પરદેશીઓસે ના અખિંયા મિલાના… પરદેશીઓ કો હે એક દિન જાના!
લોકતંત્રના મુળ આધાર સામાન્ય જન, છેવાડાના નાગરિક અને પછાત શ્રમજીવી મતદારોના મત ‘લેખે’ લાગે તેવી વ્યવસ્થા કરવાની અનિવાર્યતા હવે સમજવી જોઈએ
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની લોકશાહી હવે પરિપક્વ ગણાય છે. ચૂંટણીમાં લોકોના પ્રત્યેક મતની રાજદ્વારી કિંમત હવે અંકાવા લાગી છે પરંતુ છેવાડાના મતદારોના મતાધીકારની ખેવના કરવાની વ્યવસ્થામાં હજુ ક્યાંકને ક્યાંક રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકતાંત્રીક જાગૃતિ અને રાજદ્વારી સ્પર્ધામાં ચૂંટણીના પરિણામોમાં ૨ થી ૫ ટકા મતથી મોટી ઉથલ-પાથલ સર્જાતી હોય છે. તાજેતરમાં જ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં નજીવી ટકાવારીના ફેરફારથી અનેક નાની મોટી બેઠકો પર પરિણામ ફરી ગયા અને મુખ્યમંત્રી પદનો રાજયોગ એક છાવણીમાંથી બીજી છાવણી તરફ પ્રયાણ કરી ગયું.
ભારતની લોકતાંત્રીક વ્યવસ્થા અને ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા સુદ્રઢ બનાવવાના સતત પ્રયાસો થઈ રહ્યાં છે પરંતુ છેવાડાના મતદારો અને ખાસ કરીને રોજી રોટી અને અન્ય સામાજીક કારણોસર સ્થળાંતરીત થયેલા મતદારોની કોઈ ખેવના રાખતું નથી. સરકાર દ્વારા ભારતના લોકતંત્રને વૈશ્ર્વિક ફલક પર ઉજાગર કરવા અને બિન નિવાસી ભારતીયોને મતાધિકાર આપવાના પ્રયાસો થઈ રહ્યાં છે તેવા સંજોગોમાં ઘરના ઘંટી ચાટે અને પાડોશીને આટો જેવા સ્થિતિમાં વિદેશ મંત્રાલય દ્વારા બિનનિવાસી માલેતુજાર ભારતીયોને ઈ-બેલેટથી વિશ્ર્વના કોઈપણ ખુણે બેઠા-બેઠા ભારતની લોકતાંત્રીક ચૂંટણી વ્યવસ્થામાં ભાગ લઈ શકે તે માટેના પ્રયત્નો શરૂ થયા છે પરંતુ દેશમાં જ છિન્ન-ભિન્ન અવસ્થામાં ચૂંટણી સમયે પોતાના બુથથી દૂર રહેલા સ્થળાંતરીત મતદારોના મતની કોઈ ખેવના થતી નથી.
કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે ચૂંટણી પંચને બિનનિવાસી ભારતીયોના મતાધીકાર અને ઈલેકટ્રોનિક ટ્રાન્સમીટેડ પોસ્ટલ બેલેટ સીસ્ટમ, ઈટીપીબીએસના માધ્યમથી વિશ્વના ગમે તે દેશમાંથી ભારતમાં મતદાન આપવાની વ્યવસ્થાની ભલામણ કરી છે.
બિનનિવાસી ભારતીયોના મતાધિકાર અંગે વર્તમાન ચૂંટણીના નિયમ મુજબ ભારતમાં તે પોતાના મત ક્ષેત્રમાં મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. ચૂંટણીપંચે વિદેશ મંત્રાલય અને બિનનિવાસી ભારતીય સંગઠન સાથે ચર્ચા કરી છે. બિનનિવાસી ભારતીયોને મતાધિકાર આપવા માટેના પ્રયત્નો શરૂ થયા છે. ચૂંટણીપંચ દ્વારા ૨૭મી નવેમ્બરે આ અંગે ચૂંટણી અધિનિયમ ૧૯૬૧ અન્વય જોગવાઈ મુજબ બિનનિવાસી ભારતીયોને મતાધિકારની મંજૂરીની દરખાસ્ત મોકલી છે. આસામ, પં.બંગાળ, કેરળ, તામિલનાડુ, પોંડીચેરીમાં આગામી એપ્રીલ ૨ મહિનામાં ચૂંટણી યોજાય તે પહેલા આ વ્યવસ્થા બહાલ થઈ જશે.
