરી જ. આપણે ત્યાં જે પેટ્રોલ ના ભાવ આપણે ચૂકકવા ટેવાયેલા છીએ તેમ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ના ભાવ એટલા જલ્દી આપણાં મગજ માં બેસી ના શકે. પેટ્રોલ ના ભાવ જેમ સરકાર નક્કી કરે છે તેમ આ ઇલેક્ટ્રિક સ્ટેશન માં પણ ભાવ નક્કી કરવાનું એક કઠણ કામ પાર પાડવાનું છે. અમેરિકા અને યુકે ની જેમ માસિક લવાજમ ની સુવિધા આપણે ત્યાં ચાલી શકે. વિવિધ મોબાઇલ એપ્સ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સુધી પહોચાડી પણ શકે અને જેમ બસ ની સીટ માં રૂમાલ રાખી ને જગ્યા રોકીએ તેમ આપણાં માટે નિશ્ચિત સમયે એડવાંસ બૂકિંગ કરાવી શકે.
ઇલેક્ટ્રિક કાર પ્રત્યે સરકાર પણ હવે જાગતી થઈ છે. સરકાર 69000 પેટ્રોલ પંપ પર ઇલેક્ટ્રિક વાહનો ના ચાર્જિંગ ની સુવિધા ફરજિયાત કરવા પર ગૂઢ વિચારણા કરી રહી છે. હવે એ સમય દૂર નથી જ્યારે ધુમાડા કાઢતા વાહનો ઓલ્ડ ફેશન થઈ જશે. પેલા બજાજ ચેતક થી શરૂ થયેલા જમાના ને પાછો મૂકવાનો સમય હવે રણશિંગુ ફુકિ રહ્યું છે. હવે એ સમય દૂર નથી જ્યારે યુવાનો કહેશે, “આજા મેરી ઇલેક્ટ્રિક ગાડી મે બૈઠ જા….”