સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાતા ખોટા સમાચારોથી દેશની અખંડિતતા અને કોમી એકતાને નુકસાન પહોંચી રહ્યું છે: ડેપ્યુટીસીએમ નીતિન પટેલ
હાલ, વોટસએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ પ્લેટફોર્મનો ઉપયોગ બહોળા પ્રમાણમાં વઘ્યો છે પરંતુ આ પ્લેટફોર્મ દ્વારા ફેક ન્યુઝનો ફેલાવો પણ વધી રહ્યો છે. ખોટા સમાચારોને કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઘણા હિંસક બનાવો પણ બન્યા છે જેને રોકવા રાજય સરકારે તૈયારી શરૂ કરી છે. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફેક ન્યુઝને લઈ જણાવ્યું છે કે, આ માટે કાયદો ઘડવામાં આવશે.
નાયબ સીએમ નીતિન પટેલે વધુમાં જણાવતા કહ્યું કે, સોશ્યલ મીડિયામાં ફેલાતા ખોટા સમાચારો રાજયમાં હિંસક હુમલાનું કારણ બન્યા છે જેને રોકવા ખુબ જ જરૂરી છે અને આ માટે સરકાર કાયદો ઘડવા પર વિચારણા કરી રહી છે. નીતિન પટેલે નિવેદનમાં કહ્યું કે, સોશ્યલ મીડિયાનો દુરુપયોગ અટકાવવો અત્યંત જરૂરી બન્યું છે.
ખોટા સમાચારોના કારણે દેશમાં કોમી એકતાને નુકસાન પહોંચ્યું છે. શાંતી અને સલામતીનું પણ ભંગાણ થયું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર આ માટે કાયદો ઘડશે એટલે તુરંત જ ગુજરાત સરકાર પણ નિયમો ઘડી કાઢી રાજયમાં ફરજીયાતપણે તેનું પાલન કરાવશે. આ માટે દરેક વિભાગના અધિકારીઓ સાથે મંત્રણા ચાલુ છે અને મંત્રણા બાદ નકકર નિર્ણય લેવાશે.
છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપ-ફેસબૂક જેવી સોશ્યલ મીડિયા જાયન્ટ કંપનીઓ વિશ્વસનીયતા ગુમાવી રહી છે ત્યારે ફેક ન્યૂઝ અને મોબ લીન્ચીંગ જેવી સમસ્યાઓને કારણે કેટલાક ન બનવાના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આ સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સરકારે ત્વરીત એકશન પ્લાનના ઘડતરની આવશ્યકતા છે ત્યારે કેટલાક અંશે સરકાર આ અંગે નિષ્ફળ સાબીત થઈ છે.
ફેક ન્યૂઝને નાથવા માટે વોટ્સએપે પાંચ જ મેસેજનું ચેટ બાંધણુ તેમજ ફોરવર્ડ મેસેજ જેવા ફેરફારો કર્યા પરંતુ આ સ્થિતિ પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે હવે સરકારે એકશન પ્લાનની તાતી જરૂરીત છે.ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે, સોશ્યલ મીડિયાના માધ્યમોથી દેશને થતા નુકશાન સુરક્ષાના જોખમોને કારણે આકરી પરિસ્થિતિ સર્જાય છે જેને કાબુમાં લેવું ખૂબજ જરૂરી છે.રાજય સરકાર આ અંગે કાયદો ઘડવાની વિચારણા કરી રહી છે. જેના અંતર્ગત સેન્સરશીપ પણ લાગુ કરવામાં આવી શકે છે.