જૂનમાં અનાજના 16.3 ટકા ફુગાવાને અંકુશમાં રાખવા રશિયાથી 90 લાખ ટન ઘઉં આયાત કરાશે
સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિકસિત બનાવવા માટે અનેકવિધ પગલાંઓ લઈ રહ્યું છે એટલું જ નહીં ફુગાવાના દરને અંકુશમાં રાખવા માટે પણ સરકાર દ્વારા અનેક યોજનાઓને અમલી બનાવી છે. ત્યારે ઘઉંના ભાવ ને નિયંત્રણમાં રાખવા માટે સરકાર રશિયા પાસેથી નવ મિલિયન ટન ઘઉંની આયાત કરશે. સરકાર દ્વારા જે રશિયા પાસેથી ઘઉંની આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ જ એ છે કે હાલ જે રીતે માંગમાં વધારો નોંધાયો છે અને સામે જે રીતે જે ભાવમાં સતત ઉછાળો જોવા મળે છે ત્યારે તેને અંકુશમાં રાખવા માટે સરકાર દ્વારા ઘઉંની આયાત કરવામાં આવશે.
તજજ્ઞોનું માનવું છે કે ઘઉંમાં જે ભાવ વધારો નોંધાયો તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સરકારે સ્ટોક નિયંત્રણ રાખવાની કામગીરી હાથ ધરી હતી અને ઘઉં ને ઓપન માર્કેટ એટલે કે વિવિધ માર્કેટિંગ યાર્ડમાં વહેંચવામાં આવ્યા હતા. પરિણામ સ્વરૂપે સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. અનાજમાં છૂટક ફુગાવો જે રીતે વધી રહ્યો છે તેને અંકુશમાં રાખવા માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. ગત જુન મહિનામાં આ દર ૧૬.૩ ટકા નોંધાયો હતો. એવી જ રીતે જથ્થાબંધ ભાવાંક ચાલુ નાણાકીય વર્ષ 2024ના જૂન મહિનામાં 7.6 ટકા નોંધાયો હતો. છેલ્લા છ મહિનામાં ઘઉં ચોખા અને અન્ય અનાજ ના ફુગાવાનો દર ડબલ ડિજિટમાં પહોંચી ગયો છે.
ફુગાવાને પહોંચી વળવા સરકાર દ્વારા ભાવ નિયંત્રણ કરવામાં આવ્યો છે અને પરિણામ સ્વરૂપે ઘઉંની આયાત કરવામાં આવે તેવી શક્યતા પણ સેવવામાં આવી રહી છે. તજજ્ઞોનું માનવું છે કે ઉત્પાદનમાં ઘટાડો થતાં સાથોસાથ સ્ટોક પણ પૂરતી માત્રામાં ન હોવાના કારણે વિકટ પરિસ્થિતિ ઉદભવિત થઈ છે સામે ઘઉંની માંગમાં પણ વધારો નોંધાતા ભાવ આસમાને પહોંચ્યા છે. વર્ષ 2023માં ભારતનું ઘઉં ઉત્પાદન 112.7 મિલિયન ટનનું હતું. માર્ચ મહિનામાં હિટવેવના પગલે ઘઉં ઉત્પાદન ઘટ્યું છે.