હાર કર જીતને વાલે કો ‘મોદી’ કહેતે હૈ
અટકી પડેલા ૧૬૦૦ પ્રોજેક્ટસને પૂરા કરવા સરકારે ૨૫ હજાર કરોડના ‘ઓલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ’ને મંજૂર કર્યું
છેલ્લા ઘણા સમયથી દેશનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર મંદ ગતિથી ચાલી રહ્યું હતું ત્યારે ઘણા સમયથી દેશનું નાણા મંત્રાલય રીયલ એસ્ટેટ ક્ષેત્રને બેઠુ કરવા માટે તનતોડ મહેનત અને પ્રયત્ન કરી રહ્યું છે. સ્ટ્રેસ ફંડથી માંડી અનેક ઉપાયો હાથ ઉપર લેવામાં આવ્યા હતા જેથી રીયલ એસ્ટેટ ક્ષેત્ર ફરી ધમધમતું થાય. એક તરફ નરેન્દ્ર મોદીનું લોકો માટે ઘરનાં ઘરનું સ્વપ્ન તો બીજી તરફ દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ હોવાનાં કારણે સ્વપ્ન કેવી રીતે પૂર્ણ કરવું તે દિશામાં ગંભીરતાપૂર્વક નાણામંત્રાલય દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો હતો. આ તકે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બંધ પડેલા ૧૬૦૦ જેટલા પ્રોજેકટો છે તેને લાભ આપવા ઓલ્ટરનેટીવ ફંડ પેટે ૨૫,૦૦૦ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે જેમાં એનપીએ થયેલા પ્રોજેકટોને પણ સમાવેશ કરવામાં આવશે. આ કાર્યમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એલઆઈસી પણ સહભાગી થઈ સરકારની મદદ કરી રીયલ એસ્ટેટ ક્ષેત્રને ફરી બેઠુ કરવા માટે મહેનત કરશે.
આ નિર્ણય બાદ નેશનલ ક્રેડાઈનાં ચેરમેન જક્ષય શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકોનું જે ઘરનાં ઘરનું સ્વપ્ન છે તે હવે સરકાર પૂર્ણ કરશે. વધુમાં તેઓએ માહિતી આપી હતી કે, જેમ-જેમ પ્રોજેકટો પૂર્ણ થશે તેમ સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે. નાણામંત્રાલય દ્વારા જે ૨૫૦૦૦ કરોડ રૂપિયાનું ઓલ્ટરનેટીવ ફંડ માટેની જે મંજુરી આપી છે તે પડતર પ્રોજેકટોને પૂર્ણ કરવા માટેનાં છે જેમાં એનપીએ થયેલા પ્રોજેકટોનો પણ સમાવેશ થશે. જે કોઈ ઘર ખરીદનાર લોકોએ પુરા રૂપિયા ભરી દીધા છે તેમણે ઘણો ફાયદો પહોંચશે. હાલ પ્રારંભિક ધોરણે કેન્દ્ર સરકારનાં નાણામંત્રાલય દ્વારા ૨૫૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને જેમ જરૂરીયાત પડશે તેમ તેમાં વધારો કરવામાં આવશે. નાણામંત્રાલય દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી પ્રોજેકટની ગુણવતાને પણ ઘણી ખરી અસર જોવા મળશે અને બજારમાં રૂપિયો પણ ફરતો થશે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બુધવારે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રિય મંત્રીમંડળની બેઠક પછી આ જાણકારી આપી હતી. નાણાંમંત્રીએ પત્રકારોને કહ્યું કે આ ૨૫,૦૦૦ કરોડ રુપિયાના ભંડોળ માટે સરકાર, ભારતીય સ્ટેટ બેંક અને એલઆઈસી નાણાં ઉપલબ્ધ કરાવશે. જેમાં સરકાર તરફથી ૧૦ હજાર કરોડનું ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નોંધનીય છે કે મંગળવારે નાણાંમંત્રીએ કહ્યું હતું કે હવે આર્થિક સુધારાઓના પગલા ઝડપથી ઉઠાવવામાં આવશે. સીતારમણે કહ્યું કે આ ભંડોળથી ૪.