‘દિવસ પછીનો દિવસ કયો’?
કોરોના વાયરસના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સેકટરને કરવેરા ભરવા, વ્યાજદરમાં રાહત આપવા સહિતના નિર્ણયો લેવાશે
નાણા મંત્રાલય અને વડાપ્રધાન કાર્યાલયના ટોચના જવાબદારો વચ્ચે બેઠક: ઈમ્પોર્ટ-એકસ્પોર્ટ ડયૂટી ઘટાડવાની શકયતા
કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં ઉદ્યોગ-ધંધા ઠપ્પ થઈ ગયા છે. ૨૧ દિવસના લોકડાઉન બાદની સ્થિતિ થાળે પાડવા સરકારે અત્યારથી જ કવાયત શરૂ કરી છે. તાજેતરમાં જ સરકારે ગરિબોને કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ પેકેજ જાહેર કર્યું હતું. હવે આગામી સમયમાં ઉદ્યોગો માટે પણ સરકાર રાહતનો પટારો ખોલશે. ખાસ કરીને સ્મોલ, મીડિયમ અને માઈક્રો એટલે કે લઘુ ઉદ્યોગો માટે સરકાર ટેકસ-ડયુટીમાં રાહત આપે તેવી શકયતા સેવાઈ રહી છે.
વર્તમાન સમયે ઉદ્યોગોને રાહત મળે તે હેતુથી સરકારે વર્લ્ડ બેંકનો સંપર્ક પણ સાધ્યો છે. હેલ્થકેર ઈન્ફાસ્ટ્રકચર ઉભુ કરવાની સાથો સાથ ઉકોનોમીને માંદગીમાંથી ઉગારવાની તૈયારી સરકારે કરે છે. વર્તમાન સમયે કોરોના વાયરસના કારણે સૌથી વધુ અસર નાના અને મધ્યમ ઉદ્યોગોને થઈ છે. આયાત નિકાસનું ક્ષેત્ર તો જાણે લગભગ બંધ જ થઈ ગયું હોય તેવું ફલીત થઈ રહ્યું છે.
આવા સંજોગોમાં ટેકસ ભરવા માટેનો સમયગાળો લંબાવાશે. આ ઉપરાંત ઈમ્પોર્ટ અને એકસ્પોર્ટ પર લાગતા કરવેરામાં પણ ઘટાડો થશે તેવી ધારણા છે. એકસ્પોર્ટ ઉપર ચડી ગયેલા કરવેરા ઉપરનો ટેકસ પણ ઘટી જશે.
રિટેલ, ક્ધઝયુમર ડયુરેબલ અને એકસ્પોર્ટ સહિત સર્વિસ સેકટરમાં સંકળાયેલા એવીએશન, હોસ્પિટાલીટી, ફૂડ, ટ્રાવેલ એન્ડ ટુરીઝમ સહિતના ક્ષેત્રને વર્તમાન સમયે સૌથી ગંભીર અસર થઈ છે. ૨૫ માર્ચથી શરૂ થયેલા લોકડાઉનની સમયગાળામાં આ ક્ષેત્ર લગભગ પડી ભાંગ્યું છે. આવા સંજોગોમાં સરકાર આર્થિક સહાય ન કરે તેના સ્થાને કરવેરામાં અનેકગણી રાહત આપે તેવી આશા સેવાઈ રહી છે. તાજેતરમાં નાણાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલયના મુખ્ય અધિકારીઓ વચ્ચે ટેકસ-ડયુટીમાં રાહત આપવાને લઈ ચર્ચા થઈ હતી.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ કોરોના વાયરસના કારણે જે સેકટરને સૌથી વધુ અસર થઈ છે તેવા સેકટર્સને શોધવામાં આવશે. કરવેરા ભરવા પાછલ સમય મર્યાદા વધારાશે. આગામી સમયમાં ભારતીય અર્થતંત્રને કોરોનાના કારણે કમરતોડ ફટકો પડવા જઈ રહ્યો છે. અર્થતંત્રની ગતિ ઘટી જશે તે વાસ્તવિકતા છે. કોરોનાના કારણે જીડીપીને થનારી ગંભીર અસરને ખાળવા માટે સરકારે અંદાજીત ૨ લાખ કરોડ રૂપિયાનું પેકેજ તૈયાર કર્યું છે. આ પેકેજ અંતર્ગત સામાન્ય લોકો અને ઉદ્યોગોને વિવિધ સહાય પૂરી પડાશે. તાજેતરમાં જ સરકારે ૧.૭ લાખ કરોડનું પેકેજ ગરીબો માટે જાહેર કર્યું હતું. ત્યારબાદ હવે કરવેરાને લગતુ પેકેજ જાહેર થશે તેવી સંભાવના છે.
