દર વર્ષે ૧ કરોડ યુવાનોને રોજગારી આપવાનું લક્ષ્ય
દેશમાં રોજગારીના સર્જન માટે સરકાર અનેક પ્રોજેકટો ચલાવી રહી છે. આગામી બજેટમાં મોદી સરકારે સૌપ્રથમ નેશનલ એમ્પલોયમેન્ટ પોલીસી જાહેર કરવાનો નિર્ણય લીધો છે. જેમાં સોશ્યલ અને લેબર પોલીસીને પણ આવરી લેવામાં આવશે.
દેશની સૌપ્રથમ એમ્પલોયમેન્ટ પોલીસી આગીમી બજેટમાં જાહેર થાય તેવી શકયતા છે. બજેટ વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ બાદ જાહેર કરવામાં આવશે. પોલીસીમાં સરકાર વધુને વધુ રોજગારી નિર્માણ માટે પ્રોત્સાહનો પુરા પાડશે. જે ઉદ્યોગો વધુને વધુ રોજગારી પુરા પાડતા હશે તે ઉદ્યોગોને સરકાર પ્રોત્સાહન આપશે.
દેશના એક કરોડ યુવાનોને ગુણવત્તાસભર રોજગારી મળી રહે તે માટે સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. સરકાર દર વર્ષે ૧ કરોડ યુવાનો રોજગારીમાં જોડાય તેવું ઈચ્છે છે. હાલ દેશના ૪૦ કરોડ યુવાનોમાંથી માત્ર ૧૦ ટકા યુવાનો ઓર્ગેનાઈઝ ક્ષેત્રમાં રોજગારી ધરાવે છે. વધુને વધુ યુવાનોને રોજગારી મળી શકે તેવા હેતુથી સરકાર નેશનલ એમ્પલોયમેન્ટ પોલીસી લાવવા જઈ રહી છે.
વિગતો મુજબ વર્ષ ૨૦૧૫માં રોજગારી નિર્માણના આંકડા ૬ વર્ષના તળીયે હતા.
વર્ષ ૨૦૧૩માં ૪૧૯,૦૦૦ વર્ષ ૨૦૧૪માં ૪૨૦૦૦૦ નોકરીઓનું નિર્માણ થયું હતું. જયારે વર્ષ ૨૦૧૫માં માત્ર ૧૩૫૦૦૦ રોજગારીનું નિર્માણ જ થયું હતું. માટે સરકાર આગામી વર્ષે રોજગારીમાં બહોળું પ્રદાન કરવા માંગે છે.