ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ માટે ૬.૯૨ લાખ કરોડ અને એનપીએથી ઝઝુમતી બેંકોને ઉગારવા ૨.૧૧ લાખ કરોડ ફાળવવાનો નિર્ણય
નોટબંધી અને જીએસટી સહિતના પગલાને પરિણામે દેશના અર્થતંત્રને માઠી અસર પહોંચી છે. ગત કવાર્ટરમાં અર્થતંત્રનો વિકાસ મંદ થયો હોવાની અનુભૂતિ થઈ છે. જેથી સરકારે અર્થતંત્રને ઉભુ કરવા ૯ લાખ કરોડનો બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં ૬.૨૨ લાખ કરોડ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે વાપરવામાં આવશે. જયારે રૂ.૨.૧૧ લાખ કરોડ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન બેંકો પાછળ વપરાશે.
ગઈકાલે નાણા પ્રધાન અ‚ણ જેટલીએ પાંચ સેક્રેટરી અને ચિફ ઈકોનોમીક એડવાઈઝરી સહિતના નિષ્ણાંતો સાથેની બેઠક બાદ ૯ લાખ કરોડનો બુસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. સરકાર આગામી સમયમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર અને બેંકો ઉપર વધુ ધ્યાન આપશે તેવું જણાય આવે છે. ઈન્ફ્રાસ્ટ્રકચર પ્લાન હેઠળ આગામી પાંચ વર્ષમાં ૮૩૬૭૭ કિ.મી.ના રોડ રસ્તા બનાવવામાં આવશે. જેનાથી રોજગારીની તકો પણ ઉભી થશે.
એલપીએની મસમોટી સમસ્યાનો સામનો કરી રહેલી સરકારી બેંકોની સ્થિતિ સુધારવા માટે સરકારે આગામી ૨ વર્ષમાં આ બેંકોમાં ૨.૧૧ લાખ કરોડની મુડી ઠાલવવાનો નિર્ણય લીધો છે. રૂ.૧.૩૫ લાખ કરોડ રીકેપીટલાઈઝેશન બોન્ડ પેટે જયારે રૂ.૭૬૦૦૦ કરોડ બજેટમાં ફાળવવામાં આવશે. આગામી ત્રિમાસીક ગાળામાં જીડીપીમાં વૃદ્ધિ જોવા મળશે તેવો દાવો કરાયો છે.
નાણા પ્રધાન અ‚ણ જેટલીએ આ મામલે કહ્યું હતું કે, આગામી ૨ નાણાકીય વર્ષમાં સરકારી બેંકોમાં મુડી ઠાલવવાનું કાર્ય પૂરું કરવામાં આવશે. સરકારી બેંકોને નાણા પૂરા પાડવા ઉપરાંત આગામી મહિનાઓમાં મોટાપાયે બેન્કિંગ સુધારા પણ હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે, ભારતીય અર્થતંત્ર મજબૂત છે અને તે દરેક પ્રકારના પડકારોનો સામનો કરવા સક્ષમ છે.
તેમણે જણાવ્યું હતું કે, બોન્ડ અંગેની વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, સરકારી બેંકોની એનપીએ માર્ચ ૨૦૧૫માં ૨.૭૫ લાખ કરોડ હતી. જે જૂન ૨૦૧૭માં વધીને ૭.૩૩ લાખ કરોડ સુધી આંબી ગઈ હતી. વર્ષ ૨૦૧૫માં રજૂ કરવામાં આવેલા ઈન્દ્રધનુષ રોડ મેપ હેઠળ સરકારે ૪ વર્ષોમાં સરકારી બેંકોને ૭૦ હજાર કરોડ રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ ૨૦૧૫-૧૬માં સરકારી બેંકોને ૨૫૦૦૦ કરોડ ફાળવાયા હતા. ત્યારબાદના વર્ષોમાં પણ આટલી જ રકમ ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં વધારાના ૧૦ હજાર કરોડ ફાળવવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી મંડળે આગામી પાંચ વર્ષમાં ૭ લાખ કરોડ રૂપિયાના ખર્ચે ૮૩૦૦૦ કિ.મી.ના હાઈ-વે પ્રોજેકટને મંજૂરી આપી છે. આ નિર્ણયથી રોજગારીનું સર્જન થશે તેવો દાવો સરકારે કર્યો છે. આ હાઈ-વે પ્રોજેકટના કારણે ૧૪.૨ કરોડ માનવદિવસોની રોજગારી સર્જાશે. આ સંદર્ભમાં જેટલીએ કહ્યું હતું કે, વિકાસ વધારવા અને રોજગારીનું સર્જન કરવા સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં ખર્ચ કરવાનું ચાલુ રાખશે. સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર માટે મંજૂર કરેલા ૭ લાખ કરોડ રૂપિયામાં ૫.૩૫ લાખ કરોડ રૂપિયાની ભારતમાળા યોજનાનો પણ સમાવેશ થાય છે.