તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઓનલાઈન બાયોમેટ્રીક હાજરી
મોરબી જિલ્લામાં ૫૯૫ જેટલી પ્રાથમિક શાળાઓમાં ૯૪ હજાર જેટલા વિદ્યાર્થીઓ પાયાનું પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે સરકારી શાળા સુવિધાથી સુસજ્જ બને અને ગુણવત્તાસભર બને એ માટે શિક્ષણ વિભાગ દ્વારા અનેક કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં નિયમિતતા આવે એ માટે દરરોજ સર્વ શિક્ષા અભ્યાનની વેબસાઈટ પર ઓનલાઈન હાજરી પુરવામાં આવે છે અને સીટી વિસ્તારની કેટલીક શાળાઓમાં પ્રાયોગિક ધોરણે શિક્ષકોની બે વખત બાયોમેટ્રિક હાજરી પુરવામાં આવે છે, તેમજ વિદ્યાર્થીઓને પીવાનું પાણી ઠડું ચોખ્ખું મળી રહે એ માટે આર.ઓ.અને કુલર પુરા પાડવામાં આવ્યા છે.
તે ઉપરાંત મોરબી જિલ્લાની ૩૦ શાળાઓના ૯૪૫ જેટલા વિદ્યાર્થીઓ દૂરથી દફ્તરના ભાર સાથે ચાલીને ખૂબ તકલીફ વેઠીને આવતા હોય,આવા બાળકો માટે શાળાએ લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંતર્ગત ઈકો સ્ટાર,ક્રુઝર જેવા વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે,તેમજ સરકારી તરફથી જે તે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં શિષ્યવૃતિ અને ગણવેશના રૂપિયા જમા થઈ જતા હોય વિદ્યાર્થીઓ દ્વારા એક સરખા ગણવેશ તેમજ તમામના આઈ.કાર્ડ બનાવેલ છે, તમામ વિદ્યાર્થીઓ ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરે એવા હેતુસર દર શનિવારે ધો.૩ થી ૮ ના બાળકોની એકમ કસોટી લેવામાં આવે છે અને એકમ કસોટીમાં મેળવેલ માર્ક ઓનલાઈન કરવામાં આવે છે અને એના આધારે ઉપચારાત્મક કાર્ય કરવામાં આવે છે,ઉપરાંત ધોરણ બીજામાં બે વખત નિદાન કસોટી લેવામાં આવી અને એ નિદાન કસોટીના આધારે દરેક બાળકના રીપોર્ટ કાર્ડ ઓનલાઈન કાઢવામાં આવ્યા અને એના આધારે ધોરણ બીજામાં ઉપચારાત્મક કાર્ય દરેક શાળામાં થઈ રહ્યું છે.
એવી જ રીતે આગામી દિવસોમાં ધોરણ પહેલામાં સ્કૂલ રેડીનેશ પ્રોગ્રામ દ્વારા પહેલા ધોરણનો પાયો મજબૂત કરવામાં આવશે તેમજ ધોરણ ૬ થી ૮ ની શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ અપાઈ રહયું છે,દુરવર્તી શિક્ષણ માધ્યમથી રાજ્યકક્ષાએથી તજજ્ઞ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે,તેમજ વર્ચ્યુઅલ ક્લાસના માધ્યમથી પણ તજજ્ઞો દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે આવી રીતે અનેકવિધ પદ્ધતિ,પ્રવિધિ અને પ્રવૃત્તિથી શિક્ષણકાર્ય થતું હોય સરકારી પ્રાથમિક શાળાઓ ગુણવત્તાસભર અને સુવિધાથી સુસજ્જ બનેલ છે અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખ સતત શાળાઓની વર્ગોની મુલાકાત લઈ શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને વળી મોરબી જિલ્લાના અન્ય તાલુકાની સરખામણીમાં આર્થીક રીતે પછાત કહી શકાય એવો માળીયા તાલુકાને ડીપીઈઓએ ખુદ દત્તક લીધો છે અને અવારનવાર શાળાઓની મુલાકાત લઈ હેન્ડહોલડીંગ પૂરું પાડી રહ્યા છે.