ગત શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપોરેટમાં ૭૫ બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. આ ઉપરાંત કેસ રિઝર્વ રેશિયો પણ ૧૦૦ બેઝીસ પોઈન્ટ ઘટાડી દેવાયો હતો. બજારમાં લીકવીડીટી જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કેન્દ્ર સરકાર દ્વારા થયા હતા. આગામી સમયમાં અર્થતંત્રને ફટકો પડશે તેવી દહેશત વચ્ચે હજુ કેટલાક સુધારા નાણા મંત્રાલય દ્વારા થાય તેવી આશા ઉદ્યોગો દ્વારા રાખવામાં આવી રહી છે. જો કોરોના વાયરસના કેસ સતત વધશે તો લોકડાઉનનો કોઈ ફાયદો નિવડશે નહીં. અલબત લોકડાઉન વચ્ચે લોકોની રોજીરોટી બરકરાર રહે તે સુનિશ્ર્ચિત કરવા સરકારે તૈયારીઓ કરી છે.
કોરોનાની એક-બે-સાડા ત્રણ !!!
પૂરવઠાનો અવરોધ ન ઉભો થાય તે માટે જી-૨૦ દેશોએ બજારો ખુલ્લી મુકવા હિમાયત કરી !!
કોરોના વાયરસ સામે આખુ વિશ્ર્વ ઝઝુમી રહ્યું છે. કોરોના વાયરસના કારણે તમામ દેશોના અર્થતંત્રને અસર થઈ છે. તાજેતરમાં જી-૨૦ના મંત્રીઓની બેઠકમાં આ બાબત ચર્ચાનો મુખ્ય મુદ્દો હતો. ગત અઠવાડિયે પાંચ ટ્રીલીયન ડોલર વૈશ્ર્વિક અર્થતંત્રમાં ઠાલવવાનો નિર્ણય લેવાયો હતો. જ્યારે અત્યારની બેઠકમાં વાયરસની સ્થિતિ વચ્ચે પણ બજારો ખુલ્લી મુકવાની હિમાયત જી-૨૦ના સભ્યોએ કરી હતી. ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સતત ધબકતું રહે તેવી સલાહ પણ અપાઈ હતી. ફ્રાન્સ, જર્મની અને ભારતના પ્રતિનિધિઓએ મેડિકલ સપ્લાયને બરકરાર રાખવા હિમાયત કરી હતી. સપ્લાય ચેનમાં કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ર્ચિત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે માર્કેટ ધમધમતુ રહેશે તો અર્થતંત્રને ઓછી નકારાત્મક અસર થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. જેથી પુરવઠામાં અવરોધ ઉભો ન થાય તે માટે માર્કેટ ધમધમતી રાખવા જી-૨૦ના સભ્યોએ હિમાયત કરી હતી.
કેપિટલ માર્કેટમાં એક સરખી સ્ટેમ્પ ડયુટીની અમલવારી પહેલી જૂલાઇ સુધી મોકૂફ
કેપીટલ માર્કેટમાં લાંબા સમયથી અલગ અલગ રાજ્યો મુજબ અલગ અલગ સ્ટેમ્પ ડયૂટી ઉઘરાવવામાં આવે છે. કોમોડીટી, ઈકવીટી, ડિસેટ સિક્યુરીટી, ફયુચર્સ ઓપ્શન કરન્સી, ડાયરેવીટીસ, ગર્વમેન્ટ સિક્યુરીટી, કોર્પોરેટ બોન્ડ, ઓફ માર્કેટ ટ્રાન્જેકશન સહિતની સર્વિસ ઉપર વિભિન્ન રાજ્યો અલગ અલગ સ્ટેમ્પ ડયૂટી ઉઘરાવતી હોય છે.
જેથી ચાલુ વર્ષે ૧લી એપ્રીલથી કેપીટલ માર્કેટમાં એક સરખી જ સ્ટેમ્પ ડયૂટી રહે તેવી અમલવારી થવાની હતી. જો કે, અમલવારી કોરોના વાયરસના કારણે મોકુફ રાખવામાં આવી છે.
હવે ૧લી જુલાઈ બાદ એક સમાન સ્ટેમ્પ ડયૂટીની અમલવારી થશે. નાણાકીય વર્ષમાં કોઈ છુટછાટ નથી પરંતુ સ્ટેમ્પ ડયૂટીની અમલવારીની સમય મર્યાદા વધારાઈ છે.
હપ્તા ભરવા કે નહી ? કોરોનાને લઇ બેન્કના હપ્તા ભરવાની અસમંજસની સ્થિતિ લોકોને મુંજવે છે !
