લોકોનાં આયુષ્યને ધ્યાને રાખી આરોગ્યલક્ષી યોજના ‘આયુષ્યમાન ભારત’માં ગેરરીતીની ભીતિ સર્જાતા હવે સરકાર દ્વારા ઈન્ટેલીજન્ટનો ઉપયોગ કરશે
દેશમાં જન આરોગ્યની સુરક્ષાને વધુ લોક ભોગ્ય બનાવતી સરકારની આરોગ્ય વિમા યોજના ‘આયુષ્યમાન ભારત’ને દેશમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. આ યોજનાની લોકપ્રિયતાની સાથે-સાથે તેમાં ગેરરીતી અને ભ્રષ્ટાચારની ફરિયાદો પણ વ્યાપક બની છે ત્યારે સરકાર આયુષ્યમાન ભારતની આ યોજનાને ભ્રષ્ટાચારથી સુરક્ષિત રાખવા માટે આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ એ-આઈ થી સુરક્ષિત કરવાનું વિચારી રહી છે.
આયુષ્યમાન ભારતની જનઆરોગ્ય વિમા યોજના મધ્યમ અને ગરીબ વર્ગનાં નાગરિકો માટે ભાગ્યાનો ભેરૂ બની રહી છે ત્યારે આ યોજનામાં સરકાર દ્વારા અપાતી સહાયનાં નાણા બારોબાર હજમ કરી જવા માટે ખોટા બિલો, આરોગ્ય તપાસણી, લાભાર્થીઓનાં નામોનો દુરઉપયોગ જેવી ગેરરીતિઓ થતી હોવાની ફરિયાદ ઉઠી છે. આ યોજના તેનાં અમલમાં ૧૦ મહિનામાં જ ૩૦ લાખ લોકોએ લાભ લીધો અને કેટલીક ગેરરીતિઓ પણ સામે આવી છે. રાષ્ટ્રીય આરોગ્ય વિભાગે ૪૮ હોસ્પિટલોને ગેરરીતિ બદલ નોટીસો આપી છે અને ૩૧ની માન્યતા રદ કરી છે.
ત્રણ કેસમાં તો ફોજદારી ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. સરકારી તબીબો ખોટી રીતે ખાનગી હોસ્પિટલનાં બિલો રજુ કરતાં ઝડપાયા હતા. અન્ય એક કિસ્સામાં સરકારી હોસ્પિટલમાં નોકરી કરતાં તબીબો પોતાની જ ખાનગી હોસ્પિટલમાં કે જયાં કોઈ નિષ્ણાંત તબીબો ન હોવા છતાં દર્દીઓને રીફર કરીને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ખોટા બિલ બનાવી પૈસા ઉચાપત કર્યા હોવાનું બહાર આવ્યું છે.
આ યોજના અંતર્ગત હોસ્પિટલોને પણ નિશ્ચિત નિયમોનું પાલન કરવાનું હોય છે.
કેટલીક હોસ્પિટલો મોડીરાત્રે કાર્યરત રહેતી હોય છે જેની મંજુરી હોતી નથી. આ બધી ગેરરીતીઓને પકડી પાડવા માટે સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા આર્ટીફિશીયલ ઈન્ટેલીજીયનસ ટુલનો સહારો લેવાયો છે. આ નવા સોફટવેરથી આયુષ્યમાન ભારત યોજનાનાં નિયમોની અમલવારીની ચોકસાઈ, લાભાર્થીની સાચી ઓળખની ચકાસણી, વહિવટમાં પારદર્શકતા, ગ્રાન્ટની ફાળવણી, દાવાઓ તેની ચુકવણી ખાનગી હોસ્પિટલોની લાભાર્થીઓને અપાતી સુવિધાની ચોકસાઈ જેવી બાબતો આર્ટીફીશીયલ ઈન્ટેલીજીયન્સ ટુલ્સથી ચકાસવામાં આવશે અને ખુબ જ લોકપ્રિય બનેલી આયુષ્યમાન ભારત યોજનાની લોકપ્રિયતાને લાભ લઈ નાણા કમાવવાનો દુરુપયોગ ન થાય તે માટે એ.આઈ ટુલ્સનું શસ્ત્ર વાપરવા માટે સરકાર તૈયાર છે.