સ્ટેમ્પ ડયૂટી મુક્તિ અને વ્યાજ દરમાં ઘટાડો થાય તેવી બિલ્ડરોની માંગ
તરલતામાં વધારાની સાથો સાથ સરકારે એફોર્ડેબલ હાઉસિંગમાં પ્રાઈવેટ બિલ્ડરોને પણ આપવી જોઈએ તક
સમગ્ર વિશ્ર્વમાં હાલ જ્યારે લોક ડાઉનની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આર્થિક રીતે અનેકવિધ ક્ષેત્રો મંદ પડી ગયા છે. લોકડાઉનના કારણે ધંધા-રોજગારો પણ બંધ થઈ જતાં લોકોને ચિંતાનો અનુભવ થઈ રહ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે. હાલ દેશની આર્થિક વ્યવસ્થા નબળી હોવાના કારણે અનેકવિધ ક્ષેત્રોને પણ તેની માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને સૌથી વધુ અસર પહોંચી હોય તેવું પણ હાલ જોવામાં આવી રહ્યું છે. લોકડાઉન થતાં તમામ પ્રવર્તીત રિયલ એસ્ટેટની સાઈટો બંધ થઈ ગઈ છે અને તેઓને હાલ લેબરોને લઈ ઘણી ખરી તકલીફો પણ ભોગવવી પડી રહી છે. આ પ્રસંગે ‘અબતક’ મીડિયાની ટીમ રાજકોટના નામાંકીત બિલ્ડરો સાથે ચર્ચા કરી તેઓને મુંઝવતા પ્રશ્ર્નો અંગે માહિતી મેળવી હતી. સરકારના આવકારદાયક પગલાઓને બિલ્ડરો દ્વારા બિરદાવવામાં પણ આવી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં બિલ્ડરોએ સરકારને અનેકવિધ રીતે ક્ષેત્રને વેગવંતુ બનાવવા માટેની રજુઆતો પણ કરેલી છે. સાથોસાથ હાલ જે અછત કારીગરોમાં જોવા મળી રહી છે તેને પણ વહેલાસર પૂર્ણ કરવા માટે પણ જણાવ્યું છે.
દેશ સેવા માટે બિલ્ડરોએ આગળ આવવું અત્યંત જરૂરી: જ્યોતિન્દ્રસિંહ જાડેજા
રાજકોટના નામાંકીત બિલ્ડર જ્યોતિન્દ્રસિંહ જાડેજાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમાં સૌથી જરૂરી ચીજવસ્તુઓ માટે બિલ્ડરોએ આગળ આવવું ખુબજ જરૂરી છે. બિલ્ડરો જો આગળ આવશે તો તે દેશ સેવામાં તેમનો મહત્તમ ફાળો આપી શકશે. હાલ સરકારને મદદની જરૂર છે. ત્યારે બિલ્ડરો જ એકમાત્ર એવો વિલ્કપ છે કે આ આફતના સમયની તકમાં પ્રવર્તીત કરી શકે છે. આ તકે જ્યોતિન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે, હાલ રિયલ એસ્ટેટની સ્થિતિ જે રીતે જોવા મળી રહી છે તેમાં બિલ્ડરોને સરકાર દ્વારા અનેકવિધ રીતે સહાય કરવામાં આવી રહી છે. ત્યારે હાલ આ ક્ષેત્રમાં લેબરોની તંગી જે જોવા મળે છે. હાલના સમયમાં ઓડિસ્સા, મધ્યપ્રદેશમાં લગ્નગાળો અને પ્રસંગો હોવાના કારણે કારીગરો તેમના વતન પરત ફરતા હોય છે. જેના કારણે પ્રોજેકટમાં ઘણાખરા અંશે ડિલે થતું જોવા મળે છે. હાલ જે કોરોનાને લઈ લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે ત્યારે બિલ્ડરો દ્વારા તમામ સ્થાઈ થયેલા કારીગરોને દરરોજનું અનાજ કરીયાણુ મળી રહે તે માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે. આ તકે તેઓએ માહિતી આપતા જણાવ્યું કે, બિલ્ડરો જે રીતે સ્ટેમ્પ ડયૂટી એકઝમશન માંગી રહ્યાં છે ત્યારે સરકારે ૧ ટકો જ સ્ટેમ્પ ડયૂટી રાખી છે જેથી તેનો ઘટાડો કરવો જરૂરી લાગતો નથી. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે તરલતાનો અભાવ જોવા મળી રહ્યો છે. તે આવનારા સમયમાં યથા યોગ્ય રીતે પૂર્ણ થઈ જશે. તેઓએ જણાવ્યું કે, અર્થતંત્ર માટે રીયલ એસ્ટેટ ક્ષેત્ર કરોડરજ્જુ સમાન છે. જેથી સરકારને પણ આ અંગેની ગંભીરતા છે. જે રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રીયલ એસ્ટેટ સેકટરને વેગવંતુ બનાવવાના પ્રયત્ન કરી રહ્યાં છે તે હકીકતે સરાહનીય.