કોરોના વાયરસના સંક્રમણથી દેશને બચાવવા માટે ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી. ૨૧ દિવસ દરમિયાન લોકોની રોજીરોટી ઉપર ગંભીર અસર થઈ છે. જેના કારણે હોમલોન, પર્સનલ લોન સહિતની ટર્મ લોન લેનાર વ્યક્તિઓ ચાલુ મહિનામાં હપ્તા નહીં ભરી શકે તેવી શકયતા હતી. આવા સંજોગોમાં સરકારે જૂન સુધી હપ્તા નહીં ભરાય તો પેનલ્ટી નહીં લાગે તે પ્રકારની રાહત આપી હતી. જો કે, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, કોટક બેંક અને એક્સિસ બેંક જેવી ટોચની ખાનગી બેંકો દ્વારા હજુ સુધી ગ્રાહકોને સ્પષ્ટ જાણકારી અપાઈ ન હોવાનું સામે આવી રહ્યું છે. આજે ૩૧મી માર્ચ છે ત્યારે ઘણા લોકોને હપ્તા કપાઈ જશે તેવા મેસેજ મળવા લાગ્યા છે. આવા સંજોગોમાં હપ્તા ભરવા કે નહીં તેવી અસમંજસ લોકોને છે. સત્તાવાર જાણકારી ન હોવાના કારણે લોકો મુંઝાયા છે. પેનલ્ટી લાગવી, ચેક બાઉન્સ થવો સહિતના કિસ્સામાં મસમોટા ચાર્જ ભરવાની મજબૂરી લોકો સમક્ષ આવી ઉભી રહી જશે. આવા સંજોગોમાં બેંકો દ્વારા સ્પષ્ટતા થાય તે જરૂરી છે.
આજે ૩૧મી તારીખ : બેંકોના નાણાનો ફલો જળવાય તે માટે સરકારે કોથળા ખુલ્લા કર્યા
મહિનાનો અંત થઈ ચૂકયો છે. ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન નાણાકીય લેતીદેતીમાં અનેક અડચણો જોવા મળી છે. બેંકોમાં તરલતા જળવાઈ રહે તે માટે સરકારે પગલા લીધા છે. મહિનાના અંતમાં લોકોને બેંકમાંથી પુરતા પ્રમાણમાં નાણા મળે તેવી તૈયારી કરવા બેંકોને આદેશ અપાઈ ચૂકયા છે. તાજેતરમાં સરકાર દ્વારા ખેડૂતો, વૃદ્ધો, વિધવા સહિતના લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત ડાયરેકટ બેનિફીટ ટ્રાન્સફર થયા હતા. આ ટ્રાન્સફરના નાણા લોકો સરળતાથી ઉપાડી શકે તે જરૂરી છે. એકાઉન્ટમાં જમા થયેલા નાણા આવતીકાલથી ઉપાડી શકાશે. આવા સંજોગોમાં એક સાથે મોટો જથ્થો બેંકોમાંથી ઉપડે તો મુશ્કેલી ઉભી થઈ શકે છે જેથી સરકારે બેંકોમાં પુરતા પ્રમાણમાં નાણાનો ફલો જળવાઈ રહે તે માટેના વિવિધ આદેશો અપાયા છે. એટીએમમાં નાણા રહે તે માટે પણ બેંકોને સુચનાઓ અપાઈ છે.
વાંચકો જોગ ખુશખબર
કોરોના વાયરસની મહામારીથી બચવા ૨૧ દિવસના લોકડાઉનમાંથી આપણે સૌ પસાર થઈ રહયાં છીએ. આ વિકટ પરિસ્થિતિમાં પણ વાંચકોને અવનવી, સચોટ અને માહિતીસભર સામગ્રી પીરસવાના અમારા પ્રયત્નો બરકરાર છે. ત્યારે આવા કપરા સંજોગોમાં અબતક સાંધ્ય દૈનિકના વાંચકો માટે અમે એક ખુશખબર લઈને આવ્યા છીએ. ચાલુ વર્ષે લવાજમ ભરનાર વાંચકોને એક મહિનો વધુ સમય ‘અબતક’નો લહાવો મળશે. એટલે કે, તા. ૧-૪-૨૦૨૦થી શરૂ થનાર લવાજમ તા. ૩૧-૩-૨૦૨૧ના રોજ પૂર્ણ થવાનું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લવાજમ ૩૦-૪-૨૦૨૧ સુધી લંબાવવામાં આવ્યું છે.એટલે કે વાંચકને ૧૩ મહિના ‘અબતક’ મળશે. જેની નોંધ લેવા વાંચકોને અનુરોધ.