વિદેશી પર્યટકોની સંખ્યા ૨૦૧૬માં ૮૮ લાખ હતી જે ૨૦૨૫ સુધીમાં ૧.૫૩ કરોડ કરવાનું લક્ષ્ય: સૌરાષ્ટ્રમાં બીચ -અભ્યારણ્ય અને યાત્રાધામનો ત્રીવેણી સંગમ
ટુરિઝમને પ્રમોટ કરતા રીસોર્ટ અને હોટલોને સરકાર સહાય કરશે. આમ, હવે ટુરીઝમને પ્રમોટ કરતા ખાનગી ક્ષેત્રને પણ સરકાર નાણાકીય ભંડોળ થકી આર્થિક સહાય કરશે. આ સહાયની જાહેરાત ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રીસોર્ટ અને હોટેલનાં માલિકો માટે ‘ગૂડ ન્યૂઝ’ જેવી છે. કેમકે સૌરાષ્ટ્રમાં કાંઠાળ વિસ્તાર (બીચ), વન્ય પ્રદેશ કે અભ્યારણ્ય (ગીર) તેમજ સુપ્રસિધ્ધ યાત્રાધામો આવેલા છે જેના થકી ગુજરાત, સૌરાષ્ટ્રને સારી એવી ટુરિઝમ ઈન્કમ મળે છે. આના થકી રોજગારીની તકો પણ વધે છે તેમજ લોકલ લેવલે ધંધા વેપારને પણ ફાયદો થાય છે.અહી ખાસ ઉલ્લેખનીય છેકે દેશમાં ૭૫૦૦ કિલોમીટર લાબી કોસ્ટલાઈન છે. જે વિદેશી ટુરીસ્ટોને આકર્ષે છે. અહી બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડાથી ટુરીસ્ટો આવે છે. અને કુદરતી સૌદર્યની મજા માણે છે.
પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી અનુસાર વર્ષ ૨૦૧૬માં કુલ ૮૮ લાખ વિદેશી પર્યટકો ઉપરોકત દેશોમાંથી અહી પ્રકૃતિના ખોળે આળોટવા આવ્યા હતા. આ આંકડો વર્ષ ૨૦૨૫ સુધીમાં વધીને આશરે ૧.૫૩ કરોડ પહોચશે તેવી ધારણા રાખવામાં આવે છે. ટૂંકમાં ખાનગી ટુરીઝમ સેકટરને આર્થિક સહાય મળવાથી પર્યટન ઉદ્યોગ દિન દો ગૂના, રાત ચો ગૂના વધશે જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી બલ્કે સૌરાષ્ટ્રના પર્યટન ઉદ્યોગને પણ સૌથી વધુ ફાયદો થશે.
સૌરાષ્ટ્રમાં બીચ, અભ્યારણ્ય અને યાત્રાધામનો ત્રિવેણી સંગમ છે. જે તમામ કેટેગરીનાં પર્યટકોને આકર્ષવા સક્ષમ છે. અત્યારે વિદેશી પર્યટકોની ટકાવારી ૦.૬૩ ટકા છે.
તે ૨૦૨૦ સુધીમાં ૧% અને ૨૦૨૫ સુધીમાં ૨% કરવાની સરકારની નેમ છે. અને આ વિકાસમાં તેઓ ખાનગી રીસોર્ટને હોટલોને આર્થિક સહાય કરશે.
સરકાર ટૂરીઝમને પ્રમોટ કરતા પ્રાઈવેટ સેકટર હોટલ, રીસોર્ટ, ટ્રાવેલ એજન્સી, ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ, એરલાઈન વિગેરેને તેમના માર્કેટીંગ બજેટના ૫૦% આપવા સજજ છે.