આયાતી મેડિકલ ડિવાઈસ પર ૫-૧૫ ટકા સુધી ડયૂટી નાખવા સરકારને ઘરેલું ઉત્પાદકોની ભલામણ
આયાતી મેડિકલ સાધનોના કારણે ઘરેલું ઉત્પાદનોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. પરિણામે ઘરેલું મેડિકલ સાધનોના ઉત્પાદકોને બચાવવા માટે સરકાર આયાત થતા ઉત્પાદનો ઉપર ડયૂટી વધારે તેવી શકયતા છે. બજેટમાં ઘર આંગણે થનારા ઉત્પાદનને વેગવાન બનાવવા માટે સરકાર કેટલાક પગલા લેશે.
મેઈક ઈન ઈન્ડિયા યોજનાને પ્રોત્સાહન આપવા માટે પણ આયાતી મેડિકલ સાધનો ઉપરનો ટેકસ વધારવાની ભલામણ થઈ છે. એસોસીએશન ઓફ ઈન્ડિયન મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીઝ સહિતના સ્થાનિક સંસ્થાઓએ સરકારને બજેટ પહેલા આયાત થતા મેડિકલ સાધનોને ૫ થી ૧૫ ટકાના સ્લેબમાં મુકવા ભલામણ કરી હતી. હાલ આ પ્રકારના સાધનો ઉપર માત્ર ૫ ટકા સુધી જ ટેકસ લાગે છે.
વિદેશથી આયાત થતા મેડિકલ સાધનો સસ્તા હોય છે. સ્થાનિક ઉત્પાદકોને આટલી સસ્તી કિંમતે મેડિકલ સાધનો પુરા પાડતા પોસાય તેમ નતી. માટે સરકાર સીધી રીતે આયાતી સાધનો ઉપર ટેકસ વધારી દેશે. માટે બન્ને વચ્ચેની હરીફાઈ વધી મજબૂત બની શકે. ફાર્મા કયુટીકલ ક્ષેત્રમાં ભારતનું બહુ મોટુ યોગદાન છે પરંતુ વિદેશી સાધનોના કારણે ઘરેલું ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે. ઈમ્પ્લાન્ટ મટીરીયલ, ઈન્સ્ટ્રુમેન્ટ સહિતના અનેક સાધનો વિદેશથી આયાત થાય છે.
બીજી તરફ સરકારે મેડિકલ ડિવાઈસ ઉત્પાદન ક્ષેત્રમાં અડકતરી રીતે ૧૦૦ ટકા એફડીઆઈને મંજૂરી આપી છે માટે ઘરેલું ઉત્પાદકો અને વિદેશી ઉત્પાદકો વચ્ચેની સ્પર્ધા વધુ ઘેરી બને તેવી શકયતા છે. અલબત સ્પર્ધાના લાભ ગ્રાહકોને થાય તે વધુ ઈચ્છનીય ગણી શકાય.