ચૂંટણીપંચના મતદાન પત્રકમાં સત્તાવાર રીતે વિશ્વના વિવિધ દેશોમાં વસતા બિનનિવાસી ભારતીય મતદારોની સંખ્યા ૧.૧૭ લાખ જેટલી થવા જાય છે. દરિયા પારના આ મતદારો ચૂંટણી ટાંણે વતનમાં આવી શકતા નથી અને તેનાથી મતદાનથી વંચિત રહે છે. રોજગાર, અભ્યાસ અને અન્ય કારણ સબબ વિદેશમાં વસવાટ કરે છે પરંતુ માતૃભૂમિ સાથે નાતો છોડી શકતા નથી. કોવિડ-૧૯ જેવી મહામારીને લઈને પણ ચૂંટણી ટાણે આવી શકતા નથી. આવા મતદારોને હવે ઈ-વોટથી મતાધીકાર મળશે. ચૂંટણીપંચની આ દરખાસ્ત મુજબ એનઆરઆઈને ઈલેકટ્રોનિકલી બેલેટ ઈસ્યુ કરવામાં આવશે. રિટર્નીંગ ઓફિસર પાસેથી ૧૨ નંબરનું ફોર્મ લઈ જાહેરનામા પછી ઓછામાં ઓછા પાંચ દિવસમાં તેની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે અને મત આપ્યા બાદ ગણતરીના દિવસે ૮ વાગ્યા સુધીમાં તે મળી જવો જોઈએ. ભારતના વિદેશમાં વસતા નાગરિકો માટે મતાધિકાર માટે તંત્ર કવાયત હાથ ધરી રહ્યું છે પરંતુ દેશમાં ૩૩ ટકાથી વધુ સ્થળાંતરીત મતદારોની કોઈ ખેવના થતી નથી. ચૂંટણી દરમિયાન ૧-૧ મતની કિંમત હોય છે. લોકતંત્રમાં છેવાડાના મતદારોના મતને જ સાચી મુડી ગણવામાં આવે છે ત્યારે વિશ્વભરમાં ફેલાયેલા ૧.૧૭ લાખ મતદારોને મતદાન આપવાની તૈયારી થઈ રહી છે. ખરેખર રોજીરોટી અને આર્થિક સામાજીક કારણોસર વતનથી દૂર રહેલા અને ભારતમાં જ વસતા સ્થળાંતરીત નાગરિકોને મતદાન કરવાની સવલત આપવી જોઈએ. પરદેશમાં બેઠેલાઓને ઈ-વોટીંગની વ્યવસ્થા ઉભી કરાતી હોય તો દેશમાં જ હિજરતી અને સ્થળાંતરીત બનીને રહેતા નાગરિકોને પણ આવા અધિકારો આપવા જોઈએ. લોકતંત્રમાં લોકશાહીના મુળ આધાર એવા ગરીબ, મધ્યમ વર્ગ, શ્રમિજીવીઓ અને સ્થળાંતરીતોને મતાધિકાર આપવા માટેની વ્યવસ્થા થાય ત્યારે જ દેશનું લોકતંત્ર ખરા અર્થમાં પરિપક્વ બનશે.
ચૂંટણીમાં ઓછુ મતદાન કરાવીને પણ રાજકીય ખેલ પાર પાડવામાં આવે છે
બિનનિવાસી ભારતીયોને સેંકડો માઈલ દૂર મતાધિકાર મળતો હોય તો રોજીરોટી માટે દેશમાં જ પરદેશી બનીને વસતા સ્થળાંતરીતોને મતદાનથી શા માટે વંચિત રાખવામાં આવે છે. ચૂંટણીમાં ઘણી એવી હારજીત હોય છે કે જે આંગળીના વેઢે ગણાય તેટલા મતોથી થાય છે. નાના અને ગરીબ વર્ગના મતદારોને મતદાનથી દૂર રાખીને પણ હાર-જીતના ખેલ થતાં હોય છે ત્યારે લોકશાહીના આધાર ગણાતા છેવાડાના નાગરિકોને મતદાનનો અધિકાર મળવો જોઈએ.