ભાદર તારા ‘ગંદા’ પાણી !
રાજયની તમામ નદીઓમાં થતા પ્રદુષણને રોકવા રૂપાણી સરકારે નદી કાયાકલ્પ સમિતિની રચના કરી
ગુજરાત રાજયમાં અતિઝડપથી ઔદ્યોગીકરણ થઈ રહ્યું છે. રાજય સરકારની ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે પ્રદુષણની સમસ્યા વિકરાળ બનતી જાય છે. જેના કારણે સૌરાષ્ટ્રની ભાદર સહિતની મોટાભાગની નદીઓનાં પાણી પ્રદુષિત થઈ ગયા છે. જેથી, ભાદર સહિતની રાજયની તમામ પ્રદુષિત નદીઓને પ્રદુષણ મૂકત કરવા રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલે રાજય સરકારને તાકીદ કરી હતી જેથી, રૂપાણી સરકારે નદી કાયાકલ્પ સમિતિની રચના કરીને નદીઓને પ્રદુષણ મૂકત કરવા કમર કસી છે.
ગુજરાતનો સર્વાંગી વિકાસ કરવા માટે રાજય સરકારે વિવિધ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો હતો. રાજકોટ જિલ્લાના જેતપૂરનાં દાયકાઓ જૂના સાડી ઉદ્યોગને પ્રોત્સાહન આપતા મોટી સંખ્યામાં સાડીઓનાં કારખાનાઓ શરૂ થવા લાગ્યા હતા આજે જેતપૂરમાં ૨૦૦૦ જેટલા નાના મોટા સાડીના કારખાનાઓ ધમધમી રહ્યા છે આ કારખાનાઓમાંથી નીકળતા પ્રદુષિત પાણી સીધા ભાદર નદીમાં ભળી જતા હોય પ્રદુષિત લાલપાણીની સમસ્યા અતિ વિકરાળ બની જવા પામી છે. આવી જ હાલત ઔદ્યોગીક વસાહતો પાસે આવેલી રાજયની અન્ય નદીઓની થવા પામી છે.
રાજયની મોટાભાગની નદીઓનાં પાણી પ્રદુષિત થવાની સમસ્યા વિકરાળ બની હતી આ અંગેની ફરિયાદો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ને થઈ હતી જેથી ટ્રીબ્યુનલે રાજયની પ્રદુષિત નદીઓનો શુધ્ધ કરવા રાજય સરકારને સુચના આપી હતી જેથી રૂપાણી સરકારે તાજેતરમાં નદી કાયાકલ્પ સમિતિ બનાવવાની જાહેરાત કરી છે.
આ સમિતિને રાજયભરની નદીઓમાં પ્રદુષણને અંકુશમાં લેવાની અને રાજયની બધી મુખ્ય નદીઓનાં કાયાકલ્પ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. દેશમાંનદીઓની પૂજા કરવામાં આવે છે. પરંતુ સૌથી વધુ પ્રદુષિત પાણી પણ ભારતમાં જ છે. ત્યારે હવે રાજય સરકારે પ્રદુષિત પાણીને શુધ્ધ કરવાની ઝુંબેશ ઉપાડી છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની માર્ગદર્શન મુજબ રાજયોએ છ મહિનાની અંદર તમામ પ્રદુષિત નદીઓને શુધ્ધ કરવા અંગેનો એકશન પ્લાન બનાવવો પડશે.
રાજય પર્યાવરણ અને વનવિભાગ અંતર્ગત અર્બન ડેવલોપમેન્ટ મીશનના ભાગરૂપે પર્યાવરણ ડાયરેકટર, ફોરેસ્ટ,કમિશ્નર અને મ્યુનીસીપાલીટી ઓફીસર એમ ચારસભ્યોની કમીટીની રચના કરવામાં આવશે. જેમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ મદદરૂપ બને તેમજ પર્યાવરણ મંત્રાલય દ્વારા સુપરવિઝન કરવામાં આવશે. આ પહેલા પણ રાજય દ્વારા પ્રદુષિત પાણીને શુધ્ધ કરવા અંગેની પોલીસી બનાવવામાં આવી હતી. પરંતુ ગ્રામ્ય વિસ્તારની નદીઓનાં શુધ્ધીકરણ ઉપર પૂરતુ ધ્યાન આપવામાં આવ્યું નહતુ ત્યારે હવે ફરી વખત નદીઓને શુધ્ધ કરવાનાં પ્રયત્નો કરવામાં આવશે.