એક સાથે સહાય કરવામાં આવી હોય તેવા રાજ્યમાં કદાચ પ્રથમ બનાવ
સંવેદનશીલ અને સેવાભાવી સરકારની સતત પ્રતીતિ કરાવતી રૂપાણી સરકારે ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ જીવતા ૬૬ લાખ જેટલા પરીવારોને એક-એક હજાર એટલે કે કુલ રૂ. ૬૬૦ કરોડ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. રૂપાણી સરકારનાં આ અભૂતપૂર્વ નિર્ણયની પ્રશંસા કરતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૬૬ લાખ પરિવારોનાં ખાતામાં આજ રોજ સોમવારી એક-એક હજાર રૂપિયા જમા કરાવવાનો ઉમદા નિર્ણય કર્યો છે. કોરોના વાયરસના કારણે લોકડાઉનનાં સમયગાળામાં રોજગાર-ધંધા બંધ થઈ જતાં રોજેરોજનું કમાઈને રોજેરોજ ખાનારા ગરીબ પરિવારો શ્રમિકો છૂટક કામ કરનારાઓને જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી પડી રહી છે એવા સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૬૦ લાખથી વધુ બીપીએલ કાર્ડ ધારકોને મફત અનાજ બાદ એક-એક હજાર રૂપિયા આપવાનો જે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તે ખૂબ જ પ્રશંસનીય છે. કોરોના વાયરસની મહામારીનાં સમયગાળામાં વિજયભાઈ રૂપાણી ખરા અર્થમાં મુખ્યમંત્રી નહીં મુખ્યસેવકની ભૂમિકા અદા કરી તમામ વર્ગને મદદરૂપ બની રહ્યાં છે.
ભંડેરી-ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પર જ્યારે-જ્યારે સંકટ આવ્યું છે ત્યારે-ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દુખિયાઓના બેલી સાબિત થયા છે. નાનામાં નાના માણસની મુશ્કેલીમાં મસીહા બનતા વિજયભાઈ રૂપાણી ફરી એક વખત કોરોના વાયરસની મહામારીનાં સમયમાં પ્રજાની મુશ્કેલીઓમાં સહભાગી બની તેને સમજી તમામ પ્રકારની સહાય-સેવા કરવામાં અને જરૂરી સુવિધાઓ આપવામાં અગ્રેસર છે. કોઈએ ડરવા કે દુ:ખી થવાની જરુર નથી.
રૂપાણી સરકાર આજ રોજ સોમવારથી એક-એક હજાર રૂપિયા ગરીબોનાં ખાતામાં જમા કરાવવા લાગશે. લાભાર્થી ગરીબ પરિવારો તેનો પોતાની જરૂરિયાત મુજબ બેંકમાંથી ઉપાડી ઉપયોગ કરી શકશે. ભૂતકાળમાં કુદરતી આપતી વખતે અસરગ્રસ્તોને કેશડોલ્સ અપાયાના અનેક દાખલા છે પરંતુ ખાતામાં એક સાથે એક હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે તેવો કદાચ આ રાજયમાં પ્રથમ બનાવ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બીપીએલ-એપીએલ કાર્ડ ધારકોને નિ:શુલ્ક અનાજ આપ્યા બાદ રોકડ આર્થિક સહાય આપવાનાં અભૂતપૂર્વ નિર્ણયની નોંધ રાષ્ટ્રીયસ્તરે લેવાઈ તેની પ્રશંસા લેવામાં આવી રહી છે. ગુજરાતની જનતા પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં સેવા-સહાયતા કરતા દરેક પગલાંની પ્રશંસા કરી રહી છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિને કાબુમાં રાખવામાં તેમજ કોરોના અસરગ્રસ્તોને સહાયતા-સુવિધા આપવામાં રૂપાણી સરકાર સફળ રહી છે.