કોર્પોરેશન દ્વારા વોર્ડ નં. 2 અને 3નો સંયુક્ત આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં. 2 અને 3નો સંયુક્ત સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેનું દિપ પ્રાગટ્ય સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં જિલ્લા, તાલુકા કક્ષાએ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ યોજવામાં આવતા આ સેવા સેતુ કાર્યક્રમ થકી અત્યાર સુધીમાં અનેક નાગરિકોએ લાભ મેળવેલ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા છેલ્લા 25 વર્ષથી લોકોના કામ માટે લોકોના ઘર આંગણે જઈ, ધક્કા ખવડાવ્યા વગર લોકોના કામો થાય તે માટે સતતપણે પ્રયત્નો થતા રહ્યા છે. જેના ફળ સ્વરૂપે સેવા સેતુ કાર્યક્રમ થકી સરકાર લોકોના દ્વારે આવીને ઉભી છે જેથી લોકોએ સરકારના દ્વારે જવાની જરૂર નથી.
વર્તમાન રાજ્ય સરકાર દ્વારા લોકોના લાભાર્થે મુકાતી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવો એ સેવા સેતુ કાર્યક્રમનો હેતુ છે. જુદી જુદી 51થી વધુ સરકારી યોજનાઓની માહિતી, માર્ગદર્શન તેમજ તેનો સરળતાથી લાભ મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે મેયરે કહ્યું હતું કે, લોકોને જુદી જુદી કચેરીએ ધક્કા ન ખાવા પડે, પોતાનો સમય બચે તેવા શુભ હેતુથી જ રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુનો આયોજન કરેલ અને તબક્કાવાર સેવા સેતુ યોજવામાં આવી રહ્યો છે.
સરકારની વિવિધ સેવાઓ એક જ સ્થળે નિકાલ થાય તેવી વ્યવસ્થા કરાયેલ છે જેના કારણે લોકોને ખુબ જ રાહત થાય છે. 2016થી અત્યાર સુધીમાં જુદા જુદા તબક્કાના સેવા સેતુ યોજવામાં આવ્યા છે જેમાં રાજકોટ શહેરના 95000થી વધુ લાભાર્થીઓએ તેમનો લાભ લીધેલ છે.
સરકાર દ્વારા શોષિત, પીડિત, દીકરીઓ, વૃધ્ધો, દિવ્યાંગ વિગેરે માટે જુદા જુદા લાભો આપવામાં આવી રહ્યા છે. વિશેષમા એ જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકા પણ શહેરના ગરીબ અને માધ્યમ વર્ગના લોકોને આરોગ્યની સારવાર મળી રહે તે માટે શહેરમાં 21 આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે ઉપરાંત શ્રમિકોને પોતાના ધંધા રોજગાર કે નોકરીના સમય બાદ પ્રાથમિક સ્વાસ્થ્ય ચકાસણી કરાવી શકે તે માટે જુદા જુદા સલામ વિસ્તારોમાં સાંજના 5 થી 9 વાગ્યા સુધી દિનદયાળ ઔષધાલય શરુ કરવામાં આવ્યા છે આ સેવાને કારણે શ્રમિક વર્ગને પોતાનો રોજ (રોજગારી) ગુમાવી પડતી નથી. સરકારી શાળાઓમાં ભણતા બાળકોને પણ સ્કુલ બેગ, બુટ, મોજા, યુનિફોર્મ જેવી સુવિધા આપવામાં આવે છે. આમ, સરકાર તમામ વર્ગ માટે ચિંતા કરી રહી છે અને અનેક વિકાસોના કામોમાં અગ્રેસર રહી છે.