આવનારા સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તરલતા અગત્યનો ભાગ ભજવશે: અમીતભાઈ ત્રાંબડીયા
બિલ્ડર અમીતભાઈ ત્રાંબડીયાએ ‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું કે, લોકડાઉન થતાંની સાથે જ રિયલ એસ્ટેટ ક્ષેત્રને અત્યંત માઠી પહોંચી છે. લોકડાઉન પહેલા પણ રિયલ એસ્ટેટ સેકટરને શ્ર્વાસ લેવા માટે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હતો. ત્યારે હવે તો આ ક્ષેત્ર સાવ મંદ પડી ગયું છે. આ તકે તેઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, લેબરોની જે પરિસ્થિતિ જોવા મળી છે તેનાથી આવનારા સમયમાં પ્રોજેકટ યોગ્ય સમયમાં પૂર્ણ કરવા બિલ્ડરોએ તનતોડ મહેનત કરવી પડશે. કોરોના વચ્ચે લેબરો તેમના વતન ચાલ્યા ગયા હોવાથી તેઓને અનેકવિધ વખત સમજાવવામાં પણ આવ્યા હતા પરંતુ આ મહામારી વચ્ચે તેઓને ના પાડવા છતાં વતન પરત ફર્યા છે. ત્યારે હાલ સાઈટ ઉપર ઉપસ્થિત રહેલા કારીગરોને તેમનું રોજની ખાદ્ય સામગ્રી મળી રહે તે માટેની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ તકે અમીતભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આવનારા સમયમાં બેંકોએ વધુ પ્રમાણમાં અને ઉદાર વલણ રાખી બિલ્ડરોને લોન આપવી પડશે અને વ્યાજદરમાં પણ ઘટાડો કરવો પડશે. જો સ્ટેમ્પ ડયૂટીમાંથી બિલ્ડરોને મુક્તિ મળે તો બિલ્ડરોને ઘણી ખરી રાહત પણ પહોંચશે. તેઓએ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તરલતાને લઈ ઘણા ખરા પ્રશ્ર્નો પણ ઉદ્ભવીત કર્યા હતા અને સરકાર સમક્ષ માંગણી પણ કરી હતી કે, રિયલ એસ્ટેટ ક્ષેત્રને બેઠુ કરવા અને ધમધમતુ કરવા માટે પુરતા પ્રમાણમાં નાણા મળતા થઈ જાય. અંતમાં તેઓએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઘણા વર્ષોથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે તેજી જોવા મળવી જોઈએ તે જોવા મળતી નથી. ત્યારે આવનારો સમય આ ક્ષેત્ર માટે અત્યંત કઠીન સાબીત થશે પરંતુ જે રીતે સરકાર ગંભીરતાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે જે વિચારી રહી છે તેનાથી લાગે છે કે આવનારા સમયમાં ક્યાંકને ક્યાંક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે.
