સંવેદનશીલ રૂપાણી સરકારના નિર્ણયને આવકારતા જીવદયા પ્રેમી

પાંજરાપોળ પોતાના આયોજન, વિકાસ કાર્યોની સરકારને વિગતો મોકલે: જીવદયાપ્રેમી ગીરીશ શાહ

ગુજરતાની પાંજરાપોળોનાં આંતર માળખાકીય વિકાસ માટે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારે રૂા.૧૦૦ કરોડની યોજના જાહેર કરતા જીવદયાપ્રેમી ગીરીશભાઈ શાહે આવકારી આગામી દિવસોમાં રાજયમાં વધુને વધુ લોકો ગૌ સેવામાં જોડાશે.

જીવદયા પ્રેમી ગીરીશભાઈ શાહે જણાવ્યું છે કે દેશ-વિદેશમાં અનેક જગ્યા પર ગાયની રક્ષા,સેવા માટે ગૌશાળાઓ-પાંજરાપોળો બાંધવામાં આવી છે. આ કાર્યમાં વધુને વધુ લોકોને જોડાવા માટેની અપીલ કરતા અનેક કાર્યક્રમોનું આયોજન પણ સતત કરવામાં આવે છે. ગામડાંઓમાં લોકોમાં વધુ જાગૃતિ લાવવા આધુનિકીકરણ અપનાવીને ગાયોના મૂત્ર અને છાણમાંથી,પંચગવ્યમાંથી આવક કઈ રીતે ઊભી કરી શકાય તે માટે કેમ્પ,સેમિનારનું આયોજન કરવામાં આવે છે. અનેક સંસ્થાઓ આ માટે દિવસ રાત મહેનત કરી રહી છે. તેમની આ મહેનતને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈને સરકાર પણ તેમાં ભાગીદાર બની રહી છે. હાલમાં જ, ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાંજરાપોળોનાં આંતરમાળખાકીય વિકાસ અને સ્વાવલંબન માટે ૧૦૦ કરોડ રૂપિયાની યોજના તૈયાર કરી છે.

ગૌ સેવા,ગૌ રક્ષા અને ગૌ સંવર્ધનને સમર્પિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રદેશની પાંજરાપોળો માટે ૧૦૦ કરોડનું સરકારી અનુદાન,વિવિધ નિયમોને આધીન જાહેર કર્યું છે. ભારતીય જીવ જંતુ કલ્યાણ બોર્ડના સભ્ય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સ્વયંસેવી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશ જયંતિલાલ શાહે ગુજરાતનાં મુખ્યમંત્રીને આભાર પ્રગટ કરતા આ કાર્યને આદર્શ કાર્ય જણાવ્યું છે.

સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહે જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના ૨૦૨૦ના બજેટમાં ૧૦૦ કરોડ રૂપિયા ગુજરાતની પાંજરાપોળના વિકાસ, સ્વાવલંબન હેતુ અર્થે જાહેર કરવામાં આવ્યા. એ માટે ગુજરાત રાજ્યના પાંજરાપોળના તમામ ટ્રસ્ટીઓની પણ હવે જવાબદારી બને છે કે, સરકારી નીતિ ,નિયમો અનુસાર ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવે અને આ રાશિનો સદુપયોગ કરાવવામાં આવે. આ સાથે તેમણે એ પણ અનુરોધ કર્યો કે, ગુજરાતના દરેક પાંજરાપોળના ટ્રસ્ટીઓ બને એટલી જલ્દી પેપર વર્ક તૈયાર કરી, નિયમાનુસાર અરજીઓ કરી આ યોજનાને સફળતા પ્રદાન કરે અને મુખ્યમંત્રીશ્રીની ઉદાત્ત ભાવનાને સાર્થક કરે.

ગુજરાતમાં થી પ્રેરણા લઈને અન્ય રાજ્યોના પાંજરાપોળોના ટ્રસ્ટીઓ તેમના સ્થાનિક સાંસદ અને સ્થાનિક વિધાનસભ્યના માધ્યમથી અથવા તો રાજ્યના મુખ્યમંત્રી કે નાણાંમંત્રીને મળીને પોતાના રાજ્યમાં આ યોજના ચાલુ કરવા માટે કોશિશ કરવી જોઈએ. કેન્દ્ર સરકારે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવું હોય, પશુ પાલકની મદદ કરવી હોય તો ગામડે-ગામડે ગોચર વિકાસ માટે ભારતના દરેક પાંજરાપોળના વિકાસના માસ્ટર પ્લાનનો અમલ કરવો જોઈએ. ગુજરાતમાં ગૌ સેવા,ગૌ રક્ષા અને સંવર્ધન માટે અનેકગણી જાગૃતિ છે. વિશ્વમાં ગુજરાત રાજ્યમાં આવેલું પાલિતાણા એક એવું ગામ છે, જે શુધ્ધ શાકાહારી છે.

કોરોના કાળ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રીએ ગૌ સેવા માટે આ અનુદાન આપીને દરેકના મન મોહી લીધા એમ ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સદસ્ય અને વૈશ્વિક સ્તરે જન,જંગલ,જમીન,જનાવર,જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.