૫૮ લાખ ઘરની ૧,૬૦૦ આવાસ યોજનાઓને ફાયદો થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે એ સ્પષ્ટ જણાવ્યું કે આ ૨૫,૦૦૦ કરોડ રુપિયાના રોકાણથી અટકેલી યોજનાઓ માટે તબક્કાવાર ધન ઉપલબ્ધ કરાવવામાં આવશે. તબક્કો પૂરો થયા પછી જ રકમ પહોંચાડવામાં આવશે. જેમાં સરકારનું યોગદાન ૧૦ હજાર કરોડનું હશે. આગળ અનેક સંસ્થાન પણ તેની સાથે જોડાશે અને પછી ફંડની રકમ વધારી શકાય છે. નાણાંમંત્રીએ કહ્યું કે,આ ફંડ દ્વારા એક એકાઉન્ટમાં રુપિયા નાખીને અપૂર્ણ પ્રોજેક્ટને લાભ આપવામાં આવશે. શરુઆતમાં આ એકાઉન્ટ એસબીઆઈ પાસે હશે. રેરામાં જે પણ અધૂરા પ્રોજેક્ટ છે. તેમાં એક પ્રોફેશનલ અપ્રોચ હેઠળ સહયોગ આપવામાં આવશે. તેને આખરી સ્ટેજ સુધી મદદ કરવામાં આવશે. એટલે ૩૦ ટકા કામ અધૂરું છે તો જ્યાં સુધી પ્રોજેક્ટ પૂરો ન થાય, તેને મદદ કરવામાં આવશે જેથી તે હોમ બાયર્સને જલદીથી મકાન હેન્ડઓવર કરી શકાય. જો આ એનપીએ પણ હશે તો પણ તેની મદદ કરવામાં આવશે. આ સાથે જ નાણાંમંત્રીએ કહ્યું કે એનસીએલટી હેઠળ આવતા પ્રોજેક્ટ પણ તેનો ફાયદો ઉઠાવી શકશે. જો કંપની લિક્વિડેશન તરફ જશે તો ફાયદો નહીં મળી શકે. નાણાંમંત્રી સીતારમણે એ કહ્યું કે,અમે પહેલા જ કહ્યું હતું કે ઘર ખરીદવા ઈચ્છનાર માટે જાહેરાત થશે. અનેક હોમ બાયર્સે અમને સંપર્ક કર્યો હતો. એડવાન્સ આપ્યા પછી પણ તેમને ફ્લેટ નથી મળી રહ્યો એવી ફરિયાદ હતી. મંત્રાલયના આંકડાઓ અનુસાર ૧,૬૦૦થી વધારે હાઉસિંગ પ્રોજેક્ટ રોકાયેલા છે અને ૪.૫૮ હાઉસિંગ યુનિટ પર કામ રોકાયેલું છે. તેમણે કહ્યું કે ગત બે મહિનામાં અસર પામેલા લોકો અને બેંકો સાથે અનેક બેઠક થઈ હતી. એક બેઠકમાં તો રિઝર્વ બેંકના ગવર્નર પણ હાજર રહ્યાં હતાં. જેમણે હોમ બાયર્સના હિતમાં અનેક સૂચનો કર્યા હતાં. નાણાંમંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે જો કોઈ યુનિટનો એક પ્રોજેક્ટ શરુ થયો છે અને પૂરો થઈ શક્યો નથી, તો તેને સહયોગ મળશે પણ તે કંપનીનો બીજો પ્રોજેક્ટ જે શરુ નથી થયો, તેને લાભ નહીં મળે.
દેશની અર્થવ્યવસ્થા જયારથી ડામાડોળ થઈ છે તેનું અલગ-અલગ કારણ માનું એક કારણ એ છે કે વિલફુલ ડિફોલ્ટરો વધુને વધુ હોવાથી દેશની અર્થવ્યવસ્થાને તેની માઠી અસર પહોંચી છે. આ તકે રીયલ એસ્ટેટ ક્ષેત્ર પણ અન્ય ક્ષેત્રની જેમ સૌથી વધુ પ્રભાવિત થયું છે. જોવાનું એ રહ્યું કે જો દેશની અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરવી હોય તો રીયલ એસ્ટેટ ક્ષેત્રને વધુને વધુ ધમધમતું કરવું પડશે. કારણકે જેટલો વધુ રૂપિયો બજારમાં ફરશે તેટલી વધુ તરલતા જોવા મળશે. હાલની સ્થિતિમાં દેશની અર્થવ્યવસ્થા નબળી હોવાનાં કારણે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ મંદીનાં કાળા વાદળો ઘેરાયા છે. બજારમાં તરલતા ન હોવાનાં કારણે અનેકવિધ પ્રોજેકટો પણ અટકી પડેલા છે. જયારે સરકાર દ્વારા રેરા જેવા જટીલ કાયદા લાગુ કરવાની સાથો સાથ રિયલ એસ્ટેટ ક્ષેત્ર બેઠુ થવાના બદલે જમીનદોસ્ત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ સરકારનું નવું બુસ્ટર ડોઝ રીયલ એસ્ટેટ ક્ષેત્રને કેવી રીતે ઉગાડશે તે જોવાનું રહ્યું.