વર્તમાન સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર પથારી વશ થઈ ગયું છે: મનસુખભાઈ ઝાલાવડીયા
યુનિટી ગ્રુપના મનસુખભાઈ ઝાલાવડીયાએ ‘અબતક’ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, હાલના વર્તમાન સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માંદુ નહીં પણ પથારી વશ થઈ ગયું છે. જો આ ક્ષેત્રને યોગ્ય સમયમાં બેઠુ નહીં કરાય તો ઘણી ખરી તકલીફનો સામનો પણ કરવો પડશે. આ તકે મનસુખભાઈએ માહિતી આપતા જણાવ્યું કે, સરકાર એફોર્ડેબલ હાઉસીંગમાં જે સરકારી બિલ્ડરોને સ્થાન આપે છે ત્યારે જો આ ક્ષેત્રમાં પણ પ્રાઈવેટ બિલ્ડરોને સ્થાન આપે તો બિલ્ડરોની સ્થિતિમાં ઘણા ખરા અંશે સુધારો પણ થઈ શકે છે. હાલ લેબરોના અભાવે ચાલુ પ્રોજેકટો પણ બંધ હાલતમાં જોવા મળે છે. બિલ્ડરો દ્વારા જે નિર્ધારીત સમયમાં પ્રોજેકટ પૂર્ણ કરવાનો જે વિશ્ર્વાસ દાખવ્યો હોય તે હવે પૂર્ણ નહીં થઈ શકે. કારણ કે, એક તરફ કારીગરોની અછત અને બીજી તરફ લોકડાઉન થતાં સંપૂર્ણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. મનસુખભાઈ ઝાલાવડીયાએ જણાવતા કહ્યું કે, સરકારે અનેકવિધ પ્રકારે રાહત પેકેજો રીયલ એસ્ટેટ સેકટરને આપવાની જરૂર છે. જો આ કરવામાં સરકાર સફળતા પ્રાપ્ત કરશે તો આવનારો સમય રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ખુબજ સારો રહેશે. ક્યાંકને ક્યાંક અર્થ વ્યવસ્થાને બેઠી કરવા માટે સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્રને ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું કે, હાલના સમયમાં જો નાણાકીય સંકળામણમાંથી બિલ્ડરોને હટાવવામાં આવે તો ઘણા પ્રોજેકટો જે બંધ હાલતમાં છે તેમાં પણ પ્રાણ પૂરી શકાય. આ તકે બેંકો દ્વારા વ્યાજદરમાં પણ મહદઅંશે ઘટાડો કરવાની જરૂર રહેલી છે.
કારીગરોના અભાવે આવતા દિવસોમાં પ્રોજેકટો મોડા થશે: નિરવ ઉનડકટ
રાજકોટના બિલ્ડર નિરવ ઉનડકટે ‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું કે, હાલની સ્થિતિ જોતા તેઓને એ વાતની ચિંતા સતત સતાવી રહી છે કે, તેમના ચાલુ પ્રોજેકટો આવનારો સમયમાં ઘણા ખરા ડિલે થશે. જેમાં તેઓએ કારીગરોની અછતને મુખ્ય કારણ ગણાવ્યું હતું. નિરવભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર અનેકવિધ રીતે વિકાસલક્ષી પગલાઓ લઈ રહી છે પરંતુ જે રીતે તેની અમલવારી થવી જોઈએ તે ન થતાં ઘણી ખરી તકલીફોનો સામનો પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રના બિલ્ડરોને થઈ રહ્યો છે. તેઓએ તેમની નારાજગી અને ફરિયાદ વ્યકત કરતા જણાવ્યું હતું કે, રીતે નાણા બિલ્ડરોને મળવા જોઈએ તે પણ મળી શકતા નથી અને બેંકોનો ઉંચો વ્યાજદર ખુબજ તકલીફ ઉભી કરી રહ્યું છે. સરકાર આ ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રીત કરી થોડી રાહતો રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બિલ્ડરોને આપે તો ઘણી મદદ થઈ શકે તેમ છે. તેઓએ ઈન્કમટેકસમાંથી મુક્તિ અંગેની પણ માંગ સરકાર સમક્ષ કરી હોવાનું જણાવ્યું હતું. નિરવભાઈના જણાવ્યા અનુસાર દેશના અર્થતંત્ર માટે એકમાત્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર જ એવું ક્ષેત્ર છે કે જ્યાં તરલતા હોય તો અર્થ વ્યવસ્થાને ઘણો ખરો ફાયદો પહોંચી શકે તેમ છે. પરંતુ હાલ દેશમાં પણ તરલતાનો અભાવ હોવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને તેની અસરનો સામનો કરવો પડી રહ્યો છે.
