સરકારી અધિકારીઓએ કામ માટે ઝૂમ એપ્લીકેશનનો ઉપયોગ ન કરવા તાકીદ કરી
કોરોનાનાં કહેર વચ્ચે જયારે લોકડાઉન જોવા મળી રહ્યું છે ત્યારે લોકો માટે અને લોકોના મુખે જે એપ્લીકેશન સૌથી વધુ ચર્ચામાં છે તે ઝુમ એપ્લીકેશન હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ શું ઝુમ એપ્લીકેશન સુરક્ષિત છે તે પણ એક મોટો પ્રશ્ર્ન ઉદભવિત થયો છે.
આ તકે સરકારે ચેતવણી આપી છે કે, સરકારી અધિકારીઓએ સરકારી કામ માટે ઝુમ એપ્લીકેશનનો ઉપયોગ ન કરવો તે માટે મિનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સનાં સાયબર કોર્ડીનેશન સેન્ટર દ્વારા તાકિદ કરવામાં આવી છે. વિડીયો કોન્ફરન્સીંગને લઈ ઈન્ડિયા સાયબર ઈમરજન્સી રીસ્પોન્સ ટીમ દ્વારા અનેકવિધ વખત ચેતવણીઓ પણ આપવામાં આવી છે કે, ઝુમ એપ્લીકેશન મારફતે કોઈપણ કાર્ય માટે વિડીયો કોન્ફરન્સ ન કરવી જોઈએ. સાયબર કોડિનેશન સેન્ટર દ્વારા ઝુમ એપ્લીકેશન જોખમી હોવાનાં કારણો બતાવવામાં આવ્યા છે જેમાં
૧. સાયબર ક્રિમીનલ ઝુમ એપ્લીકેશન મારફતે લોકોની સંવેદનશીલ માહિતીઓ હેક કરી શકે છે.
૨. ઝુમ દ્વારા જે કોન્ફરન્સ કરવામાં આવતી હોય તે પણ હેક થઈ શકે છે. બાર્કની મીટીંગ હેક થઈ ગઈ હોવાથી બેઠક સ્થગિત કરવામાં આવી હતી.
૩. ઓથોરાઈઝડ ઝુમ મીટીંગ દ્વારા ગેરપ્રવૃતિઓ પણ થઈ શકતી હોવાની આશંકા સેવાઈ છે.
૪. યોગ્ય રીતે અને પૂર્ણ આવડત વગર ઝુમ એપ્લીકેશનનાં ઉપયોગથી અન્ય લોકો પણ વિડીયો કોન્ફરન્સમાં જોડાય શકે છે કે જેઓને ઈનવાઈટ એટલે કે આમંત્રિત કરવામાં આવ્યા ન હોય.
૫. ઝુમ એપ્લીકેશનમાં ઉશ્કેરાભર્યા સમાચારો પણ નજરે પડતા હોય છે.
૬. ઝુમ એપ્લીકેશન મારફતે લોકોનાં સંવેદનશીલ એટલે કે કોમ્ફિડેશિયલ ડેટા લીક થતા હોય છે.
૭. ઝુમ એપ્લીકેશન એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શનની સેવા ન આપતી હોવાથી સિકયોરીટીને લઈ બહુ મોટા પ્રશ્ર્નો ઉદભવિત થતા હોય છે.
૮. ઝુમ એપ્લીકેશનનો ઉપયોગ યોગ્યતાપૂર્વક ન કરવાથી યુઝરનાં ઈ-મેઈલ અને યુઝરનાં ફોટો લીક થતા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે.
આ તમામ મુદાઓ એવા છે જેનાથી લોકપ્રિય બનેલી ઝુમ એપ્લીકેશન તમામ વર્ગ માટે અત્યંત જોખમી બની છે ત્યારે સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ સહિત અનેકવિધ લોકોને આ એપ્લીકેશનનો ઉપયોગ ન કરવા તાકિદ પણ કરી છે.