સરકાર બિલ્ડરોને વધુ પ્રોત્સાહિત કરે તો રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રાણ પુરાશે: વિપુલભાઈ માકડીયા
રાજકોટના બિલ્ડર એવા વિપુલભાઈ માકડીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ રિયલ એસ્ટેટની પરિસ્થિતિ અત્યંત કથળેલી જોવા મળી રહી છે. પરંતુ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ આ ક્ષેત્ર માટે અત્યંત કારગત નિવડશે. તેઓએ જણાવ્યું હતું કે, સરકાર જે રીતે મદદ કરી રહી છે તેમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને ઘણો ખરો ફાયદો પહોંચ્યો છે. પરંતુ જરૂર છે કે આવનારા સમયમાં સરકાર આ ક્ષેત્ર ઉપર જો વધુ ધ્યાન કેન્દ્રીત કરશે તો રિયલ એસ્ટેટ ક્ષેત્ર આર્થિક અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ફાયદારૂપ સાબીત થશે. વિપુલભાઈ માકડીયાના જણાવ્યાનુસાર સરકાર દ્વારા રેરા જેવા જટીલ કાયદાને અમલી બનાવવાની સાથે ક્યાંકને ક્યાંક આ ક્ષેત્રને અનેકવિધ રીતે અસર પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. આ તકે તેઓએ સરકારને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જો બિલ્ડરોને યોગ્ય પ્રમાણમાં અને સરળતાથી નાણા ઓછા વ્યાજદર મળી રહે તો તેમના પડતર પડેલા પ્રોજેકટોને ફરી શરૂ કરી શકાશે. અંતમાં તેઓએ માહિતી આપી હતી કે, ગ્રાહકો પણ હવે અત્યંત ચતુર થઈ ગયા છે. ત્યારે હાલની પરિસ્થિતિ બિલ્ડરો માટે કપરી છે. પરંતુ આશા છે કે, સરકાર આ ક્ષેત્રને મંદ નહીં પડવા દે અને ફરીથી ધમધમતુ કરવા માટે વિકાસલક્ષી પગલાઓ પણ લેશે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રને બૂસ્ટર ડોઝ મળવો અનિવાર્ય: ગોપીભાઈ પટેલ
ધ લાઈફ સ્ટાઈલ ગ્રુપના યુવા બિલ્ડર ગોપીભાઈ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં જે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. તેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રની ઘણી અસર પહોંચી છે. આ તકે સરકાર જો મહત્વપૂર્ણ પગલાઓ લે તો રિયલ એસ્ટેટને ડુબતા બચાવી શકાશે. તેઓએ તેમની તકલીફો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ કારીગરોના અભાવે ચાલુ પ્રોજેકટોને ઘણી ખરી અસર પહોંચવા પામી છે. જેને દૂર કરવું અત્યંત જરૂરી છે. એક તરફ કારીગરોની અપુરતી અને જરૂરિયાત મુજબના નાણા ન મળતા બિલ્ડરો ઉપર આર્થિક સંકળામણ વધી રહ્યું છે જેનાથી તેઓને ઘણી ખરી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક બિલ્ડર પ્રજાને કંઈક અવનવું આપવા માટે તત્પર હોય છે પરંતુ જે યોગ્ય સહાય મળવી જોઈએ તે ન મળતા તે કરવામાં બિલ્ડરો સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. વધુમાં ગોપીભાઈ પટેલે રાજકોટ બિલ્ડર એસો.ના વખાણ કરી જણાવ્યું હતું કે, હાલ જે મહામારી જોવા મળી છે તેમાંથી રાજકોટની જનતાને કોઈ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. તેમના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી રાજકોટના હોવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર તરફનું તેમનું વલણ હકારાત્મક છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું કે, સરકાર જો આર્થિક રીતે બુસ્ટર ડોઝ રિયલ એસ્ટેટ ક્ષેત્રને આપે તો ઘણી ખરી તકલીફોનો નિવારણ થઈ શકે તેમ છે. સાથો સાથ વ્યાજદરમાં ઘટાડો પણ એટલા જ અંશે અત્યંત મહત્વનું છે. તેઓએ સરકારને અપીલ કરતા જણાવ્યું કે, સ્ટેમ્પ ડયૂટીમાંથી જો તેઓને મુક્તિ આપવામાં આવે તો તેમને પડતી હાલાકીમાંથી તેઓ મુક્ત પણ થઈ શકે છે.
અર્થ વ્યવસ્થા માટે રિયલ એસ્ટેટ ક્ષેત્ર કરોડરજ્જુ સમાન: ગોપાલભાઈ ચુડાસમા
બિલ્ડર ગોપાલભાઈ ચુડાસમાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, હાલનો સમય રિયલ એસ્ટેટ માટે અત્યંત મહત્વપૂર્ણ સમય છે. ત્યારે સરકાર દ્વારા આ ક્ષેત્રને મદદ મળી રહે તે માટે રજૂઆત પણ કરવામાં આવી છે. સરકારના વિકાસલક્ષી પગલાઓના કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રાણ પુરાય તે માટે જરૂરીયાત મુજબના તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. તેઓએ ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, કોરોનાના પગલે જે લોકડાઉન થયું છે તેનાથી તેમના ચાલી રહેલા પ્રોજેકટોને ઘણી ખરી અસર પહોંચશે. આર્થિક રીતે બિલ્ડર સીસી અને ઓવર ડ્રાફટ મારફતે તેમનો નાણાનો વ્યાપ વધારતા નજરે પડે છે. પરંતુ ધંધો રોજગાર બંધ થઈ જતાં નાણાની ખેંચ અત્યંત સત્તાવી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેમનું માનવું છે કે, રેરા જેવા કાયદામાંથી બિલ્ડરોને જો રાહત આપવામાં આવે તો આ ક્ષેત્ર દેશ માટે ઘણુ ખરુ કરી શકવા સક્ષમ છે. તેમના જણાવ્યા મુજબ ક્રેડાઈ ગુજરાત અને ક્રેડાઈ ઈન્ડિયા દ્વારા સરકારને અનેકવિધ મુદ્દે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે જેનું સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ પણ મળે છે. તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકડાઉન પછીનો સમય રીયલ એસ્ટેટ માટે નો સમય અંત્યત કપરો બનશે. કારણ કે, કારીગરોની અછત બેંકો તરફથી પુરતા પ્રમાણમાં નાણાનો અભાવ અને વ્યાજ દર ઉંચો હોવાથી ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ લોકડાઉનના કારણે પ્રોજેકટોમાં પણ ડીલે થવાની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ રિયલ એસ્ટેટ ક્ષેત્રે લીકવીડીનો પ્રશ્ર્ન છેલ્લા ઘણા સમયથી ઉદ્ભવીત થઈ રહ્યો છે ત્યારે આ ક્ષેત્ર અર્થ વ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન હોવાથી રિયલ એસ્ટેટને બેઠુ કરવા માટે સરકારે વિકાસલક્ષી પગલા લેવા અત્યંત જરૂરી બન